વેદ સાર શિવ સ્તવન

        पशूनां पतिं पापनाशं परेशं गजेन्द्रस्य कृत्तिं वसानं वरेण्यम् ।

        जटाजूटमध्ये स्फुरद्गाड्गवारि महादेवमेकं स्मरामि समरामि ॥ १ ॥

પશુઓના પતિ, પાપનો નાશ કરનાર, પરમેશ્વર, ગજરાજના ચર્મનું વસ્ત્ર ધારણ કરનાર, સર્વશ્રેષ્ઠ, જેના જટાજૂટમાં ગંગાજળ ઝળકી રહ્યું છે તેવાં, અનન્ય મહાદેવને હું સ્મરું છું, સ્મરું છું.

 

        महेशं सुरेशं सुरारार्तिनाशं विभूं विश्वनाथं विभूत्यङ्गभूषम् ।

        विरूपाक्षमिन्द्वर्कवह्नित्रिनेत्रं सदानन्दमीडे प्रभुं पञ्चवक्त्रम् ॥ २ ॥

મહેશ, સુરેશ, દેવોના દુઃખને દૂર કરનાર વિભુ, વિશ્વનાથ, વિભૂતિથી વિભૂષિત દેહવાળા, વિરૂપાક્ષ, સૂર્ય ચંદ્ર અને અગ્નિ રૂપી ત્રણ નેત્રોવાળા, પાંચ મુખવાળા, નિત્ય આનંદ સ્વરૂપ ભગવાન શિવને હું વંદું છું.

 

        गिरीशं गणेशं गले नीलवर्णं गवेन्द्राधिरूढं गणातीत रूपम् ।

        भवं भास्वरं भस्मना भूषिताङ्गं भवानीकत्रं भजे पञ्चवक्त्रम् ॥ ३ ॥

જે કૈલાશપતિ છે, ગણોના સ્વામી છે, ગળામાં નીલવર્ણવાળા છે, મોટા વૃષભ ઉપર બિરાજમાન છે. અનેક રૂપવાળા છે, જે ઉત્પત્તિ કરનાર છે, દેદીપ્યમાન છે, ભસ્મથી શોભતા દેહવાળા છે, ભવાની જેની ગૃહિણી છે તેવાં પંચમુખી ભગવાન શિવને હું ભજું છું.

 

        शिवाकान्त शभ्भो शशाङ्कार्धमौले महेशान शूलिन् जटाजूट धारिन् ।

        त्वमेको जगद्व्यापको विश्वरूप प्रसीद् प्रसीद् प्रभो पूर्णरूप ॥ ४ ॥

હે પાર્વતીપતિ ! હે શંભુ ! હે ચન્દ્રમૌલિ, હે પરમેશ્વર, હે શૂલપાણિ ! હે જટાજૂટધારી ! આપ એક જ વિશ્વરૂપ છો અને વિશ્વવ્યાપક છો. હે પૂર્ણરૂપ પ્રભુ ! પ્રસન્ન થાઓ, પ્રસન્ન થાઓ.
 

        परात्मानमेकं जगद्बीजमाद्यं निरीहं निराकारमोङ्कारवेधम् ।

        यतो जायते पाल्यते येन विश्वं तमीशं भजे लीयते यत्र विश्वम् ॥ ५ ॥

જે એક છે, પરમાત્મા છે, વિશ્વનું આદિ ઉત્પત્તિકારણ છે, જે ઈચ્છારહિત નિરાકાર અને ૐ કારથી જાણી શકાય તેવા છે, જેમાંથી વિશ્વનું સર્જન અને પાલન થાય છે તેમજ જેમાં વિશ્વનો લય થાય છે તે ભગવાન શિવને હું ભજું છું.

 

        न भूमिर्न चापो न वह्निर्न वायुर्न चाकाशमास्ते न तन्द्र न निद्रा ।

        न ग्रीषमो न शीतं न देशो न वेशो न यस्यास्ति मूर्तिस्त्रिमूतिं तमीडे ॥ ६ ॥

જે ભૂમિ, જળ, અગ્નિ, વાયુ કે આકાશ નથી, જે તન્દ્રા નથી કે નિદ્રા નથી, જે ઉનાળો નથી કે શિયાળો નથી, જે દેશ નથી કે વેશ નથી, અને જેને કોઈ મૂર્તિ (આકાર) નથી એવાં ત્રિમૂર્તિ ભગવાન શિવને હું નમું છું.
 

        अजं शाश्वतं कारणं कारणानां शिवं केवलं भासकं भासकानाम् ।

        तुरीयं तमःपारमाद्यन्तहीनं प्रपद्ये परं पावनं द्वैतहीनम् ॥ ७ ॥

જે અજન્મા અને શાશ્વત છે, જે કારણોનું પણ કારણ છે, જે કેવળ શિવ (પરમ કલ્યાણ) છે, જે તેજનું પણ તેજ છે, જે તુરીય છે, જે તમસથી પર છે, જે આદિ કે અંત રહિત છે, જે અદ્વૈત છે અને પરમ પાવન છે તે શિવતત્ત્વને હું પામું છું.
 

        नमस्ते नमस्ते विभो विश्वमूर्ते नमस्ते नमस्ते चिदानन्दमूर्ते ।

        नमस्ते नमस्ते तपोयोगगम्य नमस्ते नमस्ते श्रुतिज्ञानगम्य ॥ ८ ॥

હે વિશ્વરૂપ પ્રભુ ! આપને નમસ્કાર. હે ચિદાનન્દરૂપ આપને નમસ્કાર. હે તપ અને યોગથી પ્રાપ્ત થનાર શિવ ! આપને નમસ્કાર. હે શ્રુતિ (વેદ) જ્ઞાનથી જાણી શકાય તેવાં પરમેશ્વર આપને નમસ્કાર.
 

        प्रभो शूलपाणे विभो विश्वनाथ महादेव शभ्भो महेश त्रिनेत्र ।

        शिवाकान्त शान्त स्मरारे पुरारे त्वदन्यो वरेण्यो न मान्यो न गण्यः ॥ ९ ॥

હે શૂલપાણિ પ્રભુ ! હે વિશ્વનાથ પ્રભુ ! હે મહાદેવ શંભુ, હે ત્રિનેત્ર મહેશ્વર ! હે પાર્વતીપતિ ! હે શાંત ! હે સ્મરારી, હે પુરારી ! આપના સિવાય અન્ય કોઈ પૂજ્ય મહાન કે માન્ય નથી.

 

        शभ्भो महेश करुणामय शूलपाणे गौरिपते पशुपते पशुपाशनाशिन् ।

        काशीपते करुणया जगदेतदेकस्त्वं हंसि पासि विदधासि महेश्वरोऽसि ॥ १० ॥

હે શંભુ ! હે મહેશ્વર ! હે કરુણામય શૂલપાણિ ! હે ગૌરીપતિ, પશુઓના પાશ છોડાવનાર હે પશુપતિ ! હે કાશીપતિ ! આપ એકલા જ કરુણાથી આ જગતનું સર્જન કરો છો, પાલન કરો છો અને નાશ કરો છો, આપ ખરેખર મહાદેવ છો.

 

        त्वत्तो जगद् भवति देव भव स्मरारे त्वय्येव तिष्ठति जगन्मृड विश्वनाथ ।

        त्वय्येव गच्छति लयं जगदेतदीश लिङ्गात्मकं हर चराचरविश्वरूपम् ॥ ११ ॥

હે સ્મરારિ દેવ ભવનાથ ! આપમાંથી જ આ જગત ઉત્પન્ન થાય છે, કલ્યાણ કરનાર હે વિશ્વનાથ ! આપમાં જ તે જગતની સ્થિતિ છે. વળી આપમાં જ હે શંકર ! જડ અને ચેતન તેમજ લિંગ રૂપવાળું આ અખિલ જગત લય પામે છે.