ઓમ્ જય શિવ ઓંકારા

        ओम् जय शिव ओंकारा, प्रभु जय शिव ओंकारा ।
        ब्रह्मा, विष्णु, सदाशिव, अर्द्धांगी धारा ॥ ओम् जय शिव ...
[ભાવાર્થ] - હે શિવ ! હે ઓંકાર ! હે પ્રભુ ! આપની જય હો. બ્રહ્મા, વિષ્ણુ તથા અન્ય દેવોના સમુહ કલ્યાણકારી મહેશજી સાથે આપ મારા કષ્ટોનું હરણ કરો.
 
        एकानन, चतुरानन, पंचानन राजे ।
        हंसासन, गरुड़ासन, वृषवाहन साजे ॥ ओम् जय शिव ...
[ભાવાર્થ] - વિષ્ણુ રૂપમાં આપનું એક મુખ, બ્રહ્મા રૂપમાં આપના ચાર મુખ અને મહેશ રૂપમાં આપના પાંચ મુખ સુશોભિત છે. બ્રહ્મા રૂપમાં આપનું આસન હંસ, વિષ્ણુ રૂપમાં ગરુડ અને મહેશ રૂપમાં નંદી નામક બળદ સુસજ્જિત ઊભા છે.
 
        दो भुज, चारु चतुर्भुज, दशभुज अति सोहे ।
        तीनों रुप निरखते, त्रिभुवन-जन मोहे ॥ ओम् जय शिव ...
[ભાવાર્થ] - બ્રહ્મા રૂપમાં આપની બે ભુજાઓ, વિષ્ણુ રૂપમાં આપની ચાર સુંદર ભુજાઓ, તેમજ મહેશ રૂપમાં આપની દશ ભુજાઓ અત્યંત શોભાયમાન છે. આપના આ ત્રણે રૂપો જોઈને ત્રણે લોકના પ્રાણી મુગ્ધ થઈ રહ્યા છે.
 
        अक्षमाला, वनमाला, मुण्डमाला धारी ।
        चन्दन मृगमद सोहे, भोले शशिधारी ॥ ओम् जय शिव ...
[ભાવાર્થ] - આપે રુદ્રાક્ષ, વન પુષ્પો તથા મુણ્ડોની માળા પહેરી રાખી છે. આપના માથા પર ચંદન અને કસ્તૂરીનો લેપ શોભાયમાન છે. આપના મસ્તક પર આપે ચંદ્ર પણ ધારણ કરી રાખ્યો છે.
 
        श्वेताम्बर, पीताम्बर, बाघम्बर अंगे ।
        ब्रह्मादिक, सनकादिक, प्रेतादिक संगे ॥ ओम् जय शिव ...
[ભાવાર્થ] - આપના શરીર પર શ્વેત અને પીળા પીતાંબર વસ્ત્રો ઉપરાંત વાઘની ખાલનો પહેરાવ સુશોભિત છે. આપની સાથે બ્રહ્મ આદિ દેવગણ, સનક આદિ દિવ્ય ઋષિગણ અને ભૂત-પ્રેત આદિ પણ રહે છે.
 
        कर मध्ये कमण्डलु, ओ त्रिशूलधारी ।
        सुखकारी, दुःखकारी, जगपालनकारी ॥ ओम् जय शिव ...
[ભાવાર્થ] - આપના એક હાથમાં કમંડલુ છે તો બીજા હાથમાં ત્રિશૂલ છે. આપ સુખ આપનાર, કષ્ટોને દૂર કરનાર તથા સંસારનું ભરણ-પોષણ કરનાર પણ છે.
 
        ब्रह्मा, विष्णु, सदाशिव, जानत अविवेका ।
        प्रणवाक्षर में शोभित, ये तीनों एका ॥ ओम् जय शिव ...
[ભાવાર્થ] - અજ્ઞાની લોક જ બ્રહ્મા, વિષ્ણુ અને સદા મંગલકારી મહેશને ત્રણ અલગ-અલગ રૂપોમાં જાણે છે. વાસ્તવમાં આ ત્રણે રૂપો ઓંકારના જ ત્રણ ભિન્ન-ભિન્ન રૂપોમાં સુશોભિત છે.
 
        त्रिगुण स्वामी की आरती, जो कोई नर गावे ।
        कहत शिवानन्द स्वामी, मन वांछित फल पावे ॥ ओम् जय शिव ...
[ભાવાર્થ] - સ્વામી શિવાનન્દ કહે છે કે, "જે કોઈ પણ ત્રણે ગુણોના (સત્ત્વ, રજસ અને તમસના) સ્વામી શિવજીની આરતી ગાય છે, તે મન ઇચ્છિત ફળના અધિકારી થઈ જાય છે."