સુવિચારો
પ્રભુને સમજવા હોય તો પોતાનાં બધાં જ પૂર્વગ્રહો અને પસંદગીઓને બાજુમાં મૂકી દેવાં જોઈએ.
જ્યાં સુધી કામિની અને કંચનનો મોહ છૂટતો નથી ત્યાં સુધી ઈશ્વરનાં દર્શન થઈ શકતાં નથી.
અભિમાનના આઠ પ્રકાર છે: સત્તાનું અભિમાન, સંપત્તિનું અભિમાન, બળનું અભિમાન, રૂપનું અભિમાન, કુળનું અભિમાન, વિદ્વત્તાનું અભિમાન અને કર્તુત્વનું અભિમાન. પરંતુ "મને અભિમાન નથી" એવો દાવો કરવો એના જેવું ભયાનક અભિમાન બીજું એકેય નથી.
કર્મનું ફળ પ્રભુ આપવાના જ છે, એવી સમજણ જેનાં હ્રદયમાં છે તેના કર્મમાં સુગંધ હોય છે. એને બીજા કોઈ તરફથી કદરની અપેક્ષા હોતી નથી.
ઊકળતા પાણીમાં પ્રતિબિંબ દેખાતું નથી તેમ ક્રોધી માણસ પોતાનું હિત શામાં છે તે જોઈ શકતો નથી.
સજ્જન પુરુષો ક્ષમા વડે જ દુષ્ટ લોકોને નિસ્તેજ બનાવી દે છે.
ક્ષમામાં જ પાપને પુણ્ય બનાવનાની શક્તિ છે, કોઈ પણ અન્ય વસ્તુમાં તે નથી.
જો માણસની પાસે ક્ષમા હોય તો તેને કવચની શી જરૂર છે?
માનવીના અંદર રહેલા ક્રોધ અને ધિક્કારને ભેગા કરીએ તો ઘડીના છઠ્ઠા ભાગમાં દુનિયા નાશ પામે. એ ભેગા નથી થતા તેથી જ દુન્વયી વ્યવહાર ચાલે છે.
પરમાત્મા જેના પર કૃપા કરવા ઈચ્છે છે, તેને જ વધુમાં વધુ કષ્ટ આપે છે. રોગ, સાંસારિક ક્ષતિ, આત્મીય જનનું મૃત્યુ, આ સર્વ ભક્તિમાર્ગમાં થનારી કસોટીઓ છે.
મોટા માણસના અભિમાન કરતાં નાના માણસની શ્રદ્ધા ધાર્યું કામ કરી જાય છે.
કીર્તિ એ એક એવી તરસ છે જે ક્યારેય બુઝાતી નથી.
મને મોડા પડવા માટેનાં કારણોમાં રસ નથી; પણ કામ પૂરું થાય તેમાં રસ છે.
કર્મ તો કામધેનુ છે, એને દોહતાં આવડે તો આનંદરૂપી દૂધ મળે.
જે સ્વયં શક્તિશાળી હોવા છતાં દુર્બળની વાતો સહન કરે છે, તેને સર્વશ્રેષ્ઠ ક્ષમાવાન કહેવામાં આવે છે.