ગીતા અમૃત

ततः शङ्खाश्च भेर्यश्च पणवानकगोमुखाः ।
सहसैवाभ्यहन्य स शब्दस्तुमुलोङभवत् ॥ १३ ॥

એ પચી શંખ, ભેરી (નગારાં), ઢોલ, મૃદંગ અને રણશિંગાં વગેરે વાજાં એક સાથે વાગી ઊઠ્યાં. એમનો એ શબ્દ ઘણો ભયંકર થયો.

ततः श्वेतैर्हयैर्युक्ते महति स्यन्दने स्थितौ ।
माधवः पाण्डवश्चैव दिव्यौ शङ्खौ प्रदध्मतुः ॥ १४ ॥

એ પછી સફેદ ઘોડાઓથી જોડાયેલા મહાન રથ ઉપર બેઠેલા લક્ષ્મીપતિ ભગવાન શ્રીકૃષ્ણ અને પાંડુપુત્ર અર્જુનને દિવ્ય શંખો ઘણા જોરથી વાગાડ્યા.

पाञ्चजन्यं हृषीकेशो देवदत्तं धनञ्जयः ।
पौण्ड्रं दध्मौ महाशङ्खं भीमकर्मा वृकोदरः ॥ १५ ॥

અંતર્યામી ભગવાન શ્રીકૃષ્ણે પાંચજન્ય નામનો તથા ધનંજય અર્જુને દેવદત્ત નામનો શંખ વગાડ્યો; અને ભયંકર કર્મો કરનાર વૃકોદર ભીમે પૌંડ્ર નામનો મહાશંખ વગાડ્યો.

अनंतविजयं राजा कुन्तीपुत्रो युधिष्ठिरः ।
नकुलः सहदेवश्च सुघोषमणिपुष्पकौ ॥ १६ ॥

કુંતીપુત્ર રાજા યુધિષ્ઠિરે અનંતવિજય નામનો શંખ વાગાડ્યો તથા નકુળ અને સહદેવે સુઘોષ અને મણિપુષ્પક નામના શંખો વગાડ્યા.

काश्यश्च परमेष्वासः शिखण्डी च महारथः ।
धृष्टद्युम्नो विराटश्च सात्यकिश्चापराजितः ॥ १७ ॥
द्रुपदो द्रौपदेयाश्च सर्वशः पृथिवीपते ।
सौभद्रश्च महाबाहुः शङ्खान्दध्नुः पृथक्पृथक् ॥ १८ ॥

હે રાજન ! શ્રેષ્ઠ ધનુષ્યવાળા કાશીરાજ અને મહારથી શિખંડી તથા ધૃષ્ટદ્યુમ્ન તેમ જ રાજા વિરાટ અને અજેય સાત્યકિ, રાજા દ્રુપદ અને દ્રૌપદીના પાંચેય પુત્રો તથા લાંબીલાંબી ભુજાઓવાળા સુભદ્રાપુત્ર અભિમન્યુ - એ બધાએ બધી દિશાઓમાંથી અલગ-અલગ (પોતપોતાના) શંખો વગાડ્યા.

स घोषो धार्तराष्ट्राणां ह्रदयानि व्यदारयत् ।
नभश्च पृथिवीं चैव तुमुलो व्युनुनादयन् ॥ १९ ॥

પાંડવસેનાના શંખોના એ ભયંકર શબ્દે આકાશ અને પૃથવીને પણ ગજાવી નાખતાં અન્યાયપૂર્વક રાજ્ય હડપ કરી જનારા દુર્યોધન વગેરેનાં હ્રદયોને ચીરી નાખ્યાં.

अथ व्यवस्थितान्दृष्ट्वा धार्तराष्ट्रांकपिध्वजः ।
प्रवृत्ते शस्त्रसंपाते धनुरुद्यम्य पाण्डवः ॥ २० ॥
हृषीकेशं तदा वाक्यमिदमाह महिपते । (श्लोक क्रमशः)

હે મહિપતિ ધૃતરાષ્ટ્ર ! હવે જે સમયે શસ્ત્રો ચલાવવાની તૈયારી થઇ રહી હતી તે સમયે અન્યાયપૂર્વક રાજ્યને ધારણ કરવાવાળા રાજાઓ અને એમના સાથીદારોને વ્યવસ્થિત રીતે સામે ઊભેલા જોઇને કપિધ્વજ પાંડુપુત્ર અર્જુને પોતાનું ગાંડીવ ધનુષ્ય ઉઠાવ્યું અને અંતર્યામી ભગવાન શ્રીકૃષ્ણને આ વચન કહ્યું.

अर्जुन उवाच
सेनायोरुभयोर्मध्ये रथं स्थापय मेङच्युत ॥ २१ ॥
यावदेतान्निरीक्षेङहं योद्धुकामानवस्थितान् ।
कैर्मया सह योद्धव्यमस्मिन् रणमुद्यमे ॥ २२ ॥

અર્જુન બોલ્યા - હે અચ્યુત ! બન્ને સેનાઓની મધ્યમાં મારા રથને આપ ત્યાં સુધી ઊભો રાખો, જ્યાં સુધી હું યુદ્ધભૂમિમાં ઊભા રહેલા આ યુદ્ધની ઇચ્છાવાળાઓને જોઇ ન લઉં કે આ યુદ્ધ રૂપી ઉદ્યોગમાં મારે કોનીકોની સાથે યુદ્ધ કરવું યોગ્ય છે.

योत्स्यमानानवेक्षेङहं य एतेङत्र समागताः ।
धार्तराष्ट्रस्य दुर्बुद्धीर्युद्धे प्रियचिकीर्षवः ॥ २३ ॥

દુષ્ટબુદ્ધિ દુર્યોધનનું યુદ્ધમાં પ્રિય કરવાની ઇચ્છાવાળા જે જે રાજાઓ આ સેનામાં આવ્યા છે, તે યુદ્ધ કરવા અધીરા બનેલા બધાને હું જોઇ લઉ.

संजय उवाच
एवमुक्तो हृषीकोशे गुडाकेशेन भारत ।
सेनयोरुभयोर्मध्ये स्थापयित्वा रथोत्तमम् ॥ २४ ॥
भीष्मद्रोणप्रमुखतः सर्वेषां च महीक्षिताम्
उवाच पार्थ पश्यैतान्समवेतान्कुरूनिति ॥ २५ ॥

સંજય બોલ્યા - હે ભરતવંશી રાજન ! નિદ્રાવિજયી અર્જુને આ પ્રમાણે કહ્યું એટલે અંતર્યામી ભગવાન શ્રીકૃષ્ણએ બન્ને સેનાઓના મધ્યભાગમાં પિતામહ ભીષ્મ અને આચાર્ય દ્રોણની સામે તથા સઘળાં રાજાઓની સામે શ્રેષ્ઠ રથને ઊભો રાખીને આ પ્રમાણે કહ્યું કે, 'હે પાર્થ ! આ એકઠા થયેલા કુરુવંશીઓને જો.'