જીવમાં એક તો ચેતન પરમાત્માનો અંશ છે અને એક જડ પ્રકૃતિનો અંશ છે. ચેતન-સંશના પ્રાધાન્યને કારણે તે પ્રમાત્માની ઇચ્છા કરે છે અને જડ-અંશના પ્રાધાન્યને કારણે તે સંસારની ઇચ્છા કરે છે. આ બન્ને ઇચ્છાઓમાંથી પ્રમાત્માની ઇચ્છા તો પૂર્ણ થવાવાળી છે જ નહિ. કેટલીક સાંસારિક ઇચ્છાઓની પૂર્તિ થતી હોવાનું દેખાવા છતાં પણ વાસ્તવમાં એમની નિવૃત્તિ નથી થતી, પરંતુ સંસારની આસક્તિને કારણે નવીનવી કામનાઓ પેદા થતી રહે છે. વાસ્તવમાં સાંસારિક ઇચ્છાઓની પૂર્તિ અર્થાત્ સાંસારિક વસ્તુઓની પ્રાપ્તિ ઇચ્છાને આધીન નથી, પણ કર્મને આધીન છે. પરંતુ પરમાત્માની પ્રાપ્તિ કર્મને આધીન નથી. પોતાની ઉત્કટ અભિલાષામાત્રથી પરમાત્માની પ્રાપ્તિ થઇ જાય છે. એનું કારણ એ છે કે પ્રત્યેક કર્મનો આદિ અને અંત હોય છે; એટલા માટે એનું ફળ પણ આદિ-અંતવાળું જ હોય છે. આથી આદિ-અંતવાળાં કર્મોથી અનાદિ-અનંત પરમાત્માની પ્રાપ્તિ કેવી રીતે થઇ શકે છે? પરંતુ સાધકોએ બહુધા એવું સમજી લીધું છે કે જેવી રીતે ક્રિયાની પ્રધાનતાથી સાંસારિક વસ્તુની પ્રાપ્તિને માટે શરીર, ઇન્દ્રિયો, મન અને બુદ્ધિની સહાય લેવી પડે છે, એવી જ રીતે પરમાત્માની પ્રાપ્તિને માટે શરીર, ઇન્દ્રિયો, મન અને સાધકો જડતા (શરીર વગેરે) ની સહાયથી અભ્યાસ કરતાકરતા પરમાત્માની તરફ ચાલે છે.
જેવી રીતે ધ્યાનયોગમાં લાંબા સમય સુધી અભ્યાસ કરતાંકરતાં અર્થાત્ પરમાત્મામાં ચિત્તને જોડતાંજોડતાં જ્યારે ચિત્ત નિરુદ્ધ થઇ જાય છે, ત્યારે એમાં સંસારની કોઇ ઇચ્છા ન રહેવાથી અને પોતે (ચિત્ત) જડ હોવાને કારણે પરમાત્માને ગ્રહણ ન કરી શકવાથી તે (ચિત્ત) સંસારથી ઉપરામ થઇ જાય છે. ચિત્તના ઉપરામ થઇ જવાથી સાધકનો ચિત્તથી અર્થાત્ જડતાથી સર્વથા સંબંધવિચ્છેદ થઇ જાય છે અને તે સ્વયં પરમાત્મતત્વનો અનુભવ કરી લે છે (અ. ૬/૨૦). પરંતુ જે સાધક આરંભની જ પરમાત્માની સાથે પોતાનો સ્વતઃસિદ્ધિ નિત્યસંબંધ માનીને અને જડતા સાથે પોતાનો કિંચિત્માત્ર પણ સંબંધ નહિ માનીને સાધન કરે છે, તેને બહુ જ જલદી અને સુગમતાપૂર્વક પરમાત્મતત્વનો અનુભવ થઇ જાય છે.
આ રીતે પરમાત્મતત્વની પ્રાપ્તિ ઇચ્છાવાળા સાધકોને માટે સાધનની બે શૈલીઓ છે. જ શૈલીમાં અંતઃકરણની પ્રધાનતા રહે છે અર્થાત્ જેમાં સાધક જડતાની સહાય લઇને સાધન કરે છે, એને ‘કરણસાપેક્ષશૈલી’ ના નામની અને જે શૈલીમાં પોતાની પ્રધાનતા રહે છે અર્થાત્ જેમાં સાધક આરંભથી જ જડતાની સહાય ન લેતાં પોતાને જ સાધન કરે છે, તેને ‘કરણનિરપેક્ષશૈલી’ ના નામથી ઓળખી શકાય છે. જોકે આ બન્નેય સાધનશૈલીઓથી પરમાત્મતત્વની પ્રાપ્તિ કરણનિરપેક્ષતાથી અર્થાત્ પોતાનાથી (જડતા સાથેનો સર્વથા સંબંધવિચ્છેદ થવાથી) જ થાય છે, તોપણ કરણસાપેક્ષશૈલીએ ચાલવાથી તેની પાપ્તિ શીઘ્રતાથી થાય છે. સાધનની આ બે શૈલીઓમાં ચાર મુખ્ય ભેદ છે –
(1) કરણસાપેક્ષશૈલીમાં જડતા (શરીર, ઇન્દ્રિયો, મન અને બુદ્ધિ) નો આશ્રય લેવો પડે છે, પરંતુ કરણનિરપેક્ષશૈલીમાં જડતાનો આશ્રય નથી લેવો પડતો, પરંતુ જડતા સાથે માની લીધેલા સંબંધનો વિચ્છેદ કરવો પડે છે.
(2) કરણસાપેક્ષશૈલીમાં એક નવી અવસ્થાનું નિર્માણ થાય છે, પરંતુ કરણનિરપેક્ષશૈલીમાં અવસ્થાઓહી સંબંધવિચ્છેદ થઇને અવસ્થાતીત તત્વનો અનુભવ થાય છે.
(3) કરણસાપેક્ષશૈલીમાં પ્રાકૃત શક્તિઓ (સિદ્ધિઓ) ની પ્રાપ્તિ થાય છે, પરંતુ કરણનિરપેક્ષશૈલીમાં પ્રાકૃત શક્તિઓ સાથેનો સંબંધવિચ્છેદ થઇને સીધો પરમાત્મતત્વનો અનુભવ થાય છે.(સંદર્ભ)
(સંદર્ભ) જો કરણસાપેક્ષશૈલી (ચિત્તવૃત્તિનિરોધ) થી સીધી પરમાત્મતત્વની પ્રાપ્તિ થઇ જાત, તો પાતંજલયોગદર્શનનો ‘વિભૂતિપાદ’ (જેમાં સિદ્ધિઓનું વર્ણન છે) વ્યર્થ થઇ જાત. કરણસાપેક્ષશૈલીમાં જે સિદ્ધિઓની પ્રાપ્તિ થાય છે, એ તો પરમતત્વની પ્રાપ્તિમાં વિઘ્ન છે. પાતંજલયોગદર્શનમાં પણ એ સિદ્ધિઓને વિઘ્નરૂપે માનવામાં આવી છે – ‘ते समाधावुपसर्गा व्युत्थाने सिद्धयः’ (૩/૩૭) અર્થાત્ એ (સિદ્ધિઓ) સમાધિની સિદ્ધિમાં વિઘ્નો છે અને વ્યુત્થાન (વ્યવહાર) માં સિદ્ધિઓ છે; ‘स्थान्युपनिमंत्रणे सङ्गस्मयाकरणं पोनरनिष्टप्रसङ्गात्’ (૩/૫૧) અર્થાત્ લોકપાલ દેવતાઓ દ્વારા (પોતાના લોકના ભોગોની લાલચ આપીને) બોલાવાતાં ન તો એ ભોગોમાં રાગ કરવો જોઇએ અને ન અભિમાન કરવું જોઇએ; કરણ કે એમ કરવાથી ફરીથી અનિષ્ટ (પતન) થવાની સંભાવના છે.
(4) કરણસાપેક્ષશૈલી ક્યારેક તત્કાળ સિદ્ધિ નથી મળતી, પરંતુ કરણનિરપેક્ષશૈલીમાં જડતાથી સર્વથા સંબંધવિચ્છેદ થવાથી, પોતાના સ્વરૂપમાં સ્થિતિ થવાથી અથવા ભગવાનને શરણે થવાથી તત્કાળ સિદ્ધિ મળે છે.
પાતંજલયોગદર્શનમાં તો યોગની સિદ્ધિને માટે કરણસાપેક્ષશૈલીને મહત્વ આપવામાં આવ્યું છે, પરંતુ ગીતામાં યોગની સિદ્ધિને માટે કરણનિરપેક્ષશૈલીને જ મહત્વ આપવામાં આવ્યું છે. પરમાત્મામાં મન લાગી ગયું, તો તો સારું છે, પણ મન ના લાગ્યું તો કંઇ જ ના થયું – આ કરણસાપેક્ષશૈલી છે. તાત્પર્ય એ છે કે કરણસાપેક્ષશૈલીમાં પરમાત્માની સાથે મનબુદ્ધિનો સંબંધ છે, આને કરણનિરપેક્ષશૈલીમાં મનબુદ્ધિથી સંબંધવિચ્છેદપૂર્વક પરમાત્માની સાથે પોતામો સંબંધ છે. એટલા માટે કરણસાપેક્ષશૈલીમાં અભ્યાસ દ્વારા ક્રમિક સિદ્ધિ મળે છે, પરંતુ કરણનિરપેક્ષશૈલીમાં અભ્યાસની આવશ્યકતા નથી. કારણકે પોતાનો પરમત્માની સાથેનો સ્વતઃસિદ્ધ નિત્યસંબંધ (નિત્યયોગ) છે. આથી ભગવાન સાથેનો સંબંધ માનવામાં અથવા જાણવામાં અભ્યાસની આવશ્યકતા નથી; જેમકે – લગ્ન થવાથી સ્ત્રી પુરુષને પોતાનો પતિ માની લે છે, તો એવું માનવા માટે તેણે કોઇ અભ્યાસ નથી કરવો પડતો. એવી જ રીતે કોઇના બતાવ્યાથી ‘આ ગંગાજી છે’ – એવું જાણવા માટે પણ કોઇ અભ્યાસ નથી કરવો પડતો(સંદર્ભ). કરણસાપેક્ષશૈલીમાં તો પોતાને માટે સાધન કરવા (ક્રિયા) ની પ્રધાનતા રહે છે, પરંતુ કરણનિરપેક્ષશૈલીમાં જાણવા (વિવેક) અને માનવા (ભાવ) ની પ્રધાનતા રહે છે.
(સંદર્ભ) વાસ્તવમાં પરમાત્માને માનવા અથવા જાણવાની બાબતમાં સંસારનું કોઇ પણ દ્રષ્ટાંત પૂર્ણ નથી મનાતું. કરણ કે સંસારને માનવા અથવા જાણવામાં તો મનબુદ્ધિ સાથે રહે છે, પણ પરમાત્માને માનવા અથવા જાણવામાં મનબુદ્ધિ સાથે નથી રહેતાં અર્થાત્ પર્માત્માનો અનુભવ પોતાનાથી થાય છે, મનબુદ્ધિથી નહી. બીજી વાત, સંસારને માનવા અથવા જાણવાનો તો આરંભ અને અંત હોય છે, પરંતુ પરમાત્માને માનવા અને જાણવાનો આરંભ અને અંત નથી હોતો. કરણ કે વાસ્તવમાં સંસારની સાથે આપણો (પોતાનો) સંબંધ છે જ નહી, જ્યારે પરમાત્માની સાથે આપણો સંબંધ સદાયથી છે અને સદાય રહેશે.
‘મારો જડતા (શરીર વગેરે) સાથે સંબંધ છે જ નહિ’ – એવો અનુભવ ન હોવા છતાં પણ જ્યારે સાધક એને આરંભની જ દ્રઢતાપૂર્વક માની લે છે, ત્યારે એને એવો જ સ્પષ્ટ અનુભવ થઇ જાય છે. જેવી રીતે તે ‘હું શરીર છું અને શરીર મારું છે.’ – આ પ્રકારની ખોટી માન્યતા કરીને બંધાયો હતો, તેવી જ રીતે ‘હું શરીર નથી અને શરીર મારું નથી’ – આ પ્રકારની સાચી માન્યતા કરીને મુક્ત થઇ જાય છે; કારણકે માની લીધેલી વાત ન માનવાથી એનો અંત આવી જાય છે – આ સિદ્ધાંત છે. આ જ વાતને ભગવાને ગીતામાં કહી છે કે આજ્ઞાની મનુષ્ય શરીર સાથે સંબંધ જોડીને એનાથી થવાવાળી ક્રિયાઓનો કર્તા પોતાને માની લે છે – ‘अहंकारविमूढात्मा कर्ताहमिति मन्यते’ (અ. ૩/૨૭) પરંતુ જ્ઞાની મનુષ્ય એ ક્રિયાઓનો કર્તા પોતાને નથી માનતો – ‘नैव किञ्चित्करोमीति युक्तो मन्येत तत्ववित्’ (અ. ૫/૮). તાત્પર્ય એ થયું કે વાસ્તવિક માન્યતાને દૂર કરવા માટે વાસ્તવિક માન્યતા કરવી જરૂરી છે.
‘હું હિંદુ છું’, ‘હું બ્રહ્મણ છું’, ‘હું સાધું છું’ વગેરે માન્યતાઓ એટલી દ્રઢ હોય છે કે જ્યાં સુધી એ માન્યતાઓને પોતે નથી છોડતો, ત્યાં સુધી એમને કોઇ બીજો નથી છોડાવી ધકતો. એવી જ રીતે ‘હું શરીર છું’, ‘હું કર્તા છું’ વગેરે માન્યતાઓ પણ એટલી દ્રઢ બની જાય છે કે એમને છોડવાનું સાધકને કઠિન માલૂમ પડે છે. પરંતુ આ લૌકિક માન્યતાઓ અવાસ્તવિક અને અસત્ય હોવાને કારણે સદા રહેવાવાળી નથી, પરંતુ દૂર થવાવાળી છે. એનાથી વિરુદ્ધ ‘હું શરીર નથી’, ‘હું ભગવાનનો છું’ વગેરે માન્યતા વાસ્તવિક અને સત્ય હોવાને કારણે કદી દૂર થતી જ નથી, પરંતુ એમની વિસ્મૃતિ થાય છે, એમનાથી વિમુખતા થાય છે. એટલા માટે વાસ્તવિક માન્યતા દ્રઢ થઇ જતાં માન્યતારૂપે નથી રહેતી, પરંતુ બોધ (અનુભવ) માં પરિણમે છે.
જોકે ગીતામાં કરણસાપેક્ષશૈલીનું પણ વર્ણન કરવામાં આવ્યું છે (જેમકે અ. ૪/૨૪-૩૦,૩૪, અ. ૬/૧૦-૨૮, અ. ૮/૮-૧૬, અ. ૧૫/૧૧ વગેરે) તોપણ કરણનિરપેક્ષશૈલીનું જ વર્ણન થયું છે (જેમકે અ. ૨/૪૮,૫૫, અ. ૩/૧૭, અ. ૪/૩૮, અ. ૫/૧૨નો પૂર્વાર્ધ, અ. ૬/૫, અ. ૯/૩૦-૩૧, અ. ૧૨/૧૨, અ. ૧૮/૫૨,૬૬,૭૩ વગેરે). એનું કારણ એ છે કે ભગવાન સાધકોને શીઘ્રતાથી અને સુગમતાપૂર્વક પોતાની પ્રાપ્તિ કરવા ઇચ્છે છે. બીજી વાત, અર્જુનને યુદ્ધની પરિસ્થિતિ પ્રાપ્ત થવાને સમયે પોતાના કલ્યાણનો ઉપાય પૂછ્યો છે. આથી એના કલ્યાણને માટે કરણનિરપેક્ષશૈલીમાં મનુષ્ય પ્રત્યેક પરિસ્થિતિમાં અને સઘળાં શાસ્ત્રવિહિત કર્મો કરતો હોવા છતાં પણ પોતાનું કલ્યાણ કરી શકે છે. આજ શૈલી અનુસાર (અભ્યાસ કર્યા વિના) અર્જુનનો મોહનાશ થયો અને એમને સ્મૃતિની પ્રાપ્તિ થઇ (અ. ૧૮/૭૩).
સાધનની કરણનિરપેક્ષશૈલી બધાને માટે સમાન રૂપે ઉપયોગી છે; કેમકે વિશષ યોગ્યતા, પરિસ્થિતિ વગેરેની આવશ્યકતા નથી. આ શૈલીમાં કેવળ પરમાત્મપ્રાપ્તિની ઉત્કટ અભિલાષા હોવાથી જ તત્કાળ જડતા સાથેનો સંબંધવિચ્છેદ થઇને નિત્યપ્રાપ્ત પરમાત્મતત્વનો અનુભવ થઇ જાય છે. જેવી રીતે ગમે તેટલાં વર્ષોનું અંધારું હોય, એક દીવાસળી સળગાવતાં જ એ નષ્ટ થઇ જાય છે, એવી જ રાતે જડતાની સાથેનો ગમે તેટલો પુરાણો (અનંત જન્મોનો) સંબંધ હોય, પરમાત્મપ્રાપ્તિની ઉત્કટ અભિલાષા થતાં જ તે દૂર થઇ જાય છે. એટલા માટે ઉત્કટ અભિલાષા કરણસાપેક્ષતાથી થવાવાળી સમાધિ કરતાં પણ ઊંચી ચીજ છે. ઊંચામાં ઊંચી નિર્વિકલ્પ સમાધિ થાય, તેનાથી પણ વ્યુત્થાન થાય છે અને પછી વ્યવહાર થાય છે અર્થાત્ સમાધિનો પણ આરંભ અને અંત થાય છે. જ્યાં સુધી આરંભ અને અંત થાય છે, ત્યાં સુધી જડતાની સાથે સંબંધ છે. જડતા સાથે સંબંધવિચ્છેદ થવાથી સાધનનો આરંભ અને અંત નથી થતો, પરંતુ પરમાત્મા સાથે નિત્યયોગનો અનુભવ થઇ જાય છે(સંદર્ભ).
(સંદર્ભ) જ્યાં સુધી જડતાની સાથે સંબંધ રહે છે. ત્યાં સુધી બે અવસ્થાઓ રહે છે; કેમકે પરિવર્તનશીલ હોવાથી જડ પ્રકૃતિ કદી એકરૂપ નથી રહેતી. આથી સમાધિ અને વ્યુથાન – એ બન્ને અવસ્થાઓ જડતાની સાથેના સંબંધથી જ થાય છે. જડતા સાથે સંબંધવિચ્છેદ થતાં ‘સહજાવસ્થા’ થાય છે, જેને સંતોએ ‘સહજ સમાધિ’ કહી છે. એનાથી પછી કદી વ્યુથાન નથી થતું.
વાસ્તવમાં જોવામાં આવે તો પરમાત્માથી વિયોગ કદી થયો જ નથી, થવાનો સંભવ જ નથી. કેવળ સંસાર સાથે માનેલા સંયોગને કારણે પરમાત્માથી વિયોગ પ્રતીત થઇ રહ્યો છે. સંસાર સાથે માનેલા સંયોગનો ત્યાગ કરવાની સાથે જ પરમાત્મતત્વના અભિલાષિ મનુષ્યને તત્કાળ નિત્યયોગનો અનુભવ થઇ જાય છે અને એમાં સ્થાયી સ્થિતિ થઇ જાય છે.
અંતઃકરણને શુદ્ધ કરવાની આવશ્યકતા પણ કરણસાપેક્ષશૈલીમાં જ છે, કરણનિરપેક્ષશૈલીમાં નહિ. જેવી રીતે કલમ ઉત્તમ હોવાથી લખાણ તો ચડિયાતું થઇ શકે છે, પરંતુ લેખક ચડિયાતો નથી થઇ જતો, એવી જ રીતે કરણ (અંતઃકરણ) સાથેનો સંબંધવિચ્છેદ થવાથી; કારણ કે અંતઃકરણ સાથે પોતાનો સંબંધ માનવો એ જ મૂળ અશુદ્ધિ છે.
નિત્યપ્રાપ્ત પરમાત્મતત્વની સાથે જીવનો નિત્યયોગ સ્વતઃસિદ્ધ છે; આથી તેની પ્રાપ્તિ માટે કરણની અપેક્ષા નથી રહેતી. કેવળ પરમાત્મા તરફ દ્રષ્ટિ નાખવાની જરૂર છે, જેમકે શ્રીરામચરિત માનસમાં આવ્યું છે – ‘संकर सहज सरूपु सम्हारा’ (૧/૫૮/૪) અર્થાત્ ભગવાન શંકરે પોતાના સહજ સ્વરૂપને સંભાર્યું, અની તરફ દ્રષ્ટિ નાખી. સંભારેલી ચીજ એ હોય છે, જે પહેલેથી જ આપણી પાસે હોય અને કેવળ દ્રષ્ટિ નાખવાથી ખબર પડી જાય કે આ છે. એવી જ રીતે દ્રષ્ટિ નાખવા માત્રથી નિત્યયોગનો અનુભવ થઇ જાય છે. પરંતુ સાંસારિક સુખની કામના, આશા અને ભોગને કારણે પરમાત્મા તરફ દ્રષ્ટિઅ નાખવામાં અને એનો અનુભવ કરવામાં કઠિનતા માલૂમ પડે છે. જ્યાં સુધી સાંસારિક ભોગ અને સંગ્રહની તરફ દ્રષ્ટિ છે, ત્યાં સુધી મનુષ્યમાં એ તાકાત નથી કે તે પોતાના સ્વરૂપની તરફ દ્રષ્ટિ નાખી શકે. જો કોઇ કારણથી, કોઇ ખાસ વિવેચનને કારણે એ તરફ દ્રષ્ટિ ચાલી પણ જાય, તો તેનું સ્થાયી રહેવું ઘણું કઠિન છે. કારણ કે નાશવંત પદાર્થો પ્રત્યેની જે પ્રિતિ હૈયામાં વસેલી છે, તે પ્રીતિ ભગવાન સાથેના સ્વતઃસિદ્ધ સંબંધને સમજવા નથી રહેવા દેતી; અને સમજવામાં આવી જાય તો સ્થિર નથી રહેવા દેતી. હા, ઉત્કટ અભિલાષા જાગ્રત થઇ જાય કે એ તત્વનો અનુભવ કેવી રીતે થાય? તો આ અભિલાષામાં એ તાકાત છે કે તે સંસારની આસક્તિનો નાશ કરી દેશે.
ગીતામાં કહેલાં કર્મયોગ, જ્ઞાનયોગ અને ભક્તિયોગ – ત્રણેય સાધનો કરણનિરપેક્ષ અર્થાત્ પોતાનાથી થવાવાળાં છે. કરણ કે ક્રિયા અને પદાર્થો પોતાના અને પોતાને માટેના નથી, પરંતુ બીજાઓના અને બીજાઓની સેવાને માટેના છે; હું શરીર નથી અને શરીર મારું નથી, હું ભગવાનનો છું અને ભગવાન મારા છે – આ રીતનો વિવેકપૂર્વક કરવામાં આવેલો વિચાર અથવા માન્યતા કરસાપેક્ષ (અભ્યાસ) નથી; કરણ કે એમાં જડતા સાથેનો સંબંધવિચ્છેદ છે. આથી કર્મયોગમાં પોતે જાણે છે અને ભક્તિયોગમાં પોતે જ ભગવાનને શરણે થાય છે.
ગીતાની આ ‘સાધક સંજીવની’ ટીકામાં પણ સાધનની કરણનિરપેક્ષશૈલીને જ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે; કારણ કે સાધકોનું શીઘ્રતાથી અને સુગમતાપૂર્વક કલ્યાણ કેવી રીતે થાય – એ બાબતને દ્રષ્ટિ સમક્ષ રાખીને જ આ ટીકા લખવામાં આવી છે.