હોલિકા દહન

દૈત્યકુળના હિરણ્યકશિપુને ત્યાં 'હોલિકા' નામની બહેન હતી. કમળ તો કાદવમાં જ ઉગે ને? હિરણ્યકશિપુને ત્યાં પ્રહલાદનો જન્મ થયો. હિરણ્યકશિપુને પ્રભુના નામ પ્રત્યે અસીમ ઘૃણા હતી.
 
આ દૈત્યરાજે એક કાળ ચોઘડિયે વસંતોત્સવ માટે મનાઈ હુકમ કર્યો હતો. પોતે ભગવાનના નામથી હંમેશા દૂર રહેતો અને પ્રજાને પણ પ્રભુ નામ સ્મરણથી વિમુખ રાખવા સદૈવ તત્પર રહેતો. પરંતુ પોતાનો પુત્ર પ્રહલાદ જ રામ-નામ રટવામાં રત રહેતો. 'જગતમાં જેને કોઇ ન પહોંચે તેને તેનું પેટ પહોંચે' એ કહેવત અનુસાર પ્રહલાદ પોતાને બોધપાઠ ભણાવે છે.
 
વ્યવહારમાં ક્રૂર એવા હિરણ્યકશિપુએ પ્રેમ દર્શાવી પ્રહલાદને કહ્યું - "બેટા! તું પ્રભુ-નામસ્મરણ, પૂજા-પાઠ વગેરે ત્યજી દે, મને એ જરા પણ પસંદ નથી. મેં સમગ્ર રાજ્યમાં પ્રભુનું નામ લેવા પ્રતિબંધ કર્યો છે."
 
"પિતાજી! આ માનવદેહ તો અતિ ક્ષણભંગુર છે. મૃત્યુ નિશ્ચિત છે, તેથી નામ-સ્મરણ કે પૂજા-પાઠ કરવા બદલ મને મૃત્યુ મળશે તો પણ સહર્ષ સ્વીકારી લઇશ, પણ પ્રભુનું નામ તો નહિ જ મૂકું." પ્રહલાદે પ્રત્યુત્તર આપતા કહ્યું.
 
હિરણ્યકશિપુમાંનો પિતા પરાજય પામ્યો. આખરે આ દૈત્યરાજ ક્રૂર સ્વરૂપે બહાર આવ્યો, કારણ કે પિતાની કાકલૂદીભરી વળી પુત્રે કાને ન ધરી.
 
ક્રૂર પિતાને પ્રહલાદને ઊંચા કિલ્લા પરથી નીચે ફેંકી દેવા હુકમ કર્યો. પરંતુ પ્રભુએ પ્રહલાદને ફૂલની જેમ ઊંચકી લીધો. ખોરાકમાં ઝેર ભેળવીને મોતને ઘાટ ઉતારવા કોશિશ કરી, પણ એ ઝેર અમૃતમાં ફેરવાઇ ગયું. હાથીના પગ તળે કચડી નાખવા પ્રબંધ કર્યો, પણ વિશાળકાય હાથીએ તેને સૂંઢથી ઉપાડી પોતાની ગરદન પર બેસાડી દીધો!
 
હિરણ્યકશિપુ જ્યારે વ્યગ્રતા અને હતાશાની ઊંડી ખાઇમાં ધકેલાઇ ગયો ત્યારે તેની બહેન હોલિકાએ ભાઇને આશ્વાસન આપતા કહ્યું - "ભાઇ! હું પ્રહલાદને ખોળામાં લઇ રમાડીશ, તમે મારી આજુબાજુ છાણા, લાકડાં વગેરે ગોઠવી હોળી પ્રગટાવજો. પ્રહલાદ બળીને ખાખ થઇ જશે, પણ મને શિવજીનું વરદાન હોવાથી અગ્નિ મને જરા પણ ઇજા નહિ કરે."
 
બહેને વતાવેલ યુક્તિ ભાઇને ગમી ગઇ. બીજે જ દિવસે ફાગણ સુદ પુનમ હતી. પ્રહલાદને હતો ન હતો કરી દેવા માટેની કાવતરા તિથિ હતી. તે દિવસે 'હોલીકા' પ્રહલાદને ખોળામાં બેસાડી રમાડવા લાગી. સૂચના અનુસાર હોળી પ્રગટાવવામાં આવી, પણ પ્રહલાદ હેમખેમ ઉગરી ગયો અને હોલિકા બળીને ભસ્મ થઇ ગઇ.
 
વાચકવૃંદને કદાચ પ્રશ્ન થશે કે ભગવાન શંકરે તો હોલિકાને વરદાન આપ્યું હતું કે રોગથી ન મરે, શસ્ત્રથી ન મરે, દિવસે કે રાત્રે ન મરે. તો પછી આ આપેલું વરદાન કેમ એળે ગયું?
 
આનો ઉત્તર એ છે કે, હોલિકાની ભક્તિ નિષ્કામ ભક્તિ નહિ પણ સકામ ભક્તિ હતી. સકામ ભક્તિ એટલે કોઇને મનોકામનાની પરિપ્રાપ્તિના આશય સાથે કરવામાં આવેલી ભક્તિ. વાસ્તવિક રીતે આ ભક્તિ (સકામ ભક્તિ) કનિષ્ઠ પ્રકારની છે. નિષ્કામ ભક્તિમાં જો કચાશ હોય તો પ્રભુ એવા ભક્તથી લાખ ગામ છેટે છે. પ્રભુને તો નિષ્કામ ભક્તિની જ સેવા ગમે છે. પ્રભુને તો જે નિષ્કામી વર્તમાન રાખે તે જ અતિ પ્રિય છે, અને તેનો આ લોક અને પરલોકને વિષે દૃઢ મેળાપ રાખે છે. સકામ ભક્તિમાં શ્રદ્ધા હોવા છતાંય મોટે ભાગે મહેશ્વરને મૂંઝવી કંઇક પચાવી પાડવાની જ વૃત્તિ હોય છે, "યેન કેન પ્રકારેણ" કંઇક પડાવી લેવાનો જ આશ્ય પ્રબળ હોય છે. આથી માગીને મેળવેલ ઇચ્છિત વરદાન તત્ક્ષણ સિદ્ધિ તો અવશ્ય ગણાય છે, પરંતુ આ સકામ ભક્તિ અવિચળ સિદ્ધિ અર્પતી નથી.
 
આથી હોલિકાને મળેલ વરદાન એળે ગયું. દિવસે કે રાત્રે નહિ, પરંતુ સંધ્યાકાળે પ્રગટાવેલ જ્વાળા હોલિકાને ભરખી ગઇ! ભગવાન સદાશિવે અનિચ્છાએ આપેલ સકામ ભક્તિનું ફળ આપમેળે વિનાશને વરી ગયું!
 
આખરે 'અનિષ્ઠ' પર 'નિષ્ઠ' નો વિજય થયો. તેથી સમાજમાં સૌ સ્મૃતિરૂપે સંધ્યા સમયે હોળી પ્રગટાવે છે. હુતાશનીનું વ્રત કરનાર પૂજન કરે છે. ખજૂર, ધાણી અને દાળિયાનો વ્યાપક ઉપયોગ કરે છે, નાળિયેર વધેરવામાં આવે છે. હોળી પ્રગટાવવાથી વાતાવરણ વિશુદ્ધ થાય છે. કેસૂડાનાં ફૂલો ઘોળીને તૈયાર કરવામાં આવેલ રંગ કે અબીલ-ગુલાલની છોળો માનવ જીવનમાં સંતૃપ્તિ, સંતોષ અને આનંદની લહેરો ભરી શકે છે. મિત્રો,  સગાં-સંબંધીઓ અન્યોન્ય સંબંધોમાં રંગના મેઘધનુષ્યો પૂરે છે. આ રંગોત્સવનું પણ અનેરું અને અનોખું સામાજિક મહત્વ છે. આ દિવસે દિયર-ભોજાઇ વચ્ચેના રંગોત્સવને સવિશેષ મહત્વ અપાયું છે, જેથી કરીને સાહજિક નૈતિક સ્ખલનને પણ ક્યારેક અવકાશ ન રહે અને પરિતૃપ્તિ કેવળ પવિત્ર જ બની રહે એ આપણે જોવાનું છે, આ રંગોત્સવ કે હોલિકોત્સવ કલુષિત ન બને એ જોવાનું છે, અનિષ્ઠનું દહન કરીને સમાજે નિષ્ઠાનું જતન કરવાનું છે.
 
હોલિકા વ્રત સાથે પ્રહલાદની કથાને સાંકળી લેવામાં આવી છે. ભક્ત પ્રહલાદ અગ્નિ પરીક્ષામાંથી પસાર થાય છે. ફાગણ સુદ પુનમના રોજ હોલિકોત્સવનો મહિમા વિશેષ છે. હોળીપૂજન કરનારનું આખું વર્ષ વિના વિઘ્ને સુખરૂપ વ્યતીત થાય છે. "હોલિકાયૈ નમઃ" એ મંત્ર ભણી વ્રતકર્તાએ હોલિકાનું પૂજન કરવું જોઇએ, જેથી સુખ-શાંતિ પ્રાપ્ત થાય છે.
 
("પાચીન વ્રત ઉપાસના" પુસ્તક માંથી)
પ્રકાશક - જલારામ જ્યોત પ્રકાશન