હું માનવ છું ને? - સ્વામી રામરાજ્યમ્

મગફળીના ભાવ નિકટ ભવિષ્યમાં વધવાની આશંકા હતી. વ્યાપારીઓ પોતાના ગોદામ મગફળીથી ભરવા લાગ્યા.
 
એક વ્યાપારીએ ઘણા વ્યાપારીઓ પાસેથી ધન ઉધાર લઈને વિપુલ પ્રમાણમાં મગફળી ખરીદી ગોદામો ભરી દીધા. ઉધાર લઈને આમ વ્યાપાર કરવાની રીત તેના નાના ભાઈને પસંદ ન હતી, છતાં મોટા ભાઈના માન ખાતર તેણે કશું કહ્યું નહીં.
 
થોડાક દિવસો બાદ મોટા ભાઈનું અનાયાસ મૃત્યુ થઈ ગયું. એમ કહેવાય છે ને કે "મુસીબત એકલી નથી આવતી, તેની સાથે અન્ય મુસીબતોને પણ લાવે છે." મોટા ભાઈના મૃત્યુ બાદ મગફળીના ગોદામમાં પણ આગ લાગી ગઈ અને બધી મગફળી બળીને રાખ થઈ ગઈ. નાના ભાઈ ઉપર બધી ઉધારીનો બોજ આવી પડ્યો. ઉધાર આપનાર વ્યાપારીઓ પોત-પોતાના નાણા ઉઘરાવવા આવવા લાગ્યા. હવે નાનો ભાઈ કરે શું !!! તે ઉધાર ચુકાવવા માગતો હતો પરંતુ તે ચુકવે કઈ રીતે, તેની પાસે તો કશું નહીં હતું.
 
એક શેઠ હતા. તેમણે પણ મોટા ભાઈને મગફળી ખરીદવા માટે ખૂબ મોટી રકમ ઉધાર આપી હતી. તેઓ એક દિવસ નાના ભાઈ પાસે આવ્યા. નાના ભાઈએ રડતા-રડતા કહ્યું કે "શેઠજી, હું તમારા બધા પૈસા ચૂકતે કરી દઈશ, પરંતુ હમણાં હું મજબૂર છું." શેઠજીએ કહ્યું "તું એ કાગળ લઈને આવ, જેના પર મારા દ્વારા આપવામાં આવેલ રકમની નોંધ કરી છે." નાનો ભાઈ એ કાગળ લઈને આવ્યો.
 
શેઠજીએ આ કાગળને ધ્યાનપૂર્વક વાંચ્યું, પછી એમણે નાના ભાઈને કહ્યું "હું એ રકમ તારા મોટા ભાઈને આપી હતી, બરાબર?"
 
થોડી થંભ્યા પછી બોલ્યા "રકમ પરત કરવાનો ઇકરાર તારા મોટા ભાઈએ કર્યો હતો. તે જીવિત હતે તો હું મારી રકમ એની પાસેથી લેતે. ભાઈના જવા સાથે આ ઇકરારનામું પણ સમાપ્ત થઈ ગયું" આમ કહીને તેમણે એ કાગળ ફાડી નાખ્યું અને શેઠ ચાલતા થયા. આ જોઈને નાનો ભાઈ દંગ રહી ગયો.
 
મિત્રો, ધન જ સર્વસ્વ નથી. એનાથી પણ અધિક મૂલ્યવાન હોય છે માનવતા. માનવતાનું એક લક્ષણ છે - પોતાના અધિકારોને ભુલી અને પોતાના કર્તવ્યને યાદ રાખવું. શેઠને પોતાનું ધન પરત લેવાનો અધિકાર હતો, પણ તેમના એ અધિકારને ભુલી નાના ભાઈની મજબૂરીને ધ્યાનમાં રાખી તેમણે તેમના કર્તવ્યનું પાલન કર્યું. માનવ-શરીર મળવાથી કોઈ માનવ નથી બની જતું. જેમાં માનવતા હોય છે, કેવળ એ જ માનવ કહેવાય છે. તો મિત્રો, તમો પોતાને જ વારંવાર પુછો કે "હું માનવ છું ને?"
 
- સ્વામી રામરાજ્યમ્
દિવ્ય જીવન સંઘ