શિરડીના સંતશ્રી સાંઈબાબાના એક શિષ્ય હતા. તેઓ સાંઈબાબાના અનન્ય ભક્ત હતા. સાંઈમાં તેમને પૂરી શ્રદ્ધા. રોજ તેઓ સાંઈબાબાના દર્શન કરવા જતા. દર્શન કર્યા વિના કદી પાછા ફરતા નહોતા. કોક વાર તો એવું બનતું કે લોકોની ભીડમાંથી માર્ગ કાઠીને આગળ કેમ જવું તે જ સમજાતું નહિ. આવી વેળાએ શિષ્ય આખો દિવસ ખડે પગે રાહ જોતા ઊભા રહેતા અને દર્શન કરીને જ ઘરભેગા થતા વળી આ શિષ્ય સાંઈબાબાના દર્શન કર્યા પહેલાં કદી મોંમાં અન્નનો દાણો મૂકતા નહિ. આ તેમનો રોજિંદો નિયમ હતો.
એક દિવસ એવું બન્યું કે સાંઈના દર્શન કાજે ખૂબ માનવમેદની ભેગી થઈ હતી. હકડેઠઠ લોકકમેળામાંથી માર્ગ કાઢીને શિષ્ય સાંઈના ચરણો સુધી કેમ કરતાં પહોંચી શક્યા નહિ. ભૂખ્યા અને તરસ્યા ઊભા રહેતાં રાત પડી ગઈ. લોક વિખરવા લાગ્યું, ત્યારે સાંઈભક્ત અંદર જઈ શક્યા.
ભક્તે બાબાના ચરણોમાં માથું મૂક્યું.
સાંઈબાબાએ જ્યારે જાણ્યું કે પોતાને લીધે શિષ્યને ખૂબ કષ્ટ વેઠવું પડ્યું છે ત્યારે તેઓ મૃદુ સ્વરે બોલ્યો: "ભાઈ, શા સારુ તારે રોજ આમ માહકની તકલીફ વેઠવી જોઇએ? જો, હવેથી તું અહીં ધક્કો ખાઈશ નહિ. હું જ તને આવીને મળી જયા કરીશ. માટે કાલથી અહીં આવવાનું બંધ કરી દેજે. હું તને ખાતરી પૂર્વક કહું છું કે જમ્યા પહેલાં તું મારા દર્શન અવશ્ય કરશે."
ધન્ય શ્રી સાંઈ ! લાખ વંદના તમારી નમ્રતાને અને તમારા શિષ્ય પ્રેમને ! આમ વિચારતાં મનમાં ખૂબ ખુશ થતાં અને અનુભવતાં શિષ્ય ઘર જવા નીકળ્યો.
બીજે દિવસે શિષ્ય વહેલી સવારે જાગી ગયો. સ્નાન0પૂજાદિ વહેલાં-વહેલાં પતાવી દીધાં અને પછી શ્રીસાંઈની પધરામણીની રાહ જોતો તે આગલે બારણે બેઠો. આમ કરતાં સવાર વીતવા લાગી. બપોર થઈ પણ સાંઈનો પત્તો ના મળે. સંધ્યાકાળ થતાં તો શિષ્યનો ઉચાટ વધી ગયો. સાંઈગુરુ ઉપર તેને રોષ ચઢ્યો. સવારથી ભૂખ્યે પેટે બેઠો છું, છતાં સાંઈએ મારા ઉપર કૃપા ન કરી? શિષ્યને મનમાં અત્યંત માઠું લાગ્યું. આખરે અધીર બની મોડી સાંજે તે સાંઈના દર્શને જવા નીકળ્યો.
સાંઈબાબાને નિયત જગ્યા ઉપર નિરાંતે બેઠેલાં જોઈને શિષ્ય રોષપૂર્વક બોલ્યો: "દેવ, તમે જ વચન આપો અને તમે જ તે તોડો એ તે કેવું કહેવાય?"
શિષ્યની રોષપૂર્ણ વાણી સાંભળી શ્રીસાંઈ બોલ્યા: "રે, હું આજે એક વાર નહીં ત્રણ વાર તારે ઘેર આવી ગયો."
શિષ્ય કહે: "દેવ, શું કહો છો? હું તે દી' આખાથી તમારી તમારી વાટ જોતો બેસી રહ્યો, પરંતુ તમારા દર્શન થયાં નહિ, છેવટે હું જ અહીં આવ્યો અને તમે કહો છો કે તમે ત્રણ-ત્રણ વાર મારું ઘર પાવન કર્યું?"
ત્યારે સાંઈ બોલ્યા: "પહેલી વાર હું તારે ઘેર ભિખારીના વેશમાં આવ્યો, પરંતુ તેં મને કહ્યું કે જતો રહે, ખબરદાર અહીં આવ્યો છે તો !" અને હું જતો રહ્યો. બીજી વાર એક ઘરડી ડોસીના રૂપમાં હું તારે આંગણે આવીને ઊભો, પરંતુ તેં મારી તરફ જોયું પણ નહિ. ઊલટાનું મને જોતાંવેંટ જ તેં તારી આંખો બંધ કરી દીધી.
અત્યંત દુઃખી થતાં શિષ્ય બોલ્યો: "દેવ, કોઈ પણ સ્ત્રીના મોં સામે ન જોવાનું મેં વ્રત લીધું છે."
શ્રીસાંઈ કહે: "તો એમાં હું શું કરું? શું મારે તારી બંધ આંખોમાં ઘૂસી જવું? હું તો આવ્યો પણ તેં જ તારી આંખો બંધ કરી દીધી. હું ફરી પાછો જતો રહ્યો. ત્રીજી વાર હું કૂરતો બનીને ફરી તારે દ્વારે આવીને ઊભો, પરંતુ આ ફેરા પણ તેં મને તારા ઘરમાં પેસવા ન દીધો. ઊલટાનો તું તો હાથમાં દંડો લઈને બારણા વચ્ચે મને હાંકી કાઢવા ઊભો રહ્યો. હવે તું જ કહે આમાં મારો શો વાંક?"
શ્રીસાંઈના આ વચનો સાંભળી શિષ્ય દુઃખ અને પશ્ચાતાપનો માર્યો માથું નમાવી સૂનમૂન બની ગયો. સાંઈબાબાની માફી માગી તે તેઓશ્રીના ચરણોમાં પડ્યો. સૌને માફી આપનાર સાંઈએ તેને આશીર્વાદ આપ્યા.
("સંત સુવાસ" પુસ્તક માંથી)
લેખક - બેપ્સી એન્જિનિયર
======== * ========