न काङ्क्षे विजयं न च राज्यं सुखानि च ।
किं नौ राज्येन गोविन्द किं भोगैर्जीवितेन वा ॥ ३२ ॥
હે કૃષ્ણ ! હું વિજય ઇચ્છતો નથી, રાજ્ય ઇચ્છતો નથી અને સુખને પણ ઇચ્છતો નથી. હે ગોવિન્દ ! અમને રાજ્યથી શું લાભ? ભોગોથી શું લાભ? અથવા જીવવાથી પણ શું લાભ?
'न काङ्क्षे विजयं कृष्ण न च राज्यं सुखानि च' - માની લો કે યુદ્ધમાં અમારો વિજય થઇ જાય, તો વિજય થવાથી સમગ્ર પૃથ્વી ઉપર અમારું રાજ્ય થઇ થશે, અધિકાર થઇ જશે. પૃથ્વીનું રાજ્ય મળવાથી અમને અનેક જાતનાં સુખ મળશે. પરંતુ એ પૈકી હું કશું જ ઇચ્છતો નથી અર્થાત્ મારા મનમાં વિજય, રાજ્ય કે સુખની કામના નથી.
'किं नो राज्येन गोविन्द किं भोगैर्जीवितेन वा' - જ્યારે અમારા મનમાં કોઇ પ્રકારની (વિજય રાજ્ય અને સુખની) કામના જ નથી, તો પછી ગમે તેટલુંય મોટું રાજ્ય કેમ ન મળી જાય, પણ તેમનાથી અમને શું લાભ? ગમે તેટલાંયે સુંદર-સુંદર ભોગો મળી જાય પરંતુ તેનાથી અમને શું લાભ? અથવા કુટુંબીઓને મારીને અમે રાજ્યનું સુખ ભોગવતા ગમે તેટલાંયે વર્ષો સુધી જીવતા રહીએ, તો પણ એનાથી અમને શું લાભ? તાત્પર્ય એ છે કે એ વિજય, રાજ્ય અને ભોગ ત્યારે જ સુખ આપી શકે છે, કે જ્યારે મનમાં એની કામના હોય, એ પ્રિય લાગતું હોય અને એનું મહત્વ હોય. પરંતુ અમારા મનમાં તો એમની કામના જ નથી. આથી એ અમને શું સુખ આપી શકે? આ કુટુંબીઓને મારીને અમારી જીવવાની પણ ઇચ્છા નથી; કેમ કે જ્યારે અમારા કુટુંબીઓ મરી જશે ત્યારે એ રાજ્ય અને ભોગ કોના કામમાં આવશે? રાજ્ય, ભોગ વગેરે તો કુટુંબને માટે હોય છે, પણ જ્યારે એ જ મરી જશે, તો એમને કોણ ભોગવશે? ભોગવવાની વાત તો દૂર રહી, ઊલટું અમને વધારે ચિંતા થશે, શોક થશે !
સંબંધ - જેમાં શુભ શકુન દેખાતા નથી અને શ્રેય પણ દેખાતું નથી, એવો અનિષ્ટ કરનારો વિજય મેળવવાની અનિચ્છા અર્જુન આગળના શ્લોકમાં પ્રગટ કરે છે.