કીધી મુને ઘેલી - મીઠા ભગત

કીધી મુને ઘેલી ઓધા, કીધી મુને ઘેલી,
     હે કાનુડે કામણગારે, કીધી મુને ઘેલી.
 
સાળુડાની શુદ્ધબુધ ભૂલી,
     ભાંગ પીધી મેં લીલી.
સેંથાને ઠેકાણે મેં તો,
     ચોડી દીધી ટીલી... કીધી
 
અમે જળજમુના ગ્યાંતા,
     માથે બેડા મેલી ઓધા
મુખડાની માયા લાગી,
     નવ ચઢે હેલી... કીધી
 
જમુનાને તીરે તીરે ગૌ,
     ચારે ગિરધારી ઓધા,
મોરલી વગાડે કાનો,
     રૂડી ને રંગીલી... કીધી
 
ઘરનો રે ધંધો ભૂલી,
     સગા ને સાહેલી ઓધા,
કેમ કરી આવું હું તો,
     કામકાજ મેલી... કીધી
 
આંખલડી એવી લાગે,
     અષાડની હેલી ઓધા,
મળ્યા રે મીઠાને સ્વામી,
     રંગ ગયો રેલી... કીધી