આ વાતમાં કોઈ વિવાદ ન હોય શકે કે સંસારમાં બધા મનુષ્ય સુખી જીવન જીવવા માગે છે, દુઃખ કોઈ નથી માગતું. આ જ લક્ષ્યને ધ્યાનમાં રાખીને તે પોતાના વિચાર અને સમજથી જુદા-જુદા પ્રકારના પ્રયાસો કરે છે પરંતુ તેને આ વાતની પૂરી જાણકારી નથી હોતી કે સુખ પ્રાપ્ત કરવા માટે કેવી-કેવી દશાઓ, પરિસ્થિતિઓ અને વસ્તુઓની આવશ્યકતા હોય છે. બહુધા જોવા મળે છે કે મનુષ્ય પોતાની ઇન્દ્રિયોને સુખ આપનાર વસ્તુઓને અને એને પ્રાપ્ત કરવા માટેના સાધનભૂત ધનને જ તે બધુ (પ્રધાન) સમજે છે. ધન પ્રાપ્ત થવાથી યત્કિંચિત્ (થોડુંક) સુખ મળે છે, જેનાથી તેની ધારણા પુષ્ટ થાય છે; પરંતુ આ વાત પણ અસ્વીકાર નથી કરી શકાતી કે મનુષ્યએ જીવનમાં દુઃખ પણ ઘણા ભોગવવા પડે છે. આ જ દુઃખથી તે બચવા માગે છે, અને તો પણ તે બચી નથી શકતો. તેના માટે આ પરતંત્રતા (પરાધીનતા) છે.
દુખ ભોગવાની આ પરતંત્રતામા પડેલ મનુષ્ય એમ માનીને ધૈર્ય ધારણ કરી લે છે કે કંઈક દુઃખ તો બધા એ સહેવું પડે છે, એનાથી સંપૂર્ણ પણે બચી શકાતું નથી. પરંતુ એ મનુષ્યની તદ્દન ખોટી ધારણા છે. મનુષ્યની આ સમસ્યા ઘણી જ જૂની છે, કદાચ જ્યારથી આ સૃષ્ટિ બની છે ત્યારથી આ સમસ્યા છે અને આ સમસ્યાને દૂર કરવા માટે હજારો-લાખો પુરુષોએ પ્રયોગો કર્યા છે. જેના ફળ સ્વરૂપે અધ્યાત્મ વિદ્યાનો વિકાસ થયો છે. આની અંતર્ગત મનુષ્યને પોતાના વ્યક્તિત્વ વિષે ગંભીર અધ્યયન કરી એને વિભિન્ન સ્તરો વચ્ચે તાલમેલ બેસાડી પોતાના મન-બુદ્ધિના ઉપકરણને એટલું સશક્ત બનાવવામાં આવે છે કે તે બાહ્ય જગતની અનુકૂળ-પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં પાણીમાં કમળપત્રની સમાન તેનાથી અછૂત રહીને પોતાના અંતર્તમમાં વિદ્યમાન આનંદનો અનંત સ્ત્રોત શોધી કાઢી અને તેનાથી તૃપ્ત રહી સંસારમાં નિર્ભય જીવન જીવે.
આ વિદ્યા ઉપનિષદ, ગીતા વગેરે શાસ્ત્રોમાં ભલી-ભાંતિ આપવામાં આવી છે. એને સમજવા માટે કેટલાક સહાયક ગ્રંથોની રચના કરવામાં આવી છે. જેને પ્રકરણ ગ્રંથ કહેવામાં આવે છે. ભગવાન શંકરાચાર્ય દ્વારા લખવામાં આવેલ તત્ત્વ-બોધ નામક આ નાનો ગ્રંથ છે. આ વેદાન્ત-દર્શનની પ્રથમ પુસ્તકનાં રૂપમાં પ્રસિદ્ધ છે. આની વિસ્તૃત વ્યાખ્યા આચાર્યએ આત્મ-બોધ, અપરોક્ષાનુભૂતિ, વિવેક ચૂડામણિ વગેરે ગ્રંથોમાં કરી છે. આનો અભ્યાસ કર્યા બાદ ગીતા અને ઉપનિષદોને સમજવાનું ઘણું સરળ બની જાય છે.
"તત્ત્વ-બોધ" માં ત્રણ શરીર, ત્રણ અવસ્થાઓ અને પાંચ કોશોનું વર્ણન કરી આત્મતત્ત્વ શોધવાનો ઉપાય બતાવવામાં આવ્યો છે. જગતની સૂક્ષ્મ અને સ્થૂળ રચનાનું નિરૂપણ કરી એમાં જીવની સ્થિતિ સ્પષ્ટ કરવામાં આવી છે. જીવ અને ઈશ્વરનો સંબંધ બતાવી એના તાત્વિક રૂપની એકતા પણ બતાવવામાં આવી છે. આની સાથે જ કર્મ-બંધનનું રહસ્ય બતાવી તેનાથી છૂટવાના અને જીવન્મુક્ત થવાના વિધાન પણ સ્પષ્ટ કરવામાં આવ્યા છે. જીવન્મુક્ત થવું એ જ મનુષ્યની અંતિમ અને સર્વોપરી કામના છે. ગીતમાં એને સ્થિતપ્રજ્ઞ, ત્રિગુણાતીત, ભક્ત વગેરે સંજ્ઞાઓથી વિભૂષિત કરવામાં આવ્યું છે.
ચિન્મય મિશનના વિજ્ઞાન-મંદિરોમાં આ ગ્રંથની શિક્ષા આપવામાં આવે છે. તેથી અંગ્રેજીમાં આ પુસ્તક ઘણા સમય પહેલા પ્રકાશિત થઈ ચૂકી છે. હિંદીના પાઠક આની માગ કરી રહ્યા હતા. આશા છે કે એમની આવશ્યકતા આ હિંદી સંસ્કરણમાં પૂરી થઈ જશે.
પૂજ્ય ગુરુદેવના ચરણોમાં આ તુચ્છ ભેટ અર્પિત છે. હિંદી ક્ષેત્રમાં વેદાન્ત પ્રચારની એમની યોજનામાં આ પુસ્તક કંઈક અંશે સહાયક થઈ શકે છે.
- સ્વામી શંકરાનન્દ
ચિન્મય મિશન દ્વારા પ્રકાશિત આ હિંદી પુસ્તકનું ગુજરાતી ક્ષેત્રમાં પ્રચાર કરવા માટે સનાતન જાગૃતિ દ્વારા આ એક ક્ષુલ્લક પ્રયાસ છે. આ પુસ્તકનો ગુજરાતી ભાષાંતર વાંચી આપને આનંદ થશે અને આપના અધ્યાત્મિક સફરમાં અધિકાધિક લાભ થશે એવી આશા.
- સનાતન જાગૃતિ