સાદું જીવન અને ઉચ્ચ વિચારો - સ્વામી જ્યોતિર્મયાનંદ

પ્રત્યેક ગૂઢ અને આધ્યાત્મિક પ્રવૃત્તિઓનો પાયો સાદું જીવન અને ઉદાત્ત વિચારસરણી છે. આ બંને મુદ્દાઓ એકી સાથે ધ્યાનમાં રહેવા જોઈએ. જો કોઈ મનુષ્ય માત્ર સાદગી બતાવવા ખાતર સાદું જીવન જીવે તો એ ખરેખર સાદું જીવન નથી. સાદું જીવન એ પૂર્ણતાનું સાધન છે અને તે ઉચ્ચ વિચારોને અનુમોદન આપતું જ હોવું જોઈએ. ત્યારે જ સાદું જીવન પ્રમાણભૂત ગણાય.
 
મહત્ત્વહીન જીવન અને સંકુચિત વિચારો
આ મુદ્દો સમજવા માટે આપણે સાદું જીવન અને મામૂલી જીવન વચ્ચેનો ભેદ સમજીએ. મોટા ભાગના લોકો આંટીઘૂટીવાળું જીવન જીવે છે; એટલે કે તેમના ઘરમાં વિસંવાદિતા હોય છે, કુટુંબના સભ્યો કે મિત્રોને ખોટાં વચનો આપવામાં આવે છે, ખરાબ સોબતવાળા ઘણા બિનજરૂરી સંબંધો, ગેરકાયદેસર વ્યવહારો, દંભ, પોતે ઊભી કરેલી મહત્તા અને મહાનતા વગેરે જે ખરેખર મનુષ્યના પોતાનામાં હોતું નથી અને છતાં તેની વધુ ને વધુ પ્રાપ્તિ માટેની તીવ્ર ઝંખના કરે છે. બાહ્ય જગત અસંખ્ય દેખાવની ચીજો વડે ઝબકતું દેખાય છે. જેમ કે, સુંદર નેકટાઇ, અદ્ભુત સૂટ અને આકર્ષક વ્યકિતઓ સાથેની મિત્રાચારી, મોટા ભાગના લોકો જેમાં વ્યસ્ત હોય છે તેવા જીવનનું આ સામાન્ય ચિત્ર છે.
 
જયાં મહત્ત્વહીન જીવન હોય ત્યાં સંકુચિત વિચારધારા હોય છે. વિચારો તેની સૌથી અધમ કક્ષાએ પહોચે છે. લોકો તેમની માનસિક તંદુરસ્તી માટે દરકાર રાખતા નથી. ક્રોધ, ધિક્કાર કંજૂસાઇ વગેરે દુર્ગુણોને મન દિવસે દિવસે સંઘરતું જાય છે. જયાં આવા સંકુચિત, નિર્માલ્ય વિચારો હોય ત્યાં જીવન બંધિયાર બને છે. આવા મનુષ્યનું ભાવી અંધકારમય અને ભેંકાર હોય છે.
 
સાદગી અને ઉન્નતિ
આથી ઊલટું, વ્યકિતત્વના સંપૂર્ણ વિકાસમાંથી સાદું જીવન ઉદ્ભવે છે. જેને પોતાની સુષુપ્ત કાર્યશકિતના ઊર્ધ્વીકરણમાં રુચિ હોય, જેને જીવનના આધ્યાત્મિક મૂલ્યની કદર હોય, જેને એવું જ્ઞાન હોય કે બાહ્ય અધિકાર નિરર્થક છે તેને માટે માનસિક શાંતિ એક મહાન સોદો છે. ઘણી ચીજોની પ્રાપ્તિનો અર્થ કંઈ નથી, સંતોષની કિંમત ઘણી છે. જે એ સમજે છે કે આધ્યાત્મિક મૂલ્યો ભૌતિક પદાર્થોથી ઘણાં ચડિયાતાં છે તે સાદગી અને ઉત્કૃષ્ટ વિચારો યુકત જીવન માટેની કાળજી રાખે છે. હજી થોડા વર્ષો પહેલાં જ મહાત્મા ગાંધી આવું જીવન જીવ્યા હતા. તેમના તમામ ઉપદેશોનું હાર્દ બની શકે તેટલું સાદાઈથી રહેવું એ જ હતું.
 
ખોટી સાદગી
સાદગી એ અંત માટેનું સાધન હોવું જોઈએ, પરંતુ ખુદ અંત નહિ. લોકો સાદાઈના નામે અતિરેક કરે છે. દાખલા તરીકે, એક સાધક આશ્રમમાં નવ વર્ષ સુધી એક જ પહેરણ પહેરીને રહે છે. જ્યારે કોઈ તેને મળવા આવે ત્યારે એ કહે છે, ‘મારું પહેરણ જુઓ. હું છેલ્લા નવ વર્ષથી તે પહેરું છું. શું આ અદ્ભુત નથી?’ અથવા તો કદાચ તે તાડપત્રીનો ચાહક હશે; મોટા ભાગના લોકો તે એકાદ માસમાં તોડી નાખે છે. ત્યારે એ તાડપત્રીને એવી ને એવી સ્થિતિમાં ચાર-પાંચ વર્ષ સુધી સાચવી રાખે છે. ઘણાંને એ અદ્ભુત સાદગી જણાશે. તેમ છતાં, એવી સાદગીની સાથે જે ગર્વ-અહંકાર ઉદ્ભવે છે. (‘સાદાઈથી રહેવા’ માટે તે) ટકાવેલો અનિવાર્ય સંબંધથી ઉદ્ભવે છે તે ખૂબ વધી જાય છે. આવી વ્યકિતની તમામ શકિત બીજાંની પ્રશંસા મેળવવામાં જ ખર્ચાઈ જાય છે.
 
લોભની ગેરહાજરી
સાચી સાદગી યમ અને નિયમોની ઊંડી સમજ, ખાસ કરીને અસ્તેય (ચોરી ન કરવી) અને અપરિગ્રહની સમઝણથી જ આવે છે. અસ્તેયના અભ્યાસથી યોગી કદી ગેરકાયદેસર કે છળકપટથી બીજાની માલિકીની કોઈ ચીજ-વસ્તુનો દુરુપયોગ કરતો નથી. વળી, તે અતિ લોભના રહસ્યમય પ્રકારોથી દૂર રહેવા પ્રયાસ કરે છે. જો કોઈને સોનાની ચેઇનવાળી ઘડિયાળ પહેરેલી જોઇને તેને મારી પાસે ‘આ હોત તો ?’ એવી લાગણી ઉદ્ભવે તો મનથી તો તેણે બીજાની માલિકીની વસ્તુ લીધાની ભાવના કરી કહેવાય. આવા વર્તનમાં (બીજાની માલિકીની વસ્તુ લેવામાં) ઘણા લોકોને પોતાની પાસે ખરેખર શું હોવું જોઈએ કે શાની જરૂરત છે તેનું જ જ્ઞાન હોતું નથી. પણ જ્યારે તેઓને અન્ય ને કોઈ ચીજ મળેલી જુએ ત્યારે એ જ ચીજો પોતાને મેળવવાની ઇચ્છા થાય છે. બીજાઓ પાસે હોય તે તેમને પણ મળવું જોઈએ. આ જ અસ્તેય છે- એક વિચિત્ર અપ્રમાણિકતા, ચોરી કરવાની એક વિચિત્ર રીત !
 
અપરિગ્રહ (બિનલોલુપતા) એ પણ અતિલોભ ન રાખવા જેવું જ લક્ષણ છે. પરંતુ અપરિગ્રહ એટલે ઘણું જ ઓછું-જરૂરિયાત પૂરતું જ રાખવું. ‘અસ્તેય’માં પોતાની ન હોય તેવી વસ્તુ રાખવા પર પ્રતિબંધ હોય છે, જ્યારે ‘અપરિગ્રહ’માં મનુષ્ય કાયદેસર રીતે કે સાચી રીતે ઘણી વસ્તુઓ મેળવી શકે તેમ હોય તો પણ આના પર નિયંત્રણ રાખે છે; માત્ર અહંકાર કે બદલાની ભાવનાથી તે મેળવતો નથી. અપરિગ્રહના અભ્યાસીનું લક્ષ્ય એ ધ્યાનમાં રાખવાનું છે કે આ ક્ષણિક જગતમાં પોતે અલ્પમાં અલ્પ વસ્તુ મેળવે. તમારી નજર સામે નષ્ટ થતી જોવા માટે જ શા માટે વધુ ને વધુ વસ્તુઓ એકઠી કરવી ? ખરેખર તમે જેટલો ખપ હોય તેટલું અને થોડું ઘણું એકઠું કરો. પશ્ચિમની સંસ્કૃતિથી આ વિરોધી છે. ત્યાં કોઈ પણ વ્યકિત પોતે કેટલું વધુ પામી શકે અને કેટલું વધુ સુંદર રીતે રહી શકાય તેનો જ પ્રયાસ કરે છે. પરંતુ ખરેખર તો પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે જરૂરી હોય તેટલું જ વ્યકિત માટે મેળવવું જરૂરી છે- એ જ આત્મજ્ઞાન છે.
 
માનવ જાતની સેવા
દરેક મનુષ્ય આ જગતમાં અજાણ્યા માનવી તરીકે આવે છે અને દરેક મનુષ્ય એક દિવસ આ દુનિયા છોડી જશે. તો પછી પોતે જ વસ્તુઓને સાથે લઈ જઈ શકે તેમ નથી અને પોતાની પાછળ છોડી જવાનો છે તેવી વસ્તુઓને એકઠી કર્યા કરવામાં શા માટે સમય વેડફી નાખવો જોઈએ ? શા માટે સોનાની ઈંટો એકથી બીજી જગ્યાએ લઈ જવાની જોયા કરવામાં જીવન વિતાવવું ? એને બદલે જો પોતાની પાસે જે વસ્તુ હોય તે માનવ જાતની સેવા માટે વાપરવાની દૃષ્ટિ હોય તો પોતે ‘અપરિગ્રહ’નો અભ્યાસી હોવા છતાં પણ આખું જગત પોતાની માલિકીનું બનાવી શકે છે; પોતાની માલિકીની વસ્તુઓ તેને માનવ સેવામાં મદદરૂપ અને માર્ગદર્શક બને છે કારણ કે ‘બધું જ દિવ્ય આત્મા’નું છે એ જ્ઞાન તેને પ્રાપ્ત થાય છે. આ પ્રમાણે વ્યકિત બધાની માલિકી ધરાવી શકે અને છતાં અત્યંત સાદગીભર્યું જીવન જીવી શકે.
 
બાહ્ય સંપત્તિ અને આંતરિક સાદગી
ઘણા મહાપુરુષોએ સાદગીના આ સિદ્ધાંતને મૂર્તિમંત કર્યો છે. ૧૬ અને ૧૭મી સદીમાં ભારતમાં ઘણા મહાન રાજાઓ હતા. એક ઇસ્લામી રાજા નસીરુદ્દીન અલી ભારત પર શાસન કરતો હોવા છતાં તદ્દન સાદગીભર્યું જીવન જીવતો હતો. તેની પત્ની કાપડ વણવાનું અને સીવવાનું કામ કરતી અને રાજા ખુદ કારકુનની કામગીરી કરતો. જ્યારે રાજય પ્રત્યેની ફરજોમાંથી મુક્ત થાય ત્યારે બંને પતિ-પત્ની પોતાના ભરણ પોષણ માટે કામ કરતાં અને કમાણી કરતાં.
 
એક દિવસ તેની પત્નીની આંગળીઓ દાઝી ગઈ. તેણીએ રડતાં રડતાં અલીને કહ્યું, ‘આપણે વધુ સુખચેનથી રહી શકીએ તે માટે તમે કેમ રાજયના ખજાનામાંથી પૂરતા પૈસા લેતા નથી ?’ પરંતુ અલીએ ભારપૂર્વક જણાવ્યું કે એ ખજાનો તેના અંગત ઉપયોગ માટેનો નથી પણ પ્રજાની માલિકીનો છે; પોતાને તો તેની શકિત મુજબની કમાણીમાંથી જેટલું મળે તેમાંથી જ ગુજરાન ચલાવવાનો હક્ક છે. તેની આ સાદગી આત્મજ્ઞાનની સાથે કોઈ સંબંધ ધરાવતી ન હોવા છતાં તે આત્મજ્ઞાનને ઉત્તેજન આપે છે. તે જ પ્રમાણે જે પ્રવૃત્તિ માલિકીપણાના ગૌરવથી ન દોરવાઈ જવાનો આદર્શ અને જટિલતામાં પરિણમતી જીદગીથી મુક્ત એવી પ્રવૃત્તિ પણ તેને આત્મજ્ઞાન માટે ઉત્તેજન આપશે. આ આદર્શ ધીરે ધીરે સાદગીભર્યા જીવનને ઉત્તેજન આપે છે- એવું જીવન, જે ચિંતા, ભય અને સતત અજંપાથી ઘેરાયેલું ન હોય.
 
આંતરિક પૂર્ણતા સાદગીને ઉત્તેજન આપે છે
આનો ભાવાર્થ એ જ કે જે લોકોને ઓછી પ્રાપ્તિ થઈ હોય તેઓ જૂઠા અભિમાન અને દંભ વડે પોતાની સામાન્ય ઉપલબ્ધિઓને વધુ વળતર માટે ફાંફાં મારે છે. પરંતુ જે લોકો આંતરિક સંપત્તિ ધરાવે છે તેમણે કદી કોઈ ચીજ માટે વળતરના ઉપાયો કરવા પડતા નથી; તેમને કોઈ ચીજનો અભાવ હોતો નથી. તેથી ખાસ પરિસ્થિતિઓમાં થોડી વિનમ્રતા અને ધૈર્ય તેને નુકસાન કરતા નથી.
 
પરંતુ જે મનુષ્ય પોતાની જાતમાં ઉપલબ્ધિ કે પ્રાપ્તિની અનુભૂતિ કરી શકતો નથી તે સતત તેના વળતર માટે બાહ્ય પરિસ્થિતિ પર નિર્ભર થઈ જાય છે. દરેક સંજોગોમાં આવા મનુષ્યના કાન સરવા થઈ જાય છે- ‘કોઈ મારી ટીકા કરે છે? કોઈ મારું અપમાન કરે છે? જો હું મારું અપમાન થવા દઇશ તો શું થશે? આથી હું કોણ છું તે લોકોને કહી દેવું જોઇએ. હું શક્તિશાળી દેશમાંથી આવું છું- જગતના સૌથી સમૃદ્ધ દેશમાંથી આવું છું. હું એક શ્રેષ્ઠ નાગરિક છું.’ આમ, જે લોકો આંતરિક રીતે તકલાદી કે પોકળ હોય તેમને આંતરિક જરૂરિયાતને ઓળખવાની અને તેના પર ધ્યાન આપવાની જરૂર છે. આ દ્વારા જટિલતા ભરેલું જીવન જીવવાનું વલણ પુનઃસ્થાપિત થાય છે.
 
જે લોકો દિવ્ય પરમાત્માના આયોજન વિષે સભાન છે તે તેના સર્જન પાછળની દિવ્ય સંવાદિતાને જાણે છે. તેઓને કોઈ પ્રયાસ કરવા પડતા નથી- આપોઆપ જ, સ્વાભાવિકપણે તેઓ સાદગી યુકત બને છે. આથી, સાદગી એ એકરૂપ વ્યકિતત્વની અભિવ્યક્તિ છે. એ સહૃદયતા, બાળક જેવી પવિત્રતા, નિરાડંબર, સરળતા અને દિવ્ય આત્મામાં અગાધ વિશ્વાસ, વગેરે સદ્ગુણોનું સંમિશ્રણ છે. જે મનુષ્ય સાદો સરળ હોય તેનો એ દિવ્ય આત્મા એવી સમજણ ધરાવતો થાય છે કે- જગતના હાર્દમાં સર્વ પૂર્વગ્રહ વિનાનું છે અને મિથ્યાભિમાન એ માત્ર હાંસીપાત્ર વિકાસ છે.
 
સાચી સાદગીને ઉત્તેજન આપો
સાદગી એ સુવાસ જેવી છે. કેટલાંક ફૂલો અમુક ખાસ પ્રકારની સુગંધ ફેલાવે છે; એ ફૂલોથી તદ્દન નજીક ઊભેલ માણસ એ સુગંધ લઈ શકતો નથી. પરંતુ એ ત્યાંથી થોડો દૂર જાય ત્યારે તીવ્ર સુગંધ આવે છે. લગભગ આ જ રીતે, સાદગી વારંવાર મનુષ્યને છેતરે છે. સંતો અને મહાત્માઓ બાહ્ય રીત-ભાતમાં એટલાં સરળ હોય છે કે જેઓ પૂર્વગ્રહથી પીડાતા હોય તેઓ તેમની દક્ષતાનું મૂલ્ય સમજતા નથી.
 
વળી, જે સાદું જીવન જીવે છે એ મહાન કરકસરવાળો બને છે. તેના શબ્દોમાં કરકસર અને ખુલ્લાપણું હોય છે. તે કદી દંભી કે વિચિત્ર રીતે પોતાની વાત કહેતો નથી કારણ કે, તેનો સમસ્ત વ્યવહાર નિખાલસતાથી ભરપૂર હોય છે. જો સાદગી ખરેખર ગમતી હોય તો એ સાદગી વસ્ત્રોમાં, પ્રત્યેક હલન-ચલનમાં અને જે કંઈ પ્રવૃત્તિ કરીએ તેમાં વ્યકત થાય છે; કશું જ બિનજરૂરી રીતે ગૂંચવણ ભરેલું હોતું નથી. કાર્ય ઘણું જ થાય છે પરંતુ તે તદ્ન સાદી રીતથી. જો કોઈ મનુષ્ય પોતાનાં કાર્યો કરવામાં કલાત્મક બને તો લોકો માને છે કે તે આળસુ છે, તે કશું જ કરતો નથી. પરંતુ સાદગીને લીધે તેનામાં સચોટપણું આવે છે અને તે ઘણી વસ્તુઓ સિદ્ધ કરે છે.
 
અગાઉ સમજાવ્યા પ્રમાણે સાદગીને બાહ્ય અસ્તિત્વ સાથે ગૂંચવી ન નાખવી જોઈએ. ચીથરેહાલ વસ્ત્રો પહેરવા અને અવ્યવસ્થિત દેખાવમાં ફરવું એ બિલકુલ સાદગીની રીત નથી. સાદાં વસ્ત્રો રાખવા એ ઘણું સારું છે, પરંતુ જે કંઈ સાદાં વસ્ત્રો હોય તે સ્વચ્છ હોવા જોઈએ. આરોગ્યના નિયમોનું અવશ્ય પાલન કરવું જોઈએ. સાદગીમય જીવનનો અવ્યવસ્થિત રીતભાતના જીવન સાથે ગૂંચવાડો ન કરવો જોઈએ.
 
અહંકારના પૂર્વગ્રહોથી મુક્ત મન એટલે ઉચ્ચ વિચારોની પરાકાષ્ઠા. આમ બને ત્યારે જ એ જગતમાં બધું સારું અને સુંદર હોય તેને પોષી શકે તેવા ચમકતા વિચાર-સ્રોતની ધારા બની શકે. બુદ્ધ, સોક્રેટિસ કે જીસસ જેવું અહંકાર મુક્ત પૂર્વગ્રહોથી મુક્ત મન રાખો. એવું મન, કે જે આંતરિક સૂઝ ધરાવતું હોય, જે મન વિવેકબુદ્ધિ અને તટસ્થતાથી પાંખો ફફડાવતા, વિશાળ આકાશમાં વિચરતા હંસની માફક સ્વૈર-વિહાર કરતું હોય. આવું મન ધરાવવું અને સંપૂર્ણ સાદગીભર્યું જીવન વ્યતીત કરવું એ જ સર્વ સંતો અને મહાત્માઓનો આદર્શ રહ્યો છે; આ આદર્શનો આદર કરવો જોઈએ, તેને માટે પ્રવૃત્ત રહેવું જોઈએ તથા તેને મૂર્ત કરવો જોઈએ.
 
‘રચનાત્મક વિચારશૈલી’ માંથી સાભાર
[આ લેખ ૦૯/૨૦૦૭ માં "દિવ્ય જીવન" મેગેઝીનમાં પ્રકાશિત થયો હતો.]