યોગ સાધનાનું વૈજ્ઞાનિક સત્ય - તત્વચિંતક વી. પટેલ

યોગની સાધના કદી પણ જાહેર રસ્તા ઉપર, જાહેર સ્થળોએ કરવાની સાધના નથી, કે એક બે દિવસની સાધના પદ્ધતિ નથી, કે કોઈ રોગ મટાડવા માટેની સાધના પદ્ધતિ નથી. આસન એક માત્ર નાનોશો તેનો વિભાગ જરૂર છે તે તો માત્ર લાંબો સમય એક જ જગ્યાએ બેસવા માટે ની તૈયારી માટે જ છે. આસનો કરવાથી શરીરમાં સ્ફૂર્તિ આવે છે પણ એનાથી રોગ મટે તેવી કોઈ વાત નથી. આસનો કરવાથી ગૌણ રીતે જરૂર ફાયદો થતો હશે, યોગ માત્રને માત્ર મનને સ્થિર કરવા માટેની પદ્ધતિ છે, ને આંતરિક શુધ્ધતા પ્રાપ્ત કરવા માટેની જ ક્રિયા છે, અને તે જાહેરમાં કરવાની ક્રિયા નથી. આસનો એ યોગની સંપૂર્ણ વિધિ પણ નથી. યોગ એ આધ્યાત્મિક સાધના પદ્ધતિ છે, યોગ એટલે જોડાવું એટલે કે પરમતત્વ સાથે જોડાવું તેનું નામ યોગ છે. આસનો એ યોગ નથી તે તો માત્ર કસરત છે, કસરત અને યોગમાં આભ જમીનનો ફેર છે. કસરત એ બાહ્ય સાધના છે, જ્યારે યોગ એ તો આંતરિક સાધના પદ્ધતિ છે, અંતરમાં રહેલા મળને સાફ કરવાની પદ્ધતિ છે.

માણસ જે કાંઈ પણ કર્મ કરે છે તે દુઃખમાંથી મુક્તિ માટે ને સુખની પ્રાપ્તિ માટે જ કરે છે. પણ કર્મ કરવાની અંતકરણની ભાવના કેવી રાખવી જોઈએ, તેનું જ્ઞાન નથી જે થી આનંદ સહજ રીતે પ્રાપ્ત થવો જોઈએ તે થતો નથી. તેનો લાભ લઇ શકાતો નથી ને આનંદ પ્રાપ્ત કરી શકતો નથી, આનંદ આત્માનો સહજ ધર્મ છે. તે દરેક માણસના અંતરસ્થળમાં તે નિરંતર હાજર જ હોય છે, એટલે કે આનંદ આપણો મૂળ ભૂત સ્વભાવ છે, આપણી પ્રકૃતિ છે. પરંતુ આપણું મન જ્યાં સુધી બાહ્ય વિષયોમાં જ અને ફળની પ્રાપ્તિમાં ભટક્યા કરે છે, ત્યાં સુધી અંતરસ્થળમાં છુપાયેલા આનંદનો અનુભવ કરવામાં સમર્થ બની શકતું નથી. આનંદની પ્રાપ્તિ માટે આત્મા દર્શન જરૂરી છે, ને આત્મ દર્શન માટે અંતર્મુખી થવું આવશ્યક અને સાક્ષીભાવમાં અને અનાસક્ત ભાવમાં સ્થિર થવું જરૂરી છે.

આપણા ચિત્તમાં જુદા-જુદા પ્રકારના અંતરાયો આવતા જ રહે છે, માટે નિર્વિકલ્પ થઇ શકાતું નથી ને નિર્વિકલ્પ થયા વિના આત્મા દર્શન થઇ શકતું જ નથી. એટલે કે સમાધિ અવસ્થા પ્રાપ્ત થતી નથી. જ્યાં સુધી સમાધિ અવસ્થા એટલે કે નીર્ગ્રંથ અવસ્થા એટલે કે તમામ પ્રકારની ગ્રંથીઓથી મુકત અવસ્થા ત્રીગુણાતીત અવસ્થા જેને પુરેપુરી શુદ્ધતા કહેવામાં આવે છે, આવી અવસ્થામાં જ દુખની પીડાનો નાશ થાય છે ને આનંદનો અનુભવ થાય છે, આનું નામ જ યોગ છે, આજે જે જાહેરમાં થઇ રહેલ છે, તે માત્રને માત્ર કસરત છે યોગ નથી. આંતરિક યોગની સાધના વિના દુખની મુક્તિ નથી ને આનંદની પ્રાપ્તિ નથી.

સમાધિનું સ્વરૂપ

પતંજલિ યોગ સૂત્રમાં સમાધિ અવસ્થાને અદ્વેતની સ્થિતિ કહેવામાં આવેલ છે. એટલે કે મનના તમામ દ્વન્દ્વની નાબૂદી, સંશયથી મુક્તિ, નિર્વિકલ્પ અવસ્થા, ઇચ્છા રહિતતા, શૂન્યતાની અવસ્થા અને તમામ વૃતિઓનો નાશ આનું નામ છે સમાધિ. સમાધિ માત્ર ને માત્ર ચિત્તવૃતીના નિરોધથી જ પ્રાપ્ત થાય છે. કસરત તેમાં કામ લાગતી જ નથી. આ યોગ દર્શનમાં ચિત્તવૃત્તિ નીરોધને જ યોગ કહેવામાં આવ્યો છે. જ્યાં ચિત્ત વૃતિનો નિરોધ થતો ન હોય તે યોગ નથી.

ચિત્તની મૂઢાવસ્થા, ક્ષિપ્તાવસ્થા, વિક્ષીપ્તાવસ્થા, એકાગ્રતાવસ્થા, અને નીરુદ્વાવસ્થા આમ પાંચ પ્રકારની અવસ્થા હોય છે. જેમાં ચિત્તની મુઢાંવસ્થામાં તમોગુણ પ્રધાન ચિત્ત હોય છે, ક્ષિપ્તાવસ્થામાં રજોગુણ પ્રધાન ચિત્ત હોય છે, વિક્ષીપ્તાવસ્થામાં સત્વગુણ પ્રધાન ચિત્ત હોય છે, એકાગ્રવસ્થામાં એક જ વિષયમાં વૃતિઓનો પ્રવાહ ચિત્તમાં નિરંતર વહેતો રહે ત્યારે એકાગ્ર અવસ્થા કહે છે, નીરુદ્વાવસ્થામાં વિવેક દ્વારા ચિત્ત અને પુરુષના ભેદનો સાક્ષાત્કાર થાય છે તે અવસ્થા છે. જ્યારે સર્વ વૃતિઓનો નિરોધ થઇ જાય છે ત્યારે જ આ અવસ્થા પ્રાપ્ત થાય છે, જેને સમાધિ અવસ્થા કહેવામાં આવે છે. આ અવસ્થામાં જ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે, એટલે કે અનુભૂતિ થાય છે; જેને સર્વજ્ઞતા કહેવામાં આવે છે, એટલે કે સર્વ પ્રકારનું જ્ઞાન પ્રાપ્ત થાય છે. તમામ સંશય નાબૂદ થાય છે, ને અભયમાં સ્થિર થઇ જવાય છે.

સમાધિ પ્રાપ્તિનો હેતુ અને સાધન

ચિત્ત વૃતિનો સંપૂર્ણ નિરોધ માટે એટલે કે સમાધિ અવસ્થાની પ્રાપ્તિ માટે નિરંતર અભ્યાસ અને વૈરાગ્યની આવશ્યકતા અને જરૂરિયાત છે, આ બન્નેનું જો સાથે અંતઃકરણ પૂર્વક અનુસરણ થાય ને પૂરી નિષ્ઠાને શ્રદ્ધા સાથે ધૈર્ય ધરીને સાધના થાય તો જ સમાધિ અવસ્થા પ્રાપ્ત થાય છે. એકના જ આશ્રયથી કે નિષ્ઠા પૂર્વકના આચરણ વિના કાંઇ પરિણામ આવે જ નહી, યોગની સમગ્ર સાધનામાં આચરણ જ મહત્વનો ભાગ ભજવે છે. માત્ર વાતો થી વડા થાય નહી એટલું સમજી જ લ્યો, ખુબજ લાંબી સાધનાની જરૂર પડે છે. અને તે પણ સ્વસ્થ ચિત્તે વિવેક સાથે રાખીને શુધ્ધ બુદ્ધિથી કરવી પડે છે, સમાધિ અવસ્થા રસ્તામાં પડી નથી કે મળી જાય, તેના માટે આંતરિક ભોગ દેવો પડે છે.

ગીતામાં અર્જુન કૃષ્ણ ભગવાનને પૂછે છે કે મન બહુ જ ચંચળ છે એને વશમાં કઇ રીતે કરી શકાય? ત્યારે કૃષ્ણ ભગવાન કહે છે કે મન ખરેખર ચંચળ છે તેને નિયંત્રણ કરવું કઠીન છે પણ જો માણસ શ્રધ્ધા સાથે ધીરજ ધરીને પૂર્ણ વિશ્વાસથી જો નિરંતર અભ્યાસ કરે ને જીવનમાં પૂર્ણ રૂપે વૌરાગ્યતા પ્રાપ્ત કરે તો મનને વશ કરી શકાય છે. તેમાં કોઈ શંકા નથી.

યોગનાં આઠ અંગો

યોગ સિદ્ધ કરવાના ઉપાયના રૂપમાં સમાધિ સુધી પહોંચવા માટે માણસે ઉપર ઊઠવું જ પડે આ માટે પતંજલીએ જે નિસરણી બનાવી છે. તેમાં આઠ પગથિયાં મુખ્ય મૂક્યાં છે. ને બીજા દસ ગૌણ પગથિયાં મૂક્યાં છે. આમ કુલ અઢાર પગથિયાંની નિસરણી બનાવી છે અને અઢાર એટલે કે નવ ઉપર, નવ તમો મૂક્યાં જ કરો તો આ રીતે શૂન્ય રહે છે એટલે કે શૂન્ય થયા વિના સમાધિ સુધી પહોંચી શકાશે નહીં. એનો સ્પષ્ટ નિર્દેશ અહીં આપી જ દીધો છે તેમણે. જે મુખ્ય પગથિયાં કહ્યા છે તે આ છે - યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન, અને સમાધિ. આ છે મુખ્ય પગથિયાં, જ્યારે અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ, શોચ, સંતોષ, તપ, સ્વાધ્યાય, અને ઈશ્વર પ્રણિધાન છે ગૌણ પગથિયાં. જે માણસે સમાધિ સુધી પહોચવું હોય તેમણે આ અઢાર પગથિયાં ચડવા જ પડે ને પોતાના બાહ્ય વિચારોથી પર થવું ને ઉપર ઊઠવું જ પડે. તો જ સિદ્ધિ હાથ વગી થાય. તે સિવાય સિદ્ધિ હાથ વગી થઇ શકે જ નહી.

યમ અને નિયમ અને બીજા ગૌણ દસના આચરણ દ્વારા રાગ દ્વેષ ,કામના, વાસના, અહંકાર વગેરે જેવી વૃત્તિઓ પર સંયમ પ્રસ્થાપિત કરી શકાય છે. આ બાર પગથિયાં ચડવાથી બહિર્મુખતાથી મુક્ત થઇ શકાય છે, ને અંતર્મુખતામાં સ્થિર થઇ શકાય છે.
આસનો કરવાથી શરીર સ્વસ્થ ને સુદ્દઢ બને છે ને લાંબો સમય સુધી સાધનામાં બેસવાની શક્તિ પ્રાપ્ત થાય છે અને શરીર પ્રત્યેનો લગાવ ઓછો થાય છે, અને આધ્યાત્મિક વિકાસ તરફ આગળ વધી શકવાની તાકાત પ્રાપ્ત થાય છે, આત્મવિશ્વાસ ને આત્મશ્રદ્ધામાં વધારો થાય છે આ રીતે તેર પગથિયાં બહિર્રંગ સાધનાના છે, અને પછીના બે પગથિયાં જેમાં પ્રાણાયામ અને પ્રત્યાહાર દ્વારા શ્વાસ-પ્રશ્વાસનુ નિયમન કરવાનું હોય છે.

શ્વાસની સાથે જ આપણા ચિત્તની વૃતિઓનું સંકલન હોય છે. આપણે જ્યારે પણ ક્રોધે ભરાઈએ છીએ ત્યારે આપણો શ્વાસ ઝડપથી ચાલતો હોય છે, ને શાંત બેઠા હોઈએ છીએ ત્યારે શ્વાસ ધીમો અને એક ધારો ચાલતો હોય છે જે આપણો સૌનો અનુભવ છે, આમ આપણી ચિત્તની વૃત્તિઓ સાથે શ્વાસ જોડાયેલ હોય છે. આ રીતે પ્રાણાયામ અને પ્રત્યાહાર દ્વારા શ્વાસ પર નિયંત્રણ થઇ શકે છે શ્વાસનું નિયંત્રણ થતા જ આપણી તમામ વૃત્તિઓ પણ આપોઆપ નિયંત્રિત થાય જ છે, કરવી પડતી નથી. જે માણસનો શ્વાસ ઝડપથી ચાલતો હોય કે તૂટક-તૂટક ચાલતો હોય તે માણસ સ્વસ્થ હોય શકે જ નહી આમ સ્વસ્થતા અને પ્રસન્નતા માટે પણ શ્વાસ-પ્રશ્વાસની સાધના કરવી જરૂરી છે. લાંબા, ઊંડા અને એક ધારા શ્વાસ આરોગ્ય માટે પણ ઉત્તમ પુરવાર થાય છે.

પ્રાણીઓ પરના પ્રયોગોથી પુરવાર થયું છે કે જે પ્રાણીઓના શ્વાસ ધીમા ને એકધારા ચાલતા હોય છે તેની આયુષ્ય વધુ હોય છે ને ટૂંકા શ્વાસ વાળા પ્રાણીઓનું આયુષ્ય ઓછું હોય છે તે સાબિત થયું છે. આપણે પણ જો વધુ સ્વસ્થ રીતે અને પ્રસન્નતા પૂર્વક જીવવું હોય તો શ્વાસોશ્વાસની સાધના કરવી જ જોઈએ તે જીવન માટે આવશ્યક અને જરૂરી છે.

ધારણા, ધ્યાન અને સમાધિ એ પરમ પદને પામવા માટેના અંતિમ ત્રણ પગથિયાં છે જે આત્માની ગહેરાઈમાં આપણને લઇ જાય છે ને આપણે સો જાણીએ છીએ કે પરમાત્મા બહાર નથી. પણ આપણી અંદર જ આત્મ રૂપે તે વિરાજે છે, તેને પામવાનું આપણા જીવનનું પરમ લક્ષ હોય છે તે માટે જ આપણા જીવનની બધી જ મથામણ હોય છે. પણ આપણી આ બધી જ મથામણ બાહ્ય રૂપે હોય છે, જેથી પરમાત્મા પ્રાપ્ત થતાં નથી કે આપણે તેમની અનુભૂતિ કરી શકતા નથી.

આપણે આપણા આ જીવનમાં જ કર્મ કરવાની પદ્ધતિમાં ફેરફાર કરીએ ને તમામ કર્મો ફલાસક્તિથી મુક્ત થઈએ એટલે ફળની આશાથી મુક્ત થવું એટલે આપણા અહંકાર, રાગ-દ્વેષ, કામના, વાસના અને ઈચ્છાઓથી મુક્ત થવું, ને તમામ કર્મો પરમાત્માના છે ને ફળો પણ તેમના છે, એવા ભાવથી કર્મો કરતા જ રહીએ ને જે કાંઇ ફળ પ્રાપ્ત થાય તે પરમાત્માનો પ્રસાદ છે, એમ માની તેનો ઉપયોગ કરીએ, ને જીવનમાં ઉપભોગથી નિવૃત્ત થઈએ ને તમામ ચીજ નો માત્રને માત્ર ઉપયોગ જરૂર કરીએ પણ ઉપભોગ હરગિજ નહીં. ઉપભોગ દુખ આપે જ્યારે ઉપયોગ શાંતિ પ્રદાન કરે છે, આ સ્થિતિ પ્રાપ્ત કરીને જાગૃતિ પૂર્વક જીવન વર્તમાનમાં સ્થિર થઇ ને જીવે જઈએ તો પરમાત્માની અનુભુતી પ્રાપ્ત કરી જ શકીએ, તેમાં કોઈ જ શક નથી. પણ આપણે આપણા જીવનમાં આટલું કરી શકતા નથી. અને કોઈ પણ પ્રકારના કર્મમાં આપણો સ્વાર્થ જોડીએ છીએ અને આસક્તિથી જ તમામ કર્મો કરીએ છીએ, જેથી જ દુઃખી છીએ બીજું કોઈ કારણ નથી. કોઈ કોઈને કોઈ જગતમાં દુખી કે સુખી કરી શકતું જ નથી. આપણા કર્મો જ આપણને દુઃખી ને સુખી કરે છે, સ્વાર્થ દુઃખ આપે છે. આમાં પરમાત્મા પણ હાથ નાંખતો જ નથી કે કોઈ દેવ દેવીઓ પણ કોઈને સુખ કે દુખ આપતું જ નથી એટલું નક્કી સમજો. મૂળ વાત આપણે અનાસક્ત ભાવમાં શિર થઇ શકતા જ નથી જેથી દુઃખ સિવાય કાંઈ હાથમાં આવતું નથી. ને શાંતિ ને પ્રસન્નતા પ્રાપ્ત થતી નથી, જો આપણે પરમાત્માની અનુભૂતિ કરવી હશે તો આપણી કર્મ કરવાની પદ્ધતિમાં ફેરફાર કરવો જ પડશે જો આપણે આ જન્મમાં જ પરમાત્માની અનુભૂતિ કરવી હશે તો આપણે અનાસક્ત ભાવમાં, સાક્ષી ભાવમાં, અને સમતા ભાવમાં સ્થિર થવું જ પડશે. ને જીવનને સરળ સહજ અને સત્ય આધારિત બનાવવું જ પડશે તો જ સિદ્ધિ હાથમાં આવશે ને પરમાત્માની અનુભૂતિ કરી જ શકીશું.

આ જગતમાં અનેક માણસોએ આંતરિક અને બાહ્ય શુધ્ધિ પ્રાપ્ત કરી જ છે ને પરમાત્માની અનુભૂતિ પણ પ્રાપ્ત કરેલ છે તે સત્ય હકીકત છે. એટલે પરમાત્મા પ્રાપ્ત થઇ શકે જ નહી તે આપણી વાત વ્યાજબી કે યોગ્ય નથી આપણે ન કરી શકીએ એટલે અશક્ય જ છે એમ કહેવું તે આપણી નાદાની છે. જીવન જીવવાની ગેરસમજ છે.

એટલું સમજી લ્યો કે આપણે આવ્યા છીએ ખાલી હાથે ને જવાના છીએ પણ ખાલી હાથે તો હાય શા માટે કરવી, ખાલી થઇ જાવ પરમાત્મા હાજર હજૂર છે. આપણી અંદર એટલો બધો કચરો ભર્યો છે કે તેને બેસવાની જગ્યા જ નથી આ કચરો સાફ કરો ને બેસવાની જગ્યા કરો એટલે તે જરૂર બેસવા આવશે જ, તેઓ તો તૈયાર જ છે, આપણી તૈયારી નથી, તેઓ તો મળેલા છે, આપણી અનુભૂતિ કરવાની તૈયારી નથી. આપણે જ મળવા માગતા નથી. તે આપણો જ દોષ છે.

આપણા દુઃખ ચિંતા ઉદ્વેગ નિરાશા હતાશા વગેરે માટે આપણે જ જવાબદાર છીએ કોઈ બીજા દોષિત નથી આપણી આસક્તિ મોહ મમતા વગેરે જ કારણભૂત છે. એટલું સ્પષ્ટ માનો ને તેમાંથી મુક્ત થવા પ્રયત્ન કરો એટલે સુખ જ છે. સુખ બહારથી કોઈ આપી શકતું જ નથી કે દુઃખ કોઈ આપી શકતું જ નથી, જગતમાં પાપ પુણ્ય જેવી કોઈ ચીજ નથી. પાપ પુણ્યથી કોઈ દુઃખી કે સુખી થતો નથી. કોઈ દેવ દેવીઓનો કોપ જગતમાં છે જ નહી એ નક્કી માનો. જાગૃતિ પૂર્વક જે કોઈ કર્મો થાય તે પુણ્ય શાળી છે કારણ કે તે શાંતિ આપે છે ને જે અજાગૃતિ પૂર્વક કામો થાય તે પાપ દાયક છે કારણ કે તે દુઃખ આપે છે. માટે જાગૃતિ પૂર્વક જીવે જાવ શાંતિ, સુખ ને આનંદ પ્રાપ્ત થશે જ જેની ખાત્રી ને બાહેંધરી આપું છું. તમોને કોઈ દુઃખી કરી શકશે જ નહી આ જગતમાં જાગૃત માણસને દુઃખી કરવાની કોઈનામાં તાકાત જ નથી માટે જાગૃતિ પૂર્વક જીવે જાવ એજ જીવન જીવવાની સાચી રીત છે. શાંતિ પ્રાપ્ત થશે જ આનંદમાં જીવન જીવી શકશો. ચાલો જાગૃત અવસ્થામાં જીવીએ. જાગૃતિ પૂર્વક જીવવું એટલે વર્તમાનમાં જીવવું જે છે તેનો સ્વસ્થતા પૂર્વક ઉપયોગ કરવો ને જીવનમાં આનંદ થી જીવે જવું. આનું નામ જ જીંદગી છે. અને મુક્તિનું દ્વાર છે

- તત્વચિંતક વી. પટેલ