આજે આપણે જોઇએ છીએ કે મનુષ્ય પોતાની પ્રસન્નતા વધારવા માટે ભિન્ન-ભિન્ન કાર્યક્રમોનું આયોજન કરે છે. આપણા ઘરમાં કોઈનો જન્મદિન મનાવવામાં આવે છે તો આપણને ઘણી પ્રસન્નતા થાય છે. આ અવસર પર આપણે આપણા ઘરની સજાવટમાં પણ કોઈ કમી નથી રાખતા. સજાવટમાં ફૂગ્ગાનું ઘણું મહત્વનું સ્થાન છે. આપણે જ્યારે દુકાનમાં ફૂગ્ગો ખરીદવા જઇએ છીએ ત્યારે જો દુકાનદાર નાનો અને મોટો એમ બે પ્રકારના ફૂગ્ગા બતાવે તો આપણે કયો ફૂગ્ગો પસંદ કરીશું? નિશ્ચિત રૂપે આપણે મોટો ફૂગ્ગો જ પસંદ કરીશું. જેવી રીતે આવા ફૂગ્ગા આપણને દુકાનમાંથી પ્રાપ્ત થાય છે તેવાં જ આપણી છાતીમાં બે મોટા ફૂગ્ગાઓ છે. જેને આપણે ફેફસાંના નામે ઓળખીયે છીએ. જે આપણા શરીરમાં આવની હવાને પ્રાણવાયુમાં રૂપાંતરીત કરે છે.
આપણા ફેફસાં જો નાના અને કમજોર બને તો તે ન તો આપણને પસંદ પડે ન તો ભગવાનને. આવા કમજોર શરીરમાં ભગવાન ક્યારેય નિવાસ નહીં કરે, તો શું એ ઠીક કહેવાય? નહીં ને? તો પછી આપણે આ ફેફસાં માટે સારી રીતે વ્યાયામ કરવું જોઇએ. જેમ સૂર્ય નમસ્કાર કરવાથી પૂરા શરીરનું વ્યાયામ થાય છે. અધ્યયન કરવાથી બુદ્ધિનું વ્યાયામ થાય છે. સંસ્કૃતના શ્લોકો-સ્તોત્ર બોલવાથી જિહવાનું વ્યાયામ થાય છે. તેવી જ રીતે પ્રણવોચ્ચાર કરવાથી આપણા ફેફસાંનું વ્યાયામ થાય છે.
કેટલીક વાર આપણે જોઇએ છીએ કે થોડુંક જ કામ કરવા પર પણ આપણને થાકનો અનુભવ થાય છે. અગર આપણે દિવસભરમાં ઓછામાં ઓછું ૫ મિનિટ પણ પ્રણવોચ્ચાર કરીએ છીએ તો ફેફસાંનું ઘણી સારી રીતે વ્યાયામ મળી શકે છે. આપણને જલદી થાક અનુભવ નહીં થાય, આપણી કાર્ય ક્ષમતા પણ વધી જાય છે અને શ્વાસ સંબંધી કોઇ પણ સમસ્યા હોય તો સમાપ્ત થઈ જાય.
એમ જોવામાં આવે તો મનુષ્યનું શરીર ઘણું મૂલ્યવાન છે, પરંતુ એનું મહત્વ આપણે સમજતા જ નથી. હવે તમે જ બતાવો કે શ્વાસ લેતી વખતે આપણું પેટ અંદર જાય કે બહાર આવે? આપણને એવું લાગશે કે તદ્દન સહેલી વાત છે, કે જ્યારે શ્વાસ લઇશું તો પેટ બહાર આવશે. નહીં !! આ વાત ખોટી છે. તમે જાતે જ પ્રયોગ કરી જુઓ. જ્યારે શ્વાસ લેશો ત્યારે પેટ અંદર જશે અને જ્યારે શ્વાસ છોડશો ત્યારે પેટ બહાર આવશે. હવે તમે જ કહો કે જન્મ્યાં પછી આપણે એક પળ પણ એવી નથી કે જ્યારે આપણે શ્વાસ નહીં લીધો હોય, પરંતુ શું આપણે આ બાબત ઉપર પહેલાં ધ્યાન આપ્યું હતું?
આપણને જીવન જીવવા માટે પ્રમુખતઃ ત્રણ પદાર્થોની આવશ્યકતા હોય છે –
(૧) ભોજન (૨) પાણી અને (૩) હવા
ઉપર્યુક્ત ત્રણેય માંથી સૌથી મહત્વપૂર્ણ હવા છે, કારણ કે મનુષ્ય ને જો ૧૫-૨૦ દિવસ ભોજન ન મળે તો તે જીવિત રહી શકે છે. પાણી વગર પણ મનુષ્ય ૪-૫ દિવસ જીવી શકે છે. પરંતુ ૫ મિનિટ જો એને હવા ન મળે તો મૃત્યુ અવશ્ય નિશ્ચિત છે. આજે આપણે સારામાં સારું ભોજન પ્રાપ્ત કરવા માટે કેટલા પ્રયાસો કરીએ છીએ. શુદ્ધ પાણી મળે એટલા માટે આપણે પાણીને ઉકાળી કે છાણીને પીએ છીએ. પરંતુ શુદ્ધ હવા કે જે બહુ મહત્વ પૂર્ણ છે એના માટે આપણે કશું નથી કરતાં - તો પછી આજથી આપણે એ તરફ પણ ધ્યાન આપવું જોઇએ. પ્રણવોચ્ચારથી ફેફસાંની પ્રાણવાયુ લેવાની ક્ષમતા વધે છે. નિત્ય પ્રણવોચ્ચાર કરવાથી આપણને ઉમંગ અને ઉત્સાહ આખા દિવસ સુધી બની રહે છે.
[ધીરે-ધીરે શ્વાસ લેવાથી કાચબો ૪૦૦ વર્ષ સુધી જીવિત રહી શકે છે જ્યારે જલદી-જલદી શ્વાસ લેવાના કારણે કુતરો ફક્ત ૨૦ વર્ષ સુધી જ જીવિત રહી શકે છે.]
તો પછી આપણને એવું પણ થાય કે ફક્ત દીર્ઘ શ્વસન કરીએ, ૐ બોલવાની આવશ્યકતા શી છે? આ પ્રશ્ન આપણા મનમાં આવવો એ સ્વાભાવિક છે. દીર્ઘ શ્વસનથી લાભ અવશ્ય થાય છે, પરંતુ બુદ્ધિને તેજ બનાવવા માટે પ્રણવ ઉચ્ચારણ આવશ્યક છે. ઓઽઽઽઽઽમ્ કરતાં સમયે આપણા શરીરમાં લહેર પેદા થાય છે અને આ લહેર આપણા મસ્તિષ્ક સુધી પહોંચે છે. મસ્તિષ્કમાં નાના-નાના કરોડો તંતુઓ હોય છે. આ લહેરોથી એ તંતુઓમાં રક્ત પહોંચવાની ગતિ વધી જાય છે, જેથી બુદ્ધિ તેજ થાય છે.
આ પ્રકારે પ્રણવોચ્ચારથી અનેક લાભ થાય છે.
("સંસ્કાર જ્યોતિ" પુસ્તક માંથી)
લેખક - શ્રી સંજય માલપાણી