મંગલાચરણ

वासुदेवेन्द्रयोगीन्द्रं नत्वा ज्ञानप्रदं गुरुम् ।
मुमुक्षूणां हितार्थाय तत्वबोधोभिधीयते ॥
 
વાસુદેવેન્દ્રયોગીન્દ્રં નત્વા જ્ઞાનપ્રદં ગુરુમ્ ।
મુમુક્ષૂણાં હિતાર્થાય તત્વબોધોભિધીયતે ॥
 
[ભાવાર્થ]
જ્ઞાન પ્રદાન કરનાર ગુરૂ યોગીરાજ ભગવાન વાસુદેવને પ્રણામ કરી મુમુક્ષુઓના હિતાર્થે "તત્ત્વ-બોધ" ની રચના કરવામાં આવે છે.
 
[વ્યાખ્યા]
ગ્રંથ રચના પ્રારંભ કરવા પૂર્વ ઇશ્વર વંદના કરવી એ પ્રાચીન પરંપરા છે. આમાં ઇશ્વર ને પ્રાર્થના કરવામાં આવે છે કે ગ્રંથ નિર્વિઘ્ન સમાપ્ત થાય તથા જે ઉદ્દેશ માટે આ ગ્રંથની રચના કરવામાં આવી રહી છે, તે પૂર્ણ થાય. પ્રસ્તુત ગ્રંથ શ્રી શંકરાચાર્યજી દ્વારા લખવામાં આવ્યો છે. તેઓ ભગવાન વાસુદેવ શ્રીકૃષ્ણની વંદના કરે છે. ગીતાના અંતિમ શ્લોકમાં સંજય ભગવાન શ્રીકૃષ્ણને યોગેશ્વર રૂપમાં સ્મરણ કરે છે - "यत्र योगेश्वरो कृष्णः" અહીં એ રૂપમાં આચાર્ય શંકર સ્મરણ કરી વંદના કરે છે.
 
શ્રી કૃષ્ણનું બીજું નામ 'ગોવિન્દ' છે. શંકરાચાર્યના ગુરૂજીનું નામ પણ ગોવિન્દ ભગવદપાદ હતું. ઇશ્વર અને ગુરૂમાં કોઇ ભેદ નથી, તેથી શંકરાચાર્ય શ્રી કૃષ્ણ અને એમના ગુરૂજીની વંદના એક સાથે કરી લે છે.     ગ્રંથની પ્રારંભમાં અનુબન્ધ ચતુષ્ટયનો ઉલ્લેખ કરવાની પ્રથા છે. જેના દ્વારા ગ્રંથના અધિકારી, વિષય, સંબંધ અને પ્રયોજનનું જ્ઞાન થાય છે. શ્લોકની બીજી પંક્તિમાં આનો જ સંકેત કરવામાં આવ્યો છે. ગ્રંથનો અધિકારી 'મુમુક્ષુ' છે, એનો વિષય 'તત્વબોધ' છે, તત્ત્વ બોધ થવાથી મનુષ્ય મુક્ત થાય છે અને મુમુક્ષુઓનું હિત જ આ ગ્રંથનું પ્રયોજન છે. મુમુક્ષુ વગેરે પદોની વિસ્તૃત વ્યાખ્યા આગળ ગ્રંથમાં કરવામાં આવી છે.
 
======== * ========