
આજે સૌને જય શ્રી કૃષ્ણ, કાલે વહેલા આવજો,
હરિગુણ ગાવા, હરિ રસ પીવા, આવે એને લાવજો... આજે સૌને
મન મંદિરના ખૂણેખૂણેથી, કચરો કાઢી નાખજો,
અખંડ પ્રેમતણી જ્યોતિને, કાયમ જલતી રાખજો... આજે સૌને
વ્યવહારો સૌ પૂરા કરીને, પરમારથમાં પેસજો,
સઘળી ફરજો અદા કરીને, સત્સંગ માંહે આવજો... આજે સૌને
હરતાં ફરતાં કામ જ કરતાં, હૈયે હરિને રાખજો,
માન બડાઇ છેટે મૂકી, ઈર્ષ્યા કાઢી નાખજો... આજે સૌને
હૈયે હૈયું ખૂબ મિલાવી, હરિનું નામ દીપવજો,
ભક્તિ કેરું અમૃત પીને, બીજાને પીવડાવજો... આજે સૌને
સૌમાં એક જ પ્રભુ બિરાજે, સમજી પ્રીતી બાંધજો,
વલ્લભશીખ હૈયે રાખી, હરિથી સુરત સાધજો... આજે સૌને
વહેલા વહેલા આવજો ને આવી ધૂન મચાવજો,
આજે સૌને જય શ્રી કૃષ્ણ, કાલે વહેલા આવજો... આજે સૌને