અધ્યાય ૦૧ - શ્લોક ૦૨

મૂળ શ્લોક: 

संजय उवाच
दृष्ट्वा तु पाण्डवानीकं व्यूढं दुर्योधनस्तदा ।
आचार्यमुपसङ्गम्य राजा वचनमब्रवीत् ॥ २ ॥

શ્લોક ભાવાર્થ: 

સંજય બોલ્યા - એ વખતે વજ્રવ્યૂહથી ઊભી રહેલી પાંડવસેનાને જોઇને રાજા દુર્યોધન દ્રોણાચાર્યની પાસે જઇને આ વચન બોલ્યા.

સ્વામી રામસુખદાસજી દ્વારા ગુજરાતી ટીકા: 

'तदा' જે વખતે બન્ને સેનાઓ યુદ્ધને માટે ઊભી રહી હતી, તે સમયની વાત સંજય અહીં 'तदा' પદથી કહે છે. કારણ કે ધૃતરાષ્ટ્રનો પ્રશ્ન 'યુદ્ધની ઇચ્છાવાળા મારા અને પાંડુના પુત્રોએ શું કર્યું' - એ બાબત સાંભળવાને માટે જ હતો. 'तु' - ધૃતરાષ્ટ્રે પોતાના અને પાંડુના પુત્રો વિષે પૂછ્યું છે. આથી સંજય પણ પહેલાં ધૃતરાષ્ટ્રના પુત્રોની વાત બતાવવા માટે અહીં 'तु' પદનો પ્રયોગ કરે છે.
 
'दृष्ट्वा [૧] तु पाण्डवानीकं व्यूढम्' - પાંડવોની વજ્રવ્યૂહથી ઊભેલી સેનાને જોવાનું તાત્પર્ય એ છે કે પાંડવોની સેના ઘણી જ સુંદર રીતે અને એક જ ભાવથી ઊભી હતી અર્થાત્ એમના સૈનિકોમાં બે ભાવો ન હતા, મતભેદ ન હતો. [૨] એમના પક્ષમાં ધર્મ અને ભગવાન શ્રીકૃષ્ણ હતા. જેને પક્ષે ધર્મ અને ભગવાન હોય છે, એમની બીજાઓ ઉપર ભારે અસર પડે છે. એટલા માટે સંખ્યામાં ઓછી હોવા છતાં પણ પાંડવોની સેનાનું તેજ (પ્રભાવ) હતું ને એની બીજાઓ ઉપર ભારે અસર પડતી હતી. આથી પાંડવસેનાની દુર્યોધન ઉપર ભારે અસર પડી, જેથી તે દ્રોણાચાર્ય પાસે જઇને નીતિવાળાં ગંભીર વચનો બોલે છે.
 
'राजा दुर्योधनः' - દુર્યોધનને રાજા કહેવાનું તાત્પર્ય એ છે કે ધૃતરાષ્ટ્રનું સૌથી વધારે પોતાપણું (મોહ) દુર્યોધનમાં જ હતું. પરંપરાની દ્રષ્ટિએ પણ યુવરાજ દુર્યોધન જ હતો. રાજ્યનાં બધાં કાર્યોની દેખભાળ દુર્યોધન જ કરતો હતો. ધૃતરાષ્ટ્ર તો નામમાત્રના રાજા હતા. યુદ્ધ થવામાં પણ મુખ્ય કારણ દુર્યોધન જ હતો. આ બધાં જ કારણોથી સંજયે દુર્યોધનને માટે 'राजा' શબ્દનો પ્રયોગ કર્યો છે.
 
'आचार्यमुपसङ्गम्य' - દ્રોણાચાર્ય પાસે જવામાં મુખ્યત્વે ત્રણ કારણો જણાય છે -
(૧) પોતાનો સ્વાર્થ સાધવા માટે અર્થાત્ દ્રોણાચાર્યના મનમાં પાંડવો પ્રત્યે દ્વેષ ઉત્પન્ન કરીને એમને પોતાના પક્ષમાં વિશેષ રૂપે લાવવા માટે દુર્યોધન દ્રોણાચાર્ય પાસે ગયો.
(૨) વ્યવહારમાં ગુરુ હોવાના સંબંધથી માન આપવા માટે પણ દ્રોણાચાર્ય પાસે જવું યોગ્ય હતું.
(૩) મુખ્ય વ્યક્તિનું સેનામાં યથાસ્થાને ઊભા રહેવું ઘણું જ જરૂરી હોય છે, નહિતર વ્યવસ્થા બગડી જાય છે. એટલા માટે દુર્યોધનનું દ્રોણાચાર્ય પાસે જાતે જવું યોગ્ય જ હતું.
 
અહીં શંકા થઇ શકે કે દુર્યોધને તો પિતામહ ભીષ્મ પાસે જવું જોઇતું હતું, કે જેઓ સેનાપતિ હતા. છતાં દુર્યોધન ગુરુ દ્રોણાચાર્યની પાસે જ કેમ ગયો? એનું સમાધાન એ છે કે દ્રોણ અને ભીષ્મ - બંને ઉભયપક્ષપાતી હતા અર્થાત્ તેઓ કૌરવો અને પાંડવો - બંનેનો પક્ષ ખેંચતા હતા. એ બન્નેમાં પણ દ્રોણાચાર્યને વધુ રાજી કરવાના હતા, કારણ કે દ્રોણાચાર્યની સાથે દુર્યોધનના ગુરુ હોવાના સંબંધથી તો સ્નેહ હતો, પરંતુ કુટુંબના સંબંધથી સ્નેહ ન હતો; અને અર્જુન ઉપર દ્રોણાચાર્યની વિશેષ કૃપા હતી. આથી એમને તાજી કરવા માટે દુર્યોધનનું એમની પાસે જવું જ યોગ્ય હતું. વ્યવહારમાં પણ એ જોવા મળે છે કે જેની સાથે સ્નેહ નથી હોતો, એની પાસેથી પોતાનો સ્વાર્થ સિદ્ધ કરવા માટે માણસ એને વધારે માન આપીને રાજી કરે છે.
 
દુર્યોધનના મનમાં એ વિશ્વાસ હતો કે ભીષ્મજી તો અમારા દાદા જ છે; આથી એમની પાસે જ જાઊં તો પણ કંઇ વાંધો નથી. ન જવાથી કદાચ એ નારાજ પણ થઇ જશે તો હું કોઇક રીતે એમને રાજી કરી દઇશ. કારણ કે પિતામહ ભીષ્મની સાથે કૌટુંબિક સંબંધ અને સ્નેહ હતો જ, ભીષ્નનો પણ એની સાથે કૌટુંબિક સંબંધ અને સ્નેહ હતો. એટલા માટે ભીષ્મજીએ દુર્યોધનને રાજી કરવા માટે જોરથી શંખ વગાડ્યો. (અ. ૧/૧૨)
 
'वचनमब्रवीत्' - અહીં 'अब्रवीत्' કહેવું જ પૂરતું હતું; કેમ કે 'अब्रवीत्' ક્રિયાની અંતર્ગત જ 'वचनम्' આવી જાય છે અર્થાત્ દુર્યોધન બોલત, તો 'वचनम्' જ બોલત. એટલા માટે અહીં 'वचनम्' શબ્દની આવશ્યકતા ન હતી આમ છતાં 'वचनम्' શબ્દ આપવાનું તાત્પર્ય એ છે કે દુર્યોધન નીતિયુક્ત ગંભીર વચનો બોલે છે, જેથી દ્રોણાચાર્યના મનમાં પાંડવો પ્રત્યે દ્વેષ પેદા થઇ જાય અને તેઓ અમારા જ પક્ષમાં રહીને સારી રીતે યુદ્ધ કરે, જેથી અમારો વિજય થઇ જાય અને અમારો સ્વાર્થ સિદ્ધ થઇ જાય.
 


[૧] - આ અધ્યાયમાં ત્રણ વાર 'दृष्ट्वा' (જોઇને) પદનો પ્રયોગ થયો છે - પાંડવસેનાને જોઇને દુર્યોધનનું દ્રોણાચાર્ય પાસે જવું (અ. ૧/૨); કૌરવસેનાને જોઇને અર્જુનનું ધનુષ્યને ઉઠાવવું (અ. ૧/૨0); અને પોતાનાં સ્વજનો (કુટુંબીઓ) ને જોઇને અર્જુનનું મોહાવિષ્ટ થવું (અ. ૧/૨૮). આ ત્રણમાંથી વે 'दृष्ट्वा' તો આપસાઅપસમાં સેના જોવાને માટે વપરાયા છે અને એક 'दृष्ट्वा' સ્વજનોને જોવા માટે વપરાયું છે, જેનાથી અર્જુનનો ભાવ બદલાઇ જાય છે.
 
[૨] - કૌરવસેનામાં મતભીદ હતો; કારણ કે દુર્યોધન, દુઃશાસન વગેરે તો યુદ્ધ કરવાને ઇચ્છતા હતા, પરંતુ ભીષ્મ, દ્રોણ, વિકર્ણ વગેરે યુદ્ધ કરવાને ઇચ્છતા ન હતા. એ નિયમ છે કે જ્યાં આપસઆપસમાં મતભેદ હોય છે, ત્યાં તેજ (પ્રભાવ) રહેતું નથી -
काँच कटोरो कुम्भ पय मोती मिंत अवास । ताल घाव तिरिया कटक फाटा करें बिनास ॥

શ્લોક માહિતી: 

સંબંધ - ધૃતરાષ્ટ્રના પ્રશ્નનો ઉત્તર સંજય આગળના શ્લોકથી આપવાનો આરંભ કરે છે.