સુવિચારો

તુચ્છ માનવીઓ વિઘ્નના ભયથી કોઈ શરૂઆત કરતાં નથી. મધ્યમ શ્રેણીના લોકો કાર્યનો આરંભ કરે છે પણ મુશ્કેલી આવતાં જ તેને છોડી દે છે, પણ શ્રેષ્ઠ પુરુષો વારંવાર સંકટો આવવા છતાં હાથમાં લીધેલું કાર્ય કદી છોડી દેતા નથી.
- ભર્તુહરિ
જ્યાં સુધી કામિની અને કંચનનો મોહ છૂટતો નથી ત્યાં સુધી ઈશ્વરનાં દર્શન થઈ શકતાં નથી.
- રામકૃષ્ણ પરમહંસ
પરમાત્મા હંમેશાં દયાળુ છે. જે શુદ્ધ અંતઃકરણથી તેની મદદ માગે છે તેને તે અવશ્ય આપે છે.
- સ્વામિ વિવેકાનંદ
ક્ષમા અસમર્થ માનવીઓનું લક્ષણ અને સમર્થોનું આભૂષણ છે.
- વેદવ્યાસ
ઈશ્વર નિરાકાર છે, પરંતુ તે ભક્તોની હાર્દિક પ્રાર્થના અભુસાર પોતાની શક્તિથી જુદાંજુદાં રૂપો ધારણ કરે છે.
- દયાનંદ સરસ્વતી
પ્રભુને સમજવા હોય તો પોતાનાં બધાં જ પૂર્વગ્રહો અને પસંદગીઓને બાજુમાં મૂકી દેવાં જોઈએ.
- શ્રી માતાજી
કર્મના સ્વરૂપનો વિચાર કરવાથી નમ્રતા આવે છે અને ધર્મનો વિચાર કરવાથી નિર્ભયતા આવે છે.
- હિતોપદેશ
સજ્જન પુરુષો ક્ષમા વડે જ દુષ્ટ લોકોને નિસ્તેજ બનાવી દે છે.
- ભર્તુહરિ
કર્મ તો કામધેનુ છે, એને દોહતાં આવડે તો આનંદરૂપી દૂધ મળે.
- શ્રી વલ્લભાચાર્ય
ક્ષમા બ્રહ્મ છે, ક્ષમા સત્ય છે, ક્ષમા ભૂત છે, ક્ષમા ભવિષ્ય છે, ક્ષમા તપ છે અને ક્ષમા પવિત્રતા છે. ક્ષમા એ જ સંપૂર્ણ જગતને ધારણ કરી રાખ્યું છે.
- વેદવ્યાસ
ક્ષમા કેવી રીતે આપી શકાય તે ફક્ત શૂરવીર જ જાણે છે. ડરપોક કદી ક્ષમા ન આપી શકે. તે તેના સ્વભાવમાં જ નથી.
- સરદાર વલ્લભભાઈ પટેલ
માનવીના અંદર રહેલા ક્રોધ અને ધિક્કારને ભેગા કરીએ તો ઘડીના છઠ્ઠા ભાગમાં દુનિયા નાશ પામે. એ ભેગા નથી થતા તેથી જ દુન્વયી વ્યવહાર ચાલે છે.
- ધૂમકેતુ
કીર્તિનો નશો દારૂના નશા કરતાં પણ તેજ હોય છે. દારૂ છોડાવો સહેલો છે પણ કીર્તિ છોડવી સહેલી નથી.
- સુદર્શન
ક્ષમા વીરોનું આભૂષણ છે.
- ગાંધીજી
આળસ માનવીનો મહાન શત્રુ છે.
- ગૌતમ બુદ્ધ