ધર્મ અને દર્શનનો ઇતિહાસ તપાસતા પ્રાચીન કાળથી જ બે ભિન્ન-ભિન્ન ધારાઓ વહેતી જોવા મળે છે. એક કાંઈ કહે તો બીજો કાંઈ કહે છે. ક્યાંય પણ એકતા જોવા મળતી જ નથી. એને એક કરવા માટે અનેક પ્રયત્નો થયા છે, પરંતુ બન્ને વચ્ચેની મૂશ્કેલીઓ ઘટતી જોવા મળતી નથી અને વિસંવાદીતા રોજબરોજ વધતી જોવા મળે છે, ધર્મના કેન્દ્રમાં ઈશ્વર છે જ્યારે દર્શનના કેન્દ્રમાં આત્મા છે, બ્રહ્મ છે.
પશ્ચિમ એશિયાના તમામ ધર્મો જેવાં કે પારસી, યહૂદી, ઈસાઈ, ઇસ્લામ વગેરેમાં ઈશ્વર જ કેન્દ્રમાં છે. આ બધા જ ધર્મોમાં ઈશ્વર જ મુખ્ય છે, જગતની દરેક વસ્તુ તેના દ્વારા નિર્માણ થયેલી છે તેમ તેઓ સ્પષ્ટ રૂપે માને છે ને તેઓ જ સુખ અને દુખના દાતા છે, ઈશ્વર સર્વ જ્ઞાની અને સર્વ શક્તિમાન છે અને સર્વજ્ઞ છે, એટલે કે આ ધર્મોમાં બીજી કોઈ વસ્તુને સ્થાન જ નથી, ઈશ્વર જ જગતનું કારણ છે અને એનું કોઈ બીજું કારણ જ નથી તેમ તેઓ સ્પષ્ટ માને છે, આથી તર્ક બુધ્ધિ યુક્ત બધી જ દાર્શનિક મુશ્કેલીઓ અહીં મટી જાય છે, તેમાં કોઈ વાદ-વિવાદ છે જ નહી. ઈશ્વરને પામવા માટે તેઓ અંતઃકરણ પૂર્વક પ્રાર્થના જ કરે છે, આ ધર્મોમાં કોઈ બાહ્ય ક્રિયાકાંડો કે કર્મકાંડોને કોઈ સ્થાન નથી. અને એમાં બાહ્ય ક્રિયાકાંડોનું કે કર્મકાંડોનું કોઈ વાસ્તવિક ફળ છે જ નહી; તે તો માત્ર ને માત્ર ધેલછા જ છે, તેનું કોઈ પરિણામ પ્રાપ્ત થતું જ નથી ને આજ સુધીમાં કોઈને પ્રાપ્ત પણ થયાનો દાખલો નથી તેમ છતાં ચાલે છે તે હકીકત છે.
આમ પશ્ચિમી એશીયાય તમામ ધર્મો પોતાની વિચારણામાં બહુ જ સ્પષ્ટ છે અને એક મત પણ છે, તેઓ સ્પષ્ટ પણે માને છે કે માણસ ગમે તેટલો પ્રયત્ન કરે તો પણ માણસ ઈશ્વરના જ્ઞાન સુધી પહોંચી શકે જ નહી એટલે કે માણસ ઈશ્વર સ્વરૂપ થઇ શકે જ નહી કે બની શકે પણ નહી તે તેમની દ્રઢ માન્યતા છે, એટલે કે માણસ પૂર્ણતા પ્રાપ્ત કરી શકે જ નહી. આ ધર્મોમાં અંત:કરણ પૂર્વક પ્રાર્થના, પ્રાયશ્ચિતને અને શુધ્ધ વ્યવહારને ખુબજ મહત્વ આપવામાં આવ્યું છે, તેમાં મોક્ષ જેવી વાત નથી કે બાહ્ય ચારોને કોઈ સ્થાન નથી.
ભારતમાં વૈદિક યુગમાં પ્રાકૃતિક શક્તિઓ જેવી કે સૂર્ય દેવ, વરુણ દેવ વગેરેની પૂજા થતી હતી. ત્યાર પછી ઉપનીષદોમાં તત્વમીમાંસિક ચિંતન અને મનન ખુબજ શરુ થયું. જેના ફળ સ્વરૂપે ભક્તિમાર્ગ વિકસિત થઇ શક્યો નહિ ને જ્ઞાન માર્ગ દ્વારા એકેશ્વરવાદની ફળ શ્રુતિ એકત્વવાદમાં થવા લાગી. જોકે કેટલાંક ઉપનીષદોએ એકેશ્વરવાદનો પ્રચાર કરવા કોશિશ કરવામાં આવી છે પરંતુ મોટા ભાગના ઉપનીષદોનો ઝોક તત્વ મીમાંસા એટલે કે એકત્વવાદમાં જોર રહેલું જોવા મળે છે. અને જ્ઞાન પ્રાપ્ત કરવા પર આખો ઝોક રહ્યો છે. અને જ્ઞાન જેવી કોઈ ચીજ નથી તેવી ઘોષણા કરી ને જ્ઞાન વિના મોક્ષ નહી તેમ કહ્યું ને બ્રહ્મ અને આત્મા ના શબ્દો ઉપનિષદોએ રજુ કર્યા આ રીતે ઈશ્વર કેન્દ્રિત થવાને બદલે આત્મા કેન્દ્રિત ઉપનીષદો બની ગયા. આ રીતે જીવ એજ આત્મા છે, અને એજ બ્રહ્મ પણ છે તેમ પ્રતિપાદન કર્યું ને આત્માને જાણવા પર જ બધુ જોર દીધું છે, આત્માને જાણો ત્યા જ સુખ શાંતિ ને આનંદ છે, તેમ સ્પષ્ટ કહ્યું, ને આત્માને જાણવા માટેની વિધી પ્રતિપાદન કરી જેને યોગ કહેવામાં આવે છે, આમ આંતરિક શુદ્ધતા પર ભાર મૂક્યો ને રાગ દ્વેષ અહંકાર છોડ્યા સિવાય કાંઈ પ્રાત થાય જ નહી તેમ ઉપનીષદોએ સ્પષ્ટ કહ્યું ને તે માટે જ્ઞાન માર્ગ જ ઉત્તમ છે. ચિંતન અને મનનને મહત્વ આપવામાં આવ્યું. પણ તેનો અમલ કરી શક્યા નહી.
ભારતમાં પ્રાચીન ધર્મોમાં જૈન અને બુદ્ધ ધર્મોએ ઈશ્વર તત્વનો જ અસ્વીકાર કર્યો ને આંતરિક શુદ્ધતા પર જ ભાર મૂક્યો. મહાવીરે તો કહ્યું કે આત્મા એજ પરમાત્મા છે જ્યારે બુદ્ધે તો તેનો પણ ઇનકાર કર્યો ને શૂન્ય થવા પર જ ભાર મૂક્યો. શૂન્ય થાવ બધું જ પ્રાપ્ત થઇ જશે, તેમ કહ્યું. આમ શૂન્ય થવા માટે યોગની સાધનાની અલગ પદ્ધતિ અમલમાં મૂકી, જ્યારે મહાવીરે શુધ્ધ થવા માટે તપને મહત્વ આપ્યું ને સાથે યોગની સાધના પણ જરૂરી છે તેમ કહ્યું. જ્યારે બુદ્ધે મધ્યમ માર્ગની ઘોષણા કરી બન્ને બાજુના અતિથી દુર રહેવા ને સમત્વ ધારણ કરવા પર ભાર મૂક્યો. બન્ને ધર્મોએ સત્ય અને અહિંસાને પ્રાધાન્ય આપ્યું ને સમત્વ પ્રાપ્ત કરવા પર જોર દીધું ને સમત્વ એજ મોક્ષનો દરવાજો છે તેમ કહ્યું. આમ જે બ્રાહ્મણોને કારણે યજ્ઞોમાં હિંસા થતી હતી તે રોકવામાં આ બન્ને ધર્મોનો જબરજસ્ત ફાળો છે, કર્મ કાંડી બ્રાહ્મણો તો યજ્ઞમાં પશુઓ ઉપરાંત માણસોના બલી પણ ચડાવતા હતા આમ ભયંકર અંધશ્રધ્ધા ને અંધવિશ્વાસનું વાતાવરણ ને ભયનું સામ્રાજ્ય ઉભું કરી દીધું હતું તેમાંથી મુક્તિ આ બન્ને મહા પુરુષોએ અપાવી છે તે હકીકત છે.
ધર્મ એ છે જે માણસને અભયમાં સ્થિર કરે, ને ભય અને સંશયથી મુક્ત કરે તેજ સાચો ધર્મ. આ સિવાયનું બધું જ અધર્મ છે. જ્યારે બ્રાહ્મણવાદે તો માણસને ભયમા જ જીવતો કરી દીધો હતો અને આજે પણ એજ સ્થિતિ ચાલુ છે. સ્વર્ગ અને નરકની, દેવ દેવીઓની ને પાપ પુણ્યની બીક બતાવવામાં આવે છે. દુઃખનું કારણ દેવ દેવીઓનો કોપ છે એમ કહેવામાં આવે છે આમ માણસને ભય ગ્રસ્ત કરી દીધો છે આ ધર્મ નથી. પણ અધર્મ જ છે અને આજે ચાલે પણ છે તે હકીકત છે.
જગતમાં કોઈ કોઈને દુઃખી કરી શકતું જ નથી કે કોઈ કોઈને સુખી પણ કરી શકતું નથી. પણ સુખ દુઃખનું કારણ આપણી પોતાની વૃતીઓ જ જવાબદાર છે, એટલું જો માણસને સમજાય જાય તો તે સાચો ધાર્મિક અને જ્ઞાની માણસ છે. જેને આ ન સમજાય ને ગમે તેટલી માળા કરે, જપ કરે, ધર્મ સ્થાનોમાં આંટા મારે તે અધાર્મિક છે ને અજ્ઞાનમાં જીવી રહ્યો છે.
જૈન ધર્મે દરેક જીવ પોતાના કર્મનો કર્તા અને ભોક્તા છે અને પોતાના પુરુષાર્થ થી જ કર્મોનો ક્ષય કરી શકાય ને આત્મ વિકાસ કરી મોક્ષ પ્રાપ્ત કરવાની ક્ષમતા માણસ પ્રાપ્ત કરી શકે છે તેમ કહ્યું ને ઈશ્વર કેન્દ્રિત નહી આત્મા કેન્દ્રિત બનવાનું માણસને સ્પષ્ટ રૂપે કહ્યું, ને ઈશ્વરનો ઇનકાર કર્યો ને આત્મા એ જ પરમાત્મા છે. બીજો કોઈ ઈશ્વર નથી અને કર્મોના ક્ષય કરવાની વિધિ બતાવી જેમાં તપને વિશેષ મહત્વ આપવામાં આવ્યું ને શુદ્ધતા પ્રાપ્ત થતા જ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે, જ્યારે બુદ્ધે તો આત્માનો ને મોક્ષનો પણ વિરોધ કર્યો ને મોક્ષની વાસના પણ બંધન રૂપ છે એમ કહ્યું. ટુકમાં વાસનાથી મુક્તિ એજ મોક્ષ છે. આમ બન્ને ધર્મો એ આંતરિક શુદ્ધતા ને જ પ્રાધાન્ય આપ્યું છે, અને તે જ સાચો રસ્તો છે અને આ માટે તેમણે યોગની સાધના પદ્ધતિનો ઉપયોગ કરવા અને જીવનના તમામ વ્યવહારો શુધ્ધ હોવા જોઈએ તે પર ભાર મૂક્યો છે અને કોઈ ક્રિયાકાંડો કે કર્મકાંડોનું બન્ને ધર્મમાં સ્થાન નથી.
જૈન અને બુદ્ધના સમયમાં એવું એક દાર્શનિક વાતાવરણ બની ગયું હતું કે જેમાં ઉપનિષદ, જૈન અને બુદ્ધ ત્રણે પૂર્ણ રીતે જ્ઞાન માર્ગને જ મહત્વ આપતા હતા ને તેનો વિકાસ થાય તેવા જ પ્રયત્નો કરતા હતા. પરંતુ કેટલાક ઉપનિષદોએ વેદોમાંથી પ્રેરણા લઈને ઈશ્વર કેન્દ્રિત દર્શનનો સમન્વય કરવાનો પ્રયત્ન કર્યો છે, જેમાં પૂર્વ મીમાંસાએ વૈદિક ધર્મને અપનાવ્યો જ્યારે ઉત્તર મીમાંસાએ એક તત્વવાદી ઉપનિષદનો આધાર બનાવી ને ખુલ્લી રીતે વેદોનો વિરોધ ન કર્યો પણ ઉપનિષદોમાં વૈદિક મૂલ્યોનું અવમુલ્યન જરૂર કર્યું છે તેમ જણાય આવે છે. શંકરાચાર્ય મોટે ભાગે આત્મ કેન્દ્રિત રહ્યા છે. તેઓ જ્ઞાન વાદના મોટા પુરસ્કર્તા રહ્યા છે જે તેમણે બ્રહ્મ સત્ય છે ને જગત મિથ્યા છે તેવી ધોષણા કરી ને નીદીધ્યાસનને ખુબજ મહત્વ આપનારા મહાપુરુષ હતા. પરંતુ વેદાંતની બધી શાખાઓએ અને આચાર્યોએ ઈશ્વર કેન્દ્રિત દર્શનોનુ પ્રતિપાદન કર્યું જેના ફળ સ્વરૂપે દાર્શનિક જગતમાં વિરોધ વધી ગયો જેનું સમાધાન કરવાના તમામ પ્રયત્નો નિષ્ફળ ગયા આ વિરોધ માત્ર સિદ્ધાંત સુધી જ સીમિત ન રહ્યો પણ વ્યવહારમાં પણ ઉતરી આવ્યો જણાય છે.
વેદાંતના આચાર્યોએ એકેશ્વરવાદ અને એકત્વવાદનું મિશ્રણ કરી નાખ્યું. આમ દર્શન શાસ્ત્રને સંશય યુક્ત કરી નાખ્યું અને વેદાંત આચાર્યો દ્વિધામાં ખોવાય ને કોઈ નિર્ણય પર આવી શક્યા નહી. જ્યારે યુરોપીય ધર્મો પૂર્ણ રૂપે ઈશ્વરવાદી જ રહ્યા. વેદાંત ઉપર આધારિત બધા જ ધર્મો અને દર્શનો ન તો પૂર્ણ રૂપે ઈશ્વર કેન્દ્રિત રહ્યા કે ન તો પૂર્ણ રૂપે આત્મ કેન્દ્રિત રહ્યા. તેઓ એ કર્મનો સિદ્ધાંતમાં કર્મ ફળની અનિવાર્યતા માનતા હોવા છતાં પણ ઈશ્વર પાસે કર્મ ફળનો વીટો પાવર છે એમ પ્રતિપાદન કર્યું જેથી પ્રારબ્ધ, ભાગ્ય વગેરેથી માણસને મુંજવતા જ રહ્યા ને ભયમાં જ રાખવાનું મોટા પાયે કામ થતું રહ્યું છે. ક્યાં પણ માણસ સંશય રહિત થાય અભયમાં સ્થિર થાય તેવા કોઈ પગલાં ભર્યા જ નહી. એજ મોટામાં મોટી વિટંબણા છે. માણસ સ્વસ્થ રીતે જીવવા માટે વલખાં મારે છે પણ ધર્મ તેને ગભરાવી મારે છે આ છે આજની સ્થિતિ.
વેદાંતના અનુંયાયીઓ વ્યવહારિક જીવનમાં વૈદિક કર્મકાંડ અને ક્રિયાકાંડ પર આધારિત સ્મૃતિઓ થી પ્રેરણા લેતા જ રહ્યા ને તેને જ મહત્વ આપતા જ રહ્યા છે, આ રીતે એક તરફ ભારતીય જીવનમાં વૈદિક કર્મકાંડ અને ક્રિયાકાંડ તો બીજી બાજુમાં જૈન ધર્મ અને બુધ્ધ ધર્મમાં તપને યોગ સાધનાનો પ્રભાવ રહેવાને કારણે નિરંતર વાદ વિવાદ ચાલુ જ રહ્યા છે, આમ ધર્મો પોતે જ વાદ વિવાદમાં ફસાઈ ગયા છે, જેથી માણસ પોતે દ્વિધા યુક્ત થઇ ગયો છે, તેને શું સાચું શું ખોટું તેની ગડમથલ રહ્યા જ કરે છે. ને પોતાના મનથી કાંઇ નિર્ણય કરી શકવાની તાકાત છીનવાય ગઈ છે. બીજાના નિર્ણય ઉપર ચાલનારો માણસ કદી સ્વસ્થ રીતે જીવી શકે જ નહી કારણ કે તે પોતાના અંતરાત્માના અવાજ પ્રમાણે ચાલી શકે જ નહી. આત્માનો અવાજ જ સત્ય હોય છે જે પ્રમાણે નહી ચાલનારો હંમેશા અસત્યના જ માર્ગનો પ્રવાસી રહેવાનો જેથી કાયમ દુખી જ રહેવાનો તે સ્વાભાવિક છે. આ છે આજના દુઃખ ચિંતા ઉદ્વેગ અને તનાવ નુ કારણ.
આમ કર્મ દ્વારા મોક્ષની પ્રાપ્તિ કે કર્મ સંન્યાસ દ્વારા મોક્ષની પ્રાપ્તિ આ વિષય ઉપર વિવાદો થતા જ રહ્યા ને આજે પણ ચાલુ જ છે. ગીતાએ કોઈ સ્પષ્ટ મત આપ્યો નહી તેમણે જ્ઞાનને, ભક્તિને, કર્મને અને યોગને બધાને મહત્વ આપ્યું છે જેથી વાદવિવાદ વધુ ઘેરો બન્યો છે. શંકરાચાર્યે વ્યવહારમાં બધાજ વિરોધાભાસોને ભૂસીને ફરી સીદ્ધાતના રૂપમાં વેદાંતના આત્મા કેન્દ્રિત કરવા પૂરી કોશિશ કરી છે ને જ્ઞાન માર્ગને મહત્વ આપ્યું છે. પરંતુ ત્યાર પછીના કેટલાય સંતોએ ગીતાને કેન્દ્રમાં રાખીને ભક્તિ માર્ગ પર જોર દીધું અને કર્મ અને જ્ઞાન ગૌણ છે એમ કહ્યું અને કર્મ માર્ગ ને જ્ઞાન માર્ગને સાવજ ભૂલવાડી દીધો ને યોગનું તો સ્થાન જ રહેવા દીધું નહી. અને સામાજિક જીવન ઈશ્વરના ભરોસા પર ચાલવા માંડ્યુ જ્યાં માત્ર ભરોસો ને શ્રદ્ધા જ હોય ત્યાં અંધશ્રધ્ધા અંધવિશ્વાસ હોવાના જ આમ ધર્મમાં અંધશ્રધ્ધા અને અંધવિશ્વાસે માઝા જ મૂકી દીધી છે. આજનો ધર્મ ચમત્કારોથી ભરેલો છે. ભક્તિ એ હૃદયસ્થ થવી જોઈએ તેને બદલે બાહ્ય દેખાવ જ થઇ ગઈ છે. ટીલા ટપકા ને ડોકમાં માળા આમ પહેરવેશ એ જ ધર્મનું પ્રતિક બની ગયું છે. ધર્મમાં, આંતરિક શુદ્ધતાની જરૂર છે ને ધર્મ એ આંતરિક બાબત છે તે ભૂલવાડી દીધું છે. ને પૈસા ફેંકો ને સ્વર્ગની ટીકીટ લઇ જાવ આ છે આજનો ધર્મ. આંતરિક શુદ્ધતા વિના કદી પણ શાંતિ પ્રાપ્ત થાય જ નહી તે હકીકત જ હવામાં ઊડી ગઈ છે. ને કર્મકાંડો ને ક્રિયાકાંડોએ મજા મૂકી દીધી છે. દેવ દેવીઓની હારમાળા ઊભી કરી દીધી છે. આ જગતમાં પરમાત્મા એક જ છે તે વાત જ ભુલાવી દીધી સોના જુદા-જુદા દેવો ને દેવીઓ પ્રસ્થાતીત કરી દીધા ને ભયંકર વિસંવાદિતા ઊભી કરી દીધી. બધા જ પોતાના દેવ સારા ને બીજાના દેવો નકામાં છે તેવી હવા ઊભી કરી દીધી જેના ખતરનાક પરિણામ ભોગવી રહ્યા છીએ. ને ઈશ્વરના નામે ધાર્મિક ભેદ ભાવો ઊભા થયા છે.
આજે જે ધાર્મિક ક્ષેત્રમાં વાતાવરણ ઊભું થયું છે તે માત્રને માત્ર બહિર્મુખ ભક્તિ માર્ગને અનાવશ્યક મહત્વ આપવાનું જ કારણ ભૂત છે. ભક્તિની સાથે જ્ઞાન હોવું અત્યંત આવશ્યક છે. અન્યથા ખતરનાક પરિણામો આવે જ છે, માત્ર વ્યક્તિને માટે જ નહી પણ સમાજને માટે ને રાષ્ટ્ર માટે પણ ખતરનાક પરિણામો ભોગવવા પડે છે જે આજે ભોગવી જ રહ્યા છીએ. આમાંથી બચવા માટે મોટા ઓપરેશનની જરૂર છે. તે માટે બીજા બુદ્ધ, મહાવીર કે ગાંધી ની જરૂર છે, તે સિવાય આમાં સુધારો થવો અશક્ય જ જણાય છે.
તત્વચિંતક વી. પટેલ