ત્યાગ થી જ સુખ છે - સ્વામી આત્માનંદ

બે કીડીઓ હતી. એક મીઠાના પહાડ પર રહેતી હતી, અને બીજી કીડી ખાંડના પહાડ પર. એક દિવસ પહેલી કીડી બીજી કીડી પાસે આવીને બોલી - "બહેન! તું હંમેશા ખાંડ ખાતી રહે છે, શું મને પણ એનો સ્વાદ ચાખવા દેશે?" બીજી કીડીએ ઉત્તર આપતા કહ્યું - "હા બહેન! કેમ નહીં. અહીં તો જ્યાં-ત્યાં ખાંડ જ ખાંડ છે, એ સિવાય અહીં બીજું કશું જ નથી. તને ખાવી હોય એટલી ખાંડ લઈ લે." મીઠાના પહાડ પર રહેનાર કીડી ખાંડના આખા પહાડ પર ફરી આવી અને જ્યાં-ત્યાંથી તેણે ખાંડ ચાખી પરંતુ તેને તો મીઠાસ આવી જ નહીં. તેણે આવીને કહ્યું "બહેન અહીંયા તો ખાંડ જ ક્યાં છે? મને તો ક્યાંય સ્વાદ નહીં આવ્યો." બીજી કીડી પહેલા તો ઘણા આશ્ચર્યમાં પડી ગઈ, પરંતુ વિચાર કરવા પર એને કારણ સમજાય ગયું. એણે મીઠાના પહાડ પર રહેનાર કીડીને મોઢું ખોલવા કહ્યું. મોઢું ખોલવા પર જાણ થયું કે એણે મોઢામાં એક મીઠાનો ટૂકડો મૂકી રાખ્યો હતો. કારણ પૂછતાં કીડી એ કહ્યું કે - "બહેન! આ તો ભવિષ્યમાં જ્યારે કઈ ખાવા નહીં મળે તો ભૂખી નહીં રહી જાઉં એટલા માટે આ એક ટૂકડો હું સાચવીને રાખું છું." જ્યારે એના મોઢામાંથી એ મીઠાનો ટૂકડો કાઢી નાખ્યો ત્યારે તેને ખાંડની મીઠાસ આવી. એણે એ મીઠાનો ટૂકડો મુસીબતના સમય માટે રાખી મૂક્યો હતો.
 
આ જ રીતે જેને ભગવદ્ ભજનમાં કે સત્સંગમાં આનંદ નથી આવતો, તેમજ જેને ભગવાન પર પૂર્ણ શ્રદ્ધા નથી તેઓ વ્યર્થમાં જ ભવિષ્યની ચિંતા કર્યાં કરે છે અને તેઓ પોતાનું અડધું મન વિષયોના રસપાન કરવામાં વ્યર્થ કરી રાખે છે, અને અડધા જ મનથી ભજન કરે છે. તેથી તેમને ભજનનો વાસ્તવિક આનંદ પણ નથી મળી શકતો.
 
- સ્વામી આત્માનંદ
વેદાન્ત આશ્રમ, ઇન્દૌર
 
"સંગ્રહેલું તો પાણી પણ પીવા લાયક નથી રહે, તેથી જ તો તળાવના પાણી કરતાં નદીના પાણીમાં વધુ મીઠાશ, મધુરતા, અને સ્વચ્છતા હોય છે. ઈશ્વર પર શ્રદ્ધા રાખીશું અને પૂર્ણ સમર્પણ ભાવથી ભક્તિ કરશું તો તેઓ રણમાં પણ જરૂર પડીયે વરસાદ વરસાવવા આવશે." - સનાતન જાગૃતિ