અધ્યાય ૦૧ - શ્લોક ૧૧

મૂળ શ્લોક: 

अयनेषु च सर्वेषु यथाभागमवस्थिताः ।
भीष्ममेवाभिरक्षन्तु भवन्तः सर्व एव हि ॥ ११ ॥

શ્લોક ભાવાર્થ: 

આપ સઘળેસઘળા લોકો બધા મોરચાઓ ઉપર પોતપોતાની જગાએ દ્રઠતાથી ઊભા રહીને જ પિતામહ ભીષ્મનું ચારે બાજુથી રક્ષણ કરો.

સ્વામી રામસુખદાસજી દ્વારા ગુજરાતી ટીકા: 

મોરચાઓ ઉપર આપની નિમણૂક કરવામાં આવી છે, આપ સર્વ યોદ્ધાઓ તે મોરચાઓ ઉપર મક્કમતાપૂર્વક સ્થિર રહીને બધી બાજુથી અને બધી રાતે ભીષ્મજીનું રક્ષણ કરો.
 
ભીષ્મજીનું બધી બાજુથી રક્ષણ કરો - એમ કહીને દુર્યોધન ભીષ્મજીને અંદરખાનેથી પોતાના પક્ષમાં લાવવા માગે છે. એવું કહેવાનો બીજો ભાવ એ છે કે જ્યારે ભીષ્મજી યુદ્ધ કરે, ત્યારે કોઇ પણ વ્યૂહદ્વારેથી શિખંડી એમની સામે ન આવી જાય - એનું આપ લોકો ધ્યાન રાખજો. જો શિખંડી એમની સામે આવી જશે, તો ભીષ્મજી એના ઉપર શસ્ત્રાસ્ત્રો નહિ ચલાવે. કારણ કે શિખંડી પૂર્વ જન્મમાં સ્ત્રી હતો અને આ જન્મમાં પણ પ્રથમ સ્ત્રી હતો, પાછણથી પુરુષ બન્યો છે. એટલા માટે ભીષ્મજી અને સ્ત્રી જ માને છે અને એમણે શિખંડી સાથે યુદ્ધ નહિ કરવાની પ્રતિજ્ઞા કરી રાખી છે. આ શિખંડી શંકરના વરદાનથી ભીષ્મજીને મારવા માટે જ જન્મ્યો છે. આથી જો શિખંડીથી ભીષ્મજીનું રક્ષણ થઇ જશે, તો પછી તેઓ બધાને મારી નાખશે, જેથી ચોક્કસ અમારો જ વિજય થશે. આ વાતને લીધે દુર્યોધન બધા મહારથીઓને ભીષ્મજીનું રક્ષણ કરવાને માટે કહે છે.

શ્લોક માહિતી: 

સંબંધ - હવે દુર્યોધન પિતામહ ભીષ્મને પ્રસન્ન કરવા પોતાની સેનાના બધા મહારથીઓને સંબોધીને કહે છે.