જલારામ દર્શન

એ મેં તો જોયું વીરપુર ગામ, જલાનું જુગ જૂનું એ ધામ,
હ્રદય મારું ખૂબ ઠર્યું રે, હ્રદય મારું ખૂબ ઠાર્યું... (ટેક)
 
ઘણા દિવસની હતી ઝંખના, અવસર ક્યારે આવે,
રાત દિવસ એ મારા મનને, એકાંતે મૂંઝાવે... એ મેં તો જોયું...
 
પૂર્વ તણા કોઈ પુણ્યે મળિયો, ઓચિંતાનો યોગ,
એક દિવસના શુભ ચોઘડિયે ટળી ગયો વિજોગ... એ મેં તો જોયું...
 
પુણ્ય ભૂમિમાં પગલું કીધું, દીઠું સ્વર્ગનું દ્વાર,
દેવ સમા બાપાના ભક્તો, કરતા જય જય કાર... એ મેં તો જોયું...
 
સ્વપ્નાં જે સેવ્યાં'તાં મેં તો, તે તો સાચાં પડ્યાં,
બાપાનાં દર્શનથી ઉરમાં, પૂર પ્રેમનાં ચડ્યાં... એ મેં તો જોયું...
 
જમણા હાથે ઊભા જલારામ, કરમાં માળા ઝાલી,
સન્મુખ ઊભા સીતા રામજી, જોતાં લાગી તાળી... એ મેં તો જોયું...
 
વરસોની એંધાણી આપે, એ ધોકો એ ઝોળી,
આઘે આઘે ઘરમાં, ગંગા યમુના ગોળી... એ મેં તો જોયું...
 
ભજન ધૂનમાં એ મસ્ત બને છે, જલારામના દાસ,
રામનામના ગુંજન ઊઠે, મંદિરમાં ચોપાસ... એ મેં તો જોયું...
 
દૂર દૂરથી દર્શન કરવા, આવે નર ને નારી,
માનવીઓનો જામે મેળો, રોજ રોજ ત્યાં ભારી... એ મેં તો જોયું...
 
ગુરુ ગાદી પર ગિરધર બાપા, જલારામનું નૂર,
જયસુખભાઈની જાતી સેવા, ભાવ ભરે ભરપૂર... એ મેં તો જોયું...
 
સરસ કીધો સત્કાર અમારો, ભૂલ્યો નહિ ભુલાય,
ફરી ફરી એ સ્વર્ગ ભૂમિમાં, 'ગોવિંદ' જાવા ચ્‍હાય... એ મેં તો જોયું...