માંસાહાર - શ્રી કબીર વચનામૃત માંથી

मांस मांस सब एक है, मुरगी हिरनी गाय ।
आंख देखि नर खात है, ते नर नरक हि जाय ॥
[ભાવાર્થ] - બધાં માંસ એકસરખાં છે. મરઘી, હરણી કે ગાય - બધાંનાં માંસ સરખાં છે એવું આંખોથી જોઇને પણ જે માણસ માંસ ખાય છે તે માણસ અવશ્ય નરક જાય છે.
 
[વક્તવ્ય] - બધાં પ્રાણીમાં એક સરખો આત્મા રહેલો છે. માણસ ગમે તે પ્રાણીનું માંસ ખાતો હોય, તે માંસાહારી વ્યક્તિ નરકમાં જાય છે એવું કબીરજી કહે છે; કારણ કે બધાં પ્રાણીને પોતાનો જીવ વહાલો હોય છે. તેની હિંસા કરીને માણસ જ્યારે માંસ ખાય છે, ત્યારે "જીવહિંસા" નું અઘોર પાપ કરે છે. ભલેને પછી તે મરઘી, હરણ, ગાય કે બીજાં કોઇ પ્રાણીનું માંસ ખાતો હોય, તે જીવહિંસાના પાપમાંથી મુક્ત નથી થતો અને નરકનો અધિકારી બને છે. કબીરજીનો કહેવાનો ભાવાર્થ એ છે કે, માંસાહાર ગમે તે પ્રકારનો હોય પણ તે કરવો યોગ્ય નથી, કારણ કે માંસાહાર માણસને "નરક-ગમન" કરાવે છે.
 
तिल भर मछली खायके, कोटि गउ के दान ।
कासी करवट ले मरै, तो भी नरक निदान ॥
[ભાવાર્થ] - 'તલભર' પણ માછલી ખાય અને પછી કરોડો ગાયનું દાન આપે તથા કાશીમાં કરવત લઇને પણ મરે છતાં તેને માટે નરક નિશ્ચિત છે.
 
[વક્તવ્ય] - માંસાહારનું પાપ કેવું ભયંકર છે તે અહીં કબીરજી તેની વિશિષ્ટ શૈલીમાં જણાવે છે કે, માત્ર તલ જેટલી માછલી (અર્થાત્‍ માંસાહાર) ખાય તો તે વ્યક્તિ પછી જો તેના તે પાપના પ્રાયશ્ચિતરૂપે કરોડ ગાયનું દાન કરે તો પણ તે નકામું જાય છે. તે જ રીતે એવું મનાય છે કે, કાશીમાં મરણ થવાથી માણસને મોક્ષ મળે છે; પણ આવી પાપી વ્યક્તિ તો કાશીમાં કરવત મૂકાવીને મૃત્યુ પામે તો પણ તેને આ ઉપાય પાપમાંથી બચાવી શક્તો નથી. અર્થાત્‍ માણસ ગમે તેટલા પ્રયત્ન કરે તેને માટે આ પાપમાંથી છૂટવા માટે કોઇ પ્રાયશ્ચિત નથી! અને આવી વ્યક્તિ માટે નરક એ નિશ્ચિત નિદાનરૂપ છે. આમ માત્ર તલ જેટલો અત્યલ્પ માંસાહાર પણ માણસને નરકમાં મોકલવા સક્ષમ છે. તો પછી આવા ખરાબ માંસાહારથી આપણે શા માટે નહિ બચીએ!!
 
बकरी पाती खात है, ताको काढी खाल,
जो बकरीको खात है, तिनका कौन हवाल ॥
[ભાવાર્થ] - હે નરજીવ! જે બકરી 'પત્તી' ખાય છે, તેની તે 'ખાલ' કાઢી નાંખી! અને જે 'ખાસ' બકરીને જ ખાય છે તેની દશા શું થશે!!
 
[વક્તવ્ય] - બકરી જેવું નિરુપદ્રવી પ્રાણી જે પાંદડાં વગેરે ખાઇને જ રહે છે, તેની માનવ તે 'ખાલ' ખેંચી કાઢી! અર્થાત્‍ તેના ગોસનો તે આહારમાં ઉપયોગ કર્યો તે કેટલું જધન્ય કૃત્ય કર્યું કહેવાશે! મૂંગાં પ્રાણીઓની બે-રહેમ કતલ કરે, તેનો અંજામ કેવો ભયંકર આવી શકે તેનો હે માનવ! તને જરા ખયાલ છે? બકરી જેવી જે માત્ર પાંદડાં ખાય છે તેની 'ખાલ' ઉખડી જાય છે તો પછી જે પ્રાણીને મારીને માંસ ખાય છે તેની સજા કુદરતના ન્યાયમાં કેટલી ભયાવહ હશે તેની કદી તેં કલ્પના કરી છે ખરી?
 
कहता हूं कहि जात हूं, कहा जु मान हमार ।
जाका गला तुम काटिहो, सो फिर काटि तुम्हार ॥
[ભાવાર્થ] - હે માનવ! હું તને કહું છું, કહી રહ્યો છું, તું અમારું કહ્યું માન! જેનું ગળું તું કાપે છે, તે પછીથી તારું ગળું કાપશે!!
 
[વક્તવ્ય] - કર્મનો સિદ્ધાંત અટલ છે. "જેવી જેની કરણી, તેવી પાર ઉતરણી" સારાં કર્મોનું ફળ સારું મળશે, ખરબ કર્મોનું ખરાબ. આથી તું જ્યારે તારા નિજી સ્વાર્થ માટે પારકાનું ગળું કાપે છે, ત્યારે તે કુકર્મોનું ઋણ તારે બીજે જન્મે પણ ચૂકવવું પડે છે, અર્થાત્‍ આ જન્મમાં તેં જેનું ગળું કાપ્યું તે આવતા જન્મમાં તારું ગળું કાપશે. કર્મના ફંદામાંથી કોઇ બચી શક્યું નથી. આથી તો કબીરજી આવા 'કસાઇઓ' જેવા ક્રૂર માનવીઓને ઉદ્દેશીને જાણે આ સાખીમાં કહે છે કે, "હે ક્રૂર માનવ! હું તને કહું છું, કહી રહ્યો છું, તે અમારું કહ્યું માન... અને નિર્દોષ પ્રાણીઓનાં ગળાં કાપવાનું બંધ કર!!"
 
खुश खानी है खीचडी, मांही पड्या टुक लौन ।
मांस पराया खायके, गला कटावै कोन ?
[ભાવાર્થ] - ખાવા માટે ખીચડી હોય અને તેમાં જરા નમક (મીઠું) નાંખ્યું હોય એવી સાદી ખીચડી ખાવામાં જ ઘણી મજા છે! પારકાનું માંસ ખાઇને ગળું કોણ કપાવે?
 
[વક્તવ્ય] - નિર્દોષ પ્રાણીની હત્યાથી પ્રાપ્ત થતું મસાદેદાર માંસ ખાવા કરતાં 'મીઠા (નમક)' નાંખેલી ખીચડી ખાવી સારી! કોઇની હત્યા કરીને ખાધેલું માંસ આપણને ભાવે જ કેવી રીતે? વળી જેની હત્યા કરી હોય તે કર્મના સિદ્ધાંત મુજબ આવતે જન્મે તારી હત્યા કરશે, ગળું કાપશે. તો શા માટે માંસ ખાઇને તું તારું જ ગળું કપાવનાની અત્યારથી તજવીજ કરે છે? અર્થાત્‍ કોઇને પણ જરાપણ કષ્ટ આપ્યા વિના પ્રાપ્ત ભોજન જ આપણને ખરી મજા આપી શકે છે. આમ પ્રામાણિકતાથી પ્રાપ્ત થયેલું અને કોઇને પણ કષ્ટ આપીને નહિ મેળવેલું અન્ન જ આપણે સારી રીતે "જીવન" માં પચાવી શકીએ છીએ!!!