आकाश लिंगमित्याहुः पृथ्वी तस्य पीठिका ।
आलायः सर्व देवानां लयनात लिंगमुच्यते ॥
અર્થાત્ આકાશ (એ વિસ્તૃત મહાશૂન્ય જેમાં સંપૂર્ણ બ્રહ્માંડ સમાહિત છે) લિંગનું સ્વરૂપ છે અને પૃથ્વી એની પીઠિકા (આધાર) છે. પ્રલય કાળમાં સમસ્ત સૃષ્ટિ તથા દેવગણ આદિ આ લિંગમાં સમાવિષ્ટ થઈ જાય છે.
શ્રાવણ સુદ તેરસના દિવસે શનિ પ્રદોષ વ્રત કરનારને માટે શિવલિંગની આરાધના-ઉપાસના, શિવ પૂજન વગેરે વિશેષ પ્રચલિત છે. "લિંગ" એટલે લક્ષણ, ચિહ્ન, નિશાન, બ્રહ્મનું પ્રતીક એવો અર્થ અભિપ્રેત છે. લિંગમાં શિવભક્તોનો જીવભાવ નષ્ટ કરવાની મહાન શક્તિ હોવાથી "લિંગ" નામ પડ્યું છે. જે સાધક આ દિવસે લિંગપૂજનને વિશેષ અગત્ય આપે છે અને લિંગપૂજા પરાયણ બને છે તે સમસ્ત પાપોથી મુક્ત થઈને પરબ્રહ્મને પ્રાપ્ત કરે છે. લોમશ મુનિ કહે છે કે -
त्यकता सर्वाणि पापानि निर्गदो दग्ध कल्मषः ।
मन्मना मन्नमस्कारो मामेव प्रति पद्मते ॥
અર્થાત્ શિવલિંગમાં મનને એકાગ્ર કરીને જે સાધક નમસ્કાર કરે છે તે સર્વ પાપોથી મુક્ત થઈને તથા રોગ રહિત બનીને મનને જ પામે છે.
શિવલિંગના મૂળમાં બ્રહ્માજીનો વાસ છે, મધ્યમાં ભગવાન વિષ્ણુ વિરાજમાન છે અને ઉપરના ભાગમાં ૐ કાર રૂપ ભગવાન સદાશિવ વિરાજમાન છે.
શિવલિંગની વેદી એ આદ્યશક્તિ જગદંબા પાર્વતીજીનું પરમ પવિત્ર પ્રતીક છે. સાધકે ખાસ ધ્યાનમાં રાખવું જરૂરી છે કે, આ ઉપાસનામાં પ્રકૃતિ અને પરમાત્માનો સુભગ સમન્વય થયો હોવાથી દેવ અને દેવીનું એકસાથે એકાકાર અસ્તિત્વ ગણીને અર્ચન-પૂજન માની લેવાય છે.
આ ઉપરાંત મુખ્ય ત્રણ દેવો (બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ), ઉમા, લક્ષ્મી, શચિ ઇત્યાદિ દેવીઓ, સમસ્ત લોકપાલ, પિતૃગણ, મુનિગણ, યક્ષ, ગંધર્વ, કિન્નર અને પશુ-પક્ષી સર્વનો સમાવેશ થઈ જાય છે!
શિવલિંગ અને વેદીમાં વ્યાપક ભાવથી પૂજા કરવામાં આવે તો ચિત્તવૃત્તિ સ્થૂલ લિંગની સહાયતાથી ભૂપ્રકાસ્ય વ્યાપક પરમેશ્વર સત્તામાં ધીરે ધીરે વિલીનતા પ્રાપ્ત કરે છે. ત્યાર પછી અંગત વિસ્તારવાળી માયાની લીલાથી મુક્ત થઈ કાર્યબ્રહ્મની કૃપાથી કારણ બ્રહ્મ એટલે નિર્ગુણ બ્રહ્મમાં મળી જાય છે. પછી એ જીવાત્માને આવાગમનનો જરાય ભય રહેતો નથી.
શિવલિંગની પૂજા આ વ્રતના દિવસે ષોડશોપચાર વિધિથી કરવાથી કે કરાવવાથી શિવપદની પ્રાપ્તિ થાય છે. શિવ એટલે મંગલ. આવાહન, આસન, અર્ધ્ય, પાદ્ય, આચમન, સ્નાન, વસ્ત્ર, ગંધ, પુષ્પ, ધૂપ, નૈવેદ્ય, આરતી, પાનબીડું, નમસ્કાર અને વિસર્જન આ સોળ પ્રકારનાં પૂજનને "ષોડશોપચાર" કહેવામાં આવે છે.
શિવલિંગના પાચ સ્વરૂપો છે. પૂજન માટે વપરાતા શિવલિંગના પાચ પ્રકારો આ પ્રકારે છે: (૧) સ્વયંભૂ લિંગ (૨) બિંદુ લિંગ (૩) સ્થાપિત લિંગ (૪) ચરલિંગ (૫) ગુરુ લિંગ
(૧) સ્વયંભૂ લિંગ - શિવજી ઋષિમુનિઓના તપથી પ્રસન્ન થઈ પૃથ્વીની અંદર રહ્યા છે. જે રીતે અંકુર પૃથ્વીમાંથી આપોઆપ (સ્વયંભૂ) બહાર નીકળે છે, તે રીતે શિવજી લિંગ સ્વરૂપે પ્રાદુર્ભાવ પામે છે. આને સ્વયંભૂ લિંગ કહેવામાં આવે છે.
(૨) બિંદુ લિંગ - સ્વહસ્તે લખેલા પત્રમાં અગર અન્ય કોઈ વસ્તુમાં આવાહન કરી અર્ચન-પૂજન કરવું રે બિંદુ લિંગ કહેવાય છે. આ લિંગ ભાવનામય છે.
(૩) સ્થાપિત લિંગ - ભૂદેવોએ, રાજવીઓએ અને શ્રીમંતોએ કારીગર પાસે કલાત્મક રીતે કંડારાવી જે લિંગની મંત્રોચ્ચાર દ્વારા પ્રાણપ્રતિષ્ઠા કરાવી હોય તે સ્થાપિત લિંગ કહેવાય છે.
(૪) ચર લિંગ - શરીરનાં અંગ-ઉપાંગો જેવાં કે નાભિ, નાકનું ટેરવું, શિખા, હ્રદય વગેરેમાં આત્મા સંબંધી લિંગની કલ્પના કરવી તેને ચરલિંગ કહે છે.
(૫) ગુરુ લિંગ - गुणान् रुन्धे इति गुरुः અર્થાત્ ગુણોના વિકારોને દૂર કરે તે ગુરુ. માટે પ્રકાંડ પંડિત કે વિદ્વાન શરીર તે ગુરુ લિંગ ગણાય છે.
વ્રતધારીએ એક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવી કે, શિવલિંગ પર જે દ્રવ્ય ચડાવ્યું હોય તે ગ્રહણ કરાતું નથી. પણ શિવલિંગને સ્નાન કરાવ્યું હોય તે જળનું આચમન કરાય છે, કારણ કે ચિવલિંગની શિલાનો સ્પર્શ થતાંની સાથે જ તે જળ પવિત્ર બની જાય છે.
શિવનું સ્વરૂપ કલ્યાણકારી છે, જેમના દર્શનમાત્રથી જીવ-પ્રાણી માત્રનું કલ્યાણ થાય છે, આ તત્ત્વ તે શિવ તત્ત્વ છે. સ્કંદ પુરાણમાં શિવલિંગનો મહિમા વર્ણવતો શ્લોક છે "જ્યોતિર્મય જેમનું સ્વરૂપ છે, નિર્મળ જ્ઞાન જેમનું નેત્ર છે, જે સ્વયં લિંગ સ્વરૂપ છે, તે પરમ શાંત કલ્યાણમય ભગવાન શિવને અમારા વંદન."
પ્રણવ એટલે ૐ. સમસ્ત અભીષ્ટ વસ્તુઓને આપનાર પ્રથમ શિવલિંગ છે. સ્થૂળ લિંગને "સકલ" અને સૂક્ષ્મ લિંગને "નિષ્કલ" કહે છે. પંચાક્ષર મંત્ર - "ૐ નમઃ શિવાય" ને પણ સ્થૂળ લિંગ કહેવાય છે.
શિવલિંગ મૂળભૂત રૂપે તો વિરાટ બ્રહ્માંડની પ્રતિકૃતિ છે. શિવલિંગની પૂજા સર્વ દેવોની પૂજા કર્યા બરાબર છે. લિંગ પુરાણમાં તો મૂળમાં બ્રહ્માજી, મધ્યમાં ત્રિલોકનાથ અને ભગવાન વિષ્ણુની કલ્પના પણ કરેલી છે. અને ઉપરના ભાગમાં પ્રણવ સદાશિવ ભગવાનની કલ્પના કરવામાં આવી છે.
લિંગવેદી અને લિંગના પૂજન-અર્ચનથી સર્વ દેવો અને દેવીનું પૂજન થઈ જાય છે. એ જ માયા અને માયાવી મહાદેવનું પ્રત્યક્ષ રૂપ છે.
લિંગ પુરાણ્માં મૃત્યુંજય ભગવાન શિવનું શરણ સ્વીકારનાર શિવ ભક્ત શ્વેતમુનિની લિંગોપાસનાને લગતી કથા ઉલ્લેખનીય છે -
શ્વેતમુનિએ મૃત્યુંજય ભગવાન શિવજીનું શરણ સ્વીકારી લીધું હતું તેથી તેમનું અંતઃકરણ અતિ પ્રબળ હતું, તેમની આત્મશ્રદ્ધા અને આત્મબળ અનોખું હતું. મૃત્યુનો તેમને ડર ન હતો. પોતાનો અંતિમ કાળ હોવાથી શ્વાસની ગતિ
જરા ધીમી બની ગઈ હતી. આ તેમના છેલ્લા શ્વાસ હતા. ભગવાન મૃત્યુંજયની પ્રાર્થના કરવાથી તેમનું રોમેરોમ પુલકિત બન્યું હતું. તેમણે શિવજીનું શરણ લીધું હતું, તેથી નિર્ભય બની ગયા હતા.
આ સ્થિતિમાં શ્વેતમુનિએ જોયું તો પોતાની સામે એક ભયંકર વિકરાળ આકૃતિ, કાળા વસ્ત્રો પરિધાન કરીને ઊભી હતી. તેમણે શિવલિંગનો સ્પર્શ કરીને "ૐ નમઃ શિવાય" એ પવિત્ર પંચાક્ષર મંત્રનું ઉચ્ચારણ આરંભી દીધું.
આ ભયંકર આકૃતિવાળો કાળ કહે છે: "હવે તમે આ ધરતી છોડીને યમલોક ચાલો."
શ્વેતમુનિ તો માનવદેહ અતિક્રમીને શિવમય બની ગયા હતા. તેમણે ક્રોધિત સ્વરે કહ્યું: "અરે! તું શિવભક્તની કસોટી કરે છે? ભગવાન શંકર તો કાળનાયે મહાકાળ છે!" એમ કહીને તેમણે શિવલિંગને બાથ ભરી લીધી.
કાળે અટ્ટહાસ્ય કરીને કહ્યું: "શિવલિંગ તો જડ અને શક્તિહીન છે. આ પથ્થરમાં વિશ્વેશ્વર મહાદેનની કલ્પના કરવી હવે નિરર્થક છે."
શ્વેતમુનિ શિવલિંગની નિંદા સહન ન કરી શક્યા. તેઓ કાળ પર તિરસ્કાર વરસાવીને કહેવા લાગ્યા: "હે કાળ! તને ધિક્કાર છે, ભગવાન પશુપતિનાથ કણેકણમાં વ્યાપ્ત છે."
કહેવાય છે કે શ્વેતમુનિના આ શબ્દો સાંભળીને ભગવાન શંકર-પાર્વતી સાથે પ્રગટ થયા, અને કાળ તે સમયે નિષ્પ્રાણ બની ગયો! તેની શક્તિ હણાઈ ગઈ.
શ્વેતમુનિએ શંકર-પાર્વતીના ચરણોમાં પ્રણામ કર્યાં. શિવજીએ તેમના મસ્તક પર હાથ મૂકી કહ્યું: "ભક્તરાજ! તમારી લિંગોપાસનાને ધન્ય છે. શ્રદ્ધા, વિશ્વાસ અને ધૈર્યનો હંમેશા વિજય થાય છે."
વ્રતધારીના ચિત્તમાં ધૈર્યરૂપી તેજ ન હોય તો તે પોતાના વ્રતમાં કદી સફળ થતો નથી. જો તે અધીર હોય તો વ્રત પરિપૂર્ણ કરી શકતો નથી. ધૈર્ય દુઃખનું ઓસડ છે. જ્યાં ધૈર્ય છે, ત્યાં બળ છે અને પરમાનંદ પણ છે. ધૈર્ય રાખવાથી વ્રતની ગુણવત્તા વધે છે. ધૈર્યની સંસાર વ્યવહારમાં જેમ જરૂર છે, તેમ વ્રત, તપ, ભક્તિ, ભજન અને સાધના કે ઉપાસનામાં પણ એટલી જ જરૂર છે. મુક્તિનો માર્ગ મેળવવા માટે ધૈર્યની જરૂર છે.
દુર્વાસા ઋષિના અંતરમાં જ્ઞાન પણ હતું અને તપ પણ હતું, પરંતુ જેટલા પ્રમાણમાં હોવું જોઇએ એટલા પ્રમાણમાં ધૈર્ય ન હતું. આથી તેઓ અવારનવાર પાછા પડી જતા અને વિચલિત બની જતા.
અર્જુનના ચિત્તમાં યુદ્ધ સમયે ધૈર્યનો અભાવ ઊભો થયો, પરંતુ ધૈર્યના અવતાર સમા શ્રી કૃષ્ણ અર્નુનના સારથા બન્યા હતા અને તેમણે અર્જુનના ચિત્તમાં ગીતારૂપી અમૃત સિંચીને ધૈર્યવાન બનવાની ભાવના રેડી, અને એ ભાવના બળે જ અર્જુનનો વિષાદ દૂર થયો અને તેને મહાન વિજય પ્રાપ્ત થયો. વ્રતધારી માટે વ્રતનો પહેલો પાયો ધૈર્ય છે, જો ધૈર્યનો અભાવ હોય તો તે કદી સિદ્ધિ પ્રાપ્ત કરી શકે નહિ. ધૈર્યને અભિવ્યક્ત કરવું એ વ્રતધારીના જીવનનું ધ્યેય છે અને મુક્તિનો મુદ્રાલેખ છે.
॥ ૐ નમઃ શિવાય ॥