આનંદ મંગલ કરું આરતી

આનંદ મંગલ કરું આરતી, હરિગુરુ સંતની સેવા;
પ્રેમ કરી મંદિર પધરાવું, સુંદર સુખડાં લેવાં... આનંદ...
 
કાને કુંડળ માથે મુગત, અકળ સ્વરૂપી એવા;
ભક્ત, ઓધારણ ત્રિભોવન તારણ, ત્રણ ભુવનના દેવા... આનંદ...
 
અડસઠ તીરથ ગુરુજીના ચરણે, ગંગા જમુના રેવા;
સંત મળે તો મહાસુદ પામું, ગુરુજી મળે તો મેવા... આનંદ...
 
શિવ સનકાદિક ઓર બ્રહ્માદિક, નારદ મુનિ દેવા;
કહે 'પ્રીતમ' ઓળખો અણસારે, હરિના જન હરિજેવા... આનંદ...