
મુગલ સમ્રાટ અકબર બાદશાહે સંત તુલસીદાસની ખૂબ વાહ-વાહ સાંભળી હતી. આથી બાદશાહ તેમના દર્શન કરવા બહુ ઉત્સુક હતા. બાદશાહે પોતાના માણસને તુલસીદાસને તેડી લાવવા મોકલ્યો. આગંતુક તુલસીદાસને ઘેર ગયો ત્યારે એ નરશાર્દુલ "રામચરિતમાનસ" લખવામાં પરોવાયેલા. સામે રામ, લક્ષ્મણ અને જાનકીની છબી છે. ભક્ત ઘ્યાનસ્થ બેઠા છે. લેખિની એનું કામ કર્યે જાય છે. ત્યાં આગંતુકે હાક મારી, "કવિ શિરોમણિ, ઊઠો. આજે આપના ભાગ્ય ઊઘડી ગયાં. શાહી દરબારથી તેડું આવ્યું છે. બાદશાહ સલામત એમના વિદ્વાન રત્નોમાં આપનું નામ ઉમેરવા ઉત્સુક છે."
તુલસીદાસે ભક્તિમદ છલકાતી આંખોને આગંતુક ઉપર ઠેરવી. બોલ્યા, "ભાઈ, હું દિલ્લીશ્વરને ન ઓળખું. મારે માથે વાસે તો એક જ રાજાનું શિરછત્ર હું જાણું. મારા રાજા રામનું શિરછત્ર. હું એમની રાંક પ્રજા. મારે બીજા કોઈ રાજા જોડે નાતા તાંતા નહીં. માટે ભાઈ, તું તારે માર્ગે પડ."
"કવિ, આનું પરિણામ બૂરું આવશે હો !" આગંતુકે કહ્યું, "કુછ પરવાહ નહીં ભાઈ, મારે માથે શ્રી રામજીનાં રખવાળાં છે." તુલસીદાસે ઠંડે પેટે વેણ કાઢ્યાં. આગંતુક જતો રહ્યો.
બાદશાહે જ્યારે આ વાત સાંભળી ત્યારે તેઓ તુલસીદાસ ઉપર ઘણા નારાજ થયા. ત્યાં કોઈએ કહ્યું, "બાદશાહ સલામત, તુલસીદાસજી ઉચ્ચ કોટિના કવિ છે. પહેલા દરજ્જાના છે. એમના ગૌરવને છાજે એ રીતે આપ એમને દરબારમાં તેડો. માન-આદરથી પાલખી મોકલી એમને તેડવામાં આવે તો કવિ જરૂર આવશે."
પાલખી લઈને રાજના સેવકો તુલસીદાસને તેડવા ગયા. એમને આંગણે શાહી પાલખી આવી પહોંચી. તે જોઈને તુલસીદાસ કહે, "અરે, મને વળી આ આડંબર શા? પાલખી શા ને વાત શી? હું રાજા રામનો નમ્ર સેવક. જાઓ ભાઈ, જાઓ. મને એકલો પડ્યો રહેવા દો."
તુલસીદાસ ઘણાને વ્યવહારશૂન્ય અને બેવકૂફ લાગ્યા. ઘણાને તેમનું નિખાલસપણું અને સ્પષ્ટ વકતૃત્વ ઉદ્ધત લાગ્યાં. અકબર તુલસીદાસની તુંડમિજાજીને અનુરૂપ શિક્ષા કરવા તૈયાર થયા.
કવિની તો એક જ વાત - "તુલસીને રામ સિવાય કશું જોઈતું નથી." બાદશાહનો શાહી ખોફ બહોરીને તુલસીદાસ બંદીખાને ગયા. ત્યાં કોટડીમાં બેઠા બેઠા એ જ અસલ આનંદથી રામચરિતમાનસ લખવા લાગ્યા. કોઈ દંભ નહીં, કોઈ છલ નહીં, કોઈ અંગત કડવાશ નહીં. એક દિવસ બાદશાહ અકબરે આ ખુદાઈ ખિદમતગારની કસોટી કરી.
અકબર તુલસીદાસને મળવા કેદખાને ગયા. જુએ છે તો રાજા રામની છબી સામે રાખી સંત રામચરિતમાનસ લખવા બેઠા છે. અકબર તેમની એકાગ્રતા જોઈને ચકિત થયા. "તુલસીદાસ, ક્યાં સુધી જેલમાં આમ સબડશો? બાદશાહ તરીકે મને કબૂલ રાખો અને મુક્તિ મેળવો." તુલસીદાસ કહે, "મને સત્યનો મારગ સુઝાડનાર મારા સરદાર રાજા રામને હું આત્મ સમર્પણ કરી ચૂક્યો છું. હું એમનો અદનો સિપાહી. સિપાહીના બે સરદાર કદી હોય?"
તુલસીદાસનો ઉત્તર સાંભળી બાદશાહનો અહમ્ ઘવાયો. તેઓ શ્રીરામની છબી ફાડવા તૈયાર થયા. બાદશાહના આ કૃત્યથી અત્યંત દુઃખી થઈ તુલસીદાસજી અશ્રુ વહાવવા લાગ્યા. વર્ષોથી એ છબીમાં તેઓ પોતાના આરાધ્ય દેવ શ્રીરામનાં પ્રત્યક્ષ દર્શન કરતા આવ્યા હતા. તેમણે અશ્રુ વહાવતાં હનુમાનજીની સ્તુતિ કરવા માંડી. પોતાને આ નવી ઉપાધિમાંથી ઉગારી લેવા વ્યગ્ર મને તેમણે હનુમાનજીને વિનંતી કરી. ત્યાં અચાનક ન જાણે ક્યાંથી એક વાનરસેના આવી લાગી. તેમણે બાદશાહના હાથમાંથી શ્રીરામની છબી છીનવી લીધી. આ અણધાર્યા હુમલાથી અકબર હતબુદ્ધિ બની ગયા. તેણે તરત જ તુલસીદાસને મુક્ત કરવાનો હુકમ કર્યો. તેમની ક્ષમા માગી તથા તે નિર્ભિમાની સંતપુરુષના મુખેથી રામકહાણી સાંભળી પોતાના કાન પવિત્ર કર્યા. તે દિવસથી રામભક્તોની કોઈ પજવણી ન કરે તે તરફ બાદશાહ અકબર ખાસ ધ્યાન આપતા.
"સંત સુવાસ" પુસ્તક માંથી
લેખક: બેપ્સી એંજિનિયર
પ્રકાશક: નવભારત સાહિત્ય મંદિર