
હે સ્નેહ અને કરુણાના આરાધ્ય દેવ !
તમને નમસ્કાર, નમસ્કાર...
તમે સર્વવ્યાપક, સર્વશક્તિમાન અને સર્વજ્ઞ છો,
તમે સચ્ચિદાનંદઘન છો,
તમે બધાના અંતર્વાસી છો.
અમને ઉદારતા, સમદર્શિતા અને મનનું સમત્વ પ્રદાન કરો,
શ્રદ્ધા, ભક્તિ અને પ્રજ્ઞાથી કૃતાર્થ કરો,
અમને આધ્યાત્મિક અંતઃશક્તિનું વરદાન આપો,
જેથી અમે વાસનાઓનું દમન કરી મનોજયને પ્રાપ્ત થઇએ,
અમે અહંકાર, કામ, લોભ, ઘૃણા, ક્રોધ અને દ્વેષથી રહિત થઇએ,
અમારા હ્રદયને દિવ્ય ગુણોથી પરિપૂરિત કરો.
અમે બધા નામ-રૂપોમાં તમારું જ દર્શન કરીએ,
તમારી અર્ચનાના રૂપમાં નામ-રૂપોની સેવા કરીએ,
હંમેશા તમારું જ સ્મરણ કરીએ,
હંમેશા તમારી જ મહિમાનું ગાન કરીએ,
તમારું જ કલિકલ્મષહારી નામ અમારા અધર-પુટ પર હોય,
હંમેશા અમે તમારામાં જ નિવાસ કરીએ...
- સ્વામી શિવાનન્દજી મહારાજ
(સનાતન જાગૃતિ દ્વારા અનૂદિત)