अपर्याप्तं तदस्माकं बलं भीष्माभिरक्षितम् ।
पर्याप्तं त्विदमेतेषां बलं भीमाभिरक्षितम् ॥ १० ॥
તે અમારી સેના પાંડવો ઉપર વિજય મેળવવા અપૂરતી છે, અસમર્થ છે; કેમકે તેના સંરક્ષક (બન્ને પક્ષનું ભલું ઇચ્છનારા) ભીષ્મ છે. પરંતુ આ પાંડવોની સેના અમારા ઉપર વિજય મેળવવા પૂરતી છે, સમર્થ છે; કેમકે તેના સંરક્ષક (પોતાની સેનાનો જ પક્ષ ખેંચનાર) ભીમસેન છે.
'अपर्याप्तं तदस्मकं बलं भीष्माभिरक्षितम्' - અધર્મ-અન્યાયને લીધે દુર્યોધનના મનમાં ભય હોવાથી તે પોતાની સેના વિષે વિચારે છે કે અમારી સેના મોટી હોવા છતાં પણ અર્થાત્ પાંડવોની સરખામણીએ ચાર અક્ષોણી વધારે હોવા છતાં પણ પાંડવો ઉપર વિજય મેળવવામાં તો અસમર્થ જ છે ! કારણ કે અમારી સેનામાં મતભેદ છે. તેમાં એટલી એકતા (સંગઠન), નિર્ભયતા અને નિઃસંકોચતા નથી, જેટલી પાંડવોની સેનામાં છે. અમારી સેનાના મુખ્ય સંરક્ષક પિતામહ ભીષ્મ બન્ને પક્ષનું ભલું ઇચ્છનારા છે અર્થાત્ એમના મનમાં કૌરવ અને પાંડવ બન્ને સેનાઓનો પક્ષ છે. તેઓ કૃષ્ણના મહાન ભક્ત છે. એમના હ્રદયમાં યુધિષ્ઠિર માટે ઘણો આદરભાવ છે. અર્જુન ઉપર પણ એમનો ભારે પ્રેમ છે. આથી એ અમારા પક્ષમાં રહેવા છતાં પણ અંદરખાને પાંડવોનું ભલું ઇચ્છે છે. એ જ ભીષ્મ અમારી સેનાના મુખ્ય સેનાપતિ છે. એવી પરિસ્થિતિમાં અમારી સેના પાંડવોનો સામનો કરવા કેવી રીતે સમર્થ થઇ શકે? ના જ થઇ શકે.
'पर्याप्तं त्विदमेतेषां बलं भीमाभिरक्षितम्' - પરંતુ આ જે પાંડવોની સેના છે, તે અમારી ઉપર વિજય મેળવના સમર્થ છે. કારણ કે એમની સેનામાં મતભેદ નથી, પરંતુ આ જે મતના થઇને સંગઠિત છે. એમની સેનાનો સંરક્ષક બળવાન ભીમસેન છે, જે બાળપણથી જ મને હરાવતો આવ્યો છે. એણે એકલે હાથે મારા સહિત સો ભાઇઓને મારવાની પ્રતિજ્ઞા કરી લીધી છે અર્થાત્ એ અમારો નાશ કરવા તત્પર થયો છે ! એનું શરીર વજ્ર જેવું મજબૂત છે. એને મેં ઝેર પિવાડાવ્યું હતું, છતાં એ મર્યો નહિ. એવો એ ભીમસેન પાંડવોની સેનાનો સંરક્ષક છે, એટલે એ સેના વાસ્તવમાં શક્તિશાળી છે, પૂર્ણ છે.
અહીં એવી શંકા થઇ શકે કે દુર્યોધને પોતાની સેનાના સંરક્ષક તરીકે ભીષ્મજીનું નામ લીધું, જે સેનાપતિના પદે નિમાયા છે. પરંતુ પાંડવસેનાના સંરક્ષક તરીકે ભીમનું નામ લીધું, જે સેનાપતિ નથી. એનું સમાધાન એ છે કે દુર્યોધન એ વખતે સેનાપતિઓની વાત વિચારી રહ્યો નથી; પરંતુ બન્ને સેનાઓની શક્તિ વિષે વિચારે રહ્યો છે કે કઇ સેનાની શક્તિ વધારે છે? દુર્યોધન ઉપર આરંભથી જ ભીમસેનની શક્તિની, તેના બળવાનપણાની વધારે અસર પડેલી છે. આથી એ પાંડવસેનાના સંરક્ષક તરીકે ભીમસેનનું જ નામ લે છે.
સંબંધ - દુર્યોધનની વાતો સાંભળીને જ્યારે દ્રોણાચાર્ય કશું પણ ના બોલ્યા, ત્યારે પોતાની ચાલાકી નહિ ચાલી શકવાથી દુર્યોધનના મનમાં કયો વિચાર આવે છે - એને સંજય હવે પછીના શ્લોકમાં કહે છે.[૧]