બંધન અને મોક્ષ

[૧. ભારતીય દર્શનમાં બંધન અને મોક્ષ]
 
ભારતીય દર્શન "મોક્ષ" થી ઓછા કોઈ મૂલ્યને જીવનનું પરમ શુભ સ્વીકાર કરવા તૈયાર નથી. પાશ્ચાત્ય દાર્શનિકોનું ચરમ લક્ષ્ય નૈતિક અને સામાજિક મૂલ્યોને પ્રાપ્ત કરવું જ રહ્યું છે. ભારતીય દાર્શનિકો અનુસાર નૈતિક અને સામાજિક મૂલ્ય સર્વોચ્ચ લક્ષ્ય નથી પરંતુ એ સર્વોચ્ચ લક્ષ્ય (સાધ્ય) ની પ્રાપ્તિ હેતુ સાધન જ છે. પ્રોફેસર જીમર અનુસાર - પ્રાશ્ચાત્ય વિચારધારા, પછી તે ગ્રીક પ્રત્યયવાદ હોય કે આધુનિક ઈસાઈ મત - એમની પ્રમુખ અભિરુચિ 'માનવતા' (પૂર્ણ માનવ અને પૂર્ણ માનવ સમાજનું સ્વરૂપ) જ રહી છે, જ્યારે ભારતના સંત અને મહાત્માઓ પ્રમાણે માનવતાથી ઉપર ઉઠવું એ સમસ્ત સાધનાઓનું ફળ છે. પ્રોફેસર હિરિયન્ના અનુસાર, "ભારતીય દૃષ્ટિકોણ અનુસાર વ્યક્તિનું કર્તવ્ય માનવ-સમાજ સુધી સીમિત નથી, પરંતુ વાસ્તવમાં સંપૂર્ણ ચેતન સૃષ્ટિની અંદર એનું કર્તવ્ય ફેલાયેલું છે." 'આપણા પડોસી સાથે આત્મવત્ પ્રેમ કરો' આ સામાન્ય ઉપદેશની સાથે 'પ્રત્યેક પ્રાણી આપણા પડોસી છે', એવું પણ કહ્યું છે.
 
આ જગત નશ્વર છે અને અનેકાનેક દુઃખોથી ભરપૂર છે. જીવ અને બંધનોથી જકડાયેલ છે. ભારતીય દર્શનનો મુખ્ય ઉદ્દેશ્ય બંધનોથી જીવને મુક્ત કરવાનો છે. ભારતીય દાર્શનિકોએ બંધનના સ્વરૂપ પર પ્રકાશ નાખ્યો છે અને અધિકાશનો મત છે કે અજ્ઞાનતા અથવા અવિદ્યા જ બંધન છે. અવિદ્યાની નિવૃત્તિ થવી એ જ "મોક્ષ" છે. મોક્ષ અપુનર્ભવ છે જે જન્મ-મરણના ચક્રથી રહિત છે. આ આત્માનું સાક્ષાત જ્ઞાન છે. આ અવસ્થામાં સમસ્ત શોક-મોહ દૂર થઈ જાય છે, સમસ્ત સશય વિનષ્ટ થઈ જાય છે, સમસ્ત કર્મ ક્ષીણ થઈ જાય છે, સમસ્ત બંધનથી નિવૃત્તિ થઈ જાય છે. મોક્ષ અભાવાત્મક કે નિષેધાત્મક નથી. ઉપનિષદોમાં એને 'रसो वै स' કહેવામાં આવ્યું છે.
 
ભારતીય દર્શનનો ઉદ્દેશ્ય પુરુષાર્થ (મૂલ્યો) ને પ્રાપ્ત કરવાનો છે. પુરુષાર્થ ચાર છે - ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. અહીં ચોથો પુરુષાર્થ સાધ્ય છે. અર્થ અને કામ એક સાથે (સાધન સાધ્ય રૂપમાં) તથા ધર્મ અને મોક્ષને એક સાથે ગણવામાં આવે છે. ધર્મ સાધન છે અને મોક્ષ સાધ્ય છે. ચાર્વાક ફક્ત અર્થ અને કામને જ પુરુષાર્થ માને છે. એમના અનુસાર કામ જ સાધ્ય છે અને અર્થ સાધન છે. પરંતુ ચાર્વાકને છોડી પ્રાય બધા ભારતીય દાર્શનિકોએ ચારો પુરુષાર્થોને માન્યા છે અને મોક્ષને જ સર્વોચ્ચ પુરુષાર્થ સ્વીકાર કર્યો છે. મોક્ષના સ્વરૂપ, એની પ્રાપ્તિના સાધન, વગેરેમાં જુદા-જુદા મતો જોવા મળે છે પરંતુ સૌ કોઈને મોક્ષમાં આસ્થા છે અને સૌ એની પ્રાપ્તિ માટે કૃતસકલ્પ છે. આ કારણે જ ભારતીય દર્શનને "મોક્ષ-શાસ્ત્ર" પણ કહેવાય છે. ભારતીય દર્શનના આ જ કૃતસકલ્યથી પ્રભાવિત વૈદિક પ્રાશ્ચાત્ય વિદ્વાન મૈક્સમૂલરે કહ્યું હતું - "ભારતમાં દર્શન 'જ્ઞાન' માટે નહીં, પરંતુ 'સર્વોચ્ચ લક્ષ્ય' માટે છે અને એ સર્વોચ્ચ લક્ષ્ય માટે મનુષ્ય જીવનમાં પ્રયત્નશીલ રહી શકે છે."
 
[૨. અદ્વૈત વેદાન્તિક દર્શનમાં બંધન અને મોક્ષ]
 
અદ્વૈત વેદાન્તિઓના મતાનુસાર આત્માના શરીર અને મનમાં પોતાપણુંનો સંબંધ એ જ બંધન છે. આત્માનું શરીર સાથે આસક્ત થવું એ જ બંધન છે. આત્મા શરીરથી ભિન્ન છે તો પણ તે શરીરની અનુભૂતિઓને નિજી અનુભૂતિઓ સમજવા લાગે છે. અદ્વૈત વેદાન્તિઓ અનુસાર મુક્તિની અવસ્થા આત્માની સ્વાભાવિક અવસ્થા છે અર્થાત્ એનું નિજી સ્વરૂપ છે. પૂર્ણત્વ સ્વયં આત્મામાં નિહિત છે. અવિદ્યાને નષ્ટ કરનાર જ્ઞાન આત્માના સ્વરૂપ લાભમાં સહાયક બને છે. તાત્પર્ય એ છે કે મોક્ષનો અર્થ ઈશ્વરનો સંપર્ક અથવા ઈશ્વરના આનંદમાં આનંદિત થવું નથી.
 
અદ્વૈત વેદાન્તિ આ વાતથી સહમત છે કે મોક્ષાવસ્થા, પૂર્ણ જ્ઞાનની અવસ્થા છે. સ્વામી રામકૃષ્ણ તથા સ્વામી વિવેકાનંદના અદ્વૈતવાદમાં આત્મજ્ઞાન જ મોક્ષ છે. ઉપનિષદોમાં પણ કહેવામાં આવ્યું છે કે 'ब्रह्मविद् व्रह्मैव भवति'. આચાર્ય શંકર અનુસાર જીવનું બ્રહ્મરૂપ થવું જ મોક્ષ છે. સાંખ્યની જેમ અદ્વૈત વેદાન્તિ પણ આત્માના બંધનને વાસ્તવિક ન માની આભાસી માને છે. આથી મોક્ષ આત્માનું નિત્ય સ્વરૂપ છે. અદ્વૈત વેદાન્તિઓ અનુસાર મોક્ષ ઉત્પાદ્ય નથી કારણ કે ઉત્પન્ન થવાવાળી વસ્તુ દૂષિત અને અનિત્ય હોય છે જ્યારે મોક્ષ વિશુદ્ધ ચૈતન્ય સ્વરૂપ શાશ્વત સત્યની ચિરંતન અનુભૂતિ છે. નિત્ય હોવાને કારણે આત્મા કે બ્રહ્મમાં વિકારની સંભાવના નથી હોતી. તેથી મોક્ષ અનિવાર્ય છે. રે સંસ્કાર્ય પણ નથી કારણ કે આત્મા આપ્તકામ, શુદ્ધ-બુદ્ધ અને નિત્ય મુક્ત સ્વભાવ છે. તેથી એને કોઈ પણ પ્રકારના સંસ્કારની જરૂર નથી. મોક્ષ પ્રાપ્ય નથી કારણ કે તે કોઈ ભાવાંતરની પ્રાપ્તિ નથી. આચાર્ય શંકરે પોતાના શારીરક ભાષ્યમાં મોક્ષના સ્વરૂપનું આ પ્રકારે વર્ણન કર્યું -
"इदम तु पारमार्थिक कूटस्थ नित्य व्योमवत् सर्वव्यापी, सर्वविक्रिरहित नित्यतृप्त तदेतत् अशरीरत्व मोक्षाख्यम्"
 
ઉપનિષદોમાં કહેવામાં આવ્યું છે કે અવિદ્યાના કારણે અહંકાર ઉત્પન્ન થાય છે. આ અહંકાર જ જીવોને બંધનગ્રસ્ત કરે છે. એના પ્રભાવમાં જીવ ઇન્દ્રિય, મન, બુદ્ધિ અથવા શરીરથી તાદાત્મ્ય કરવા લાગે છે. બંધનની અવસ્થામાં જીવને બ્રહ્મ, આત્મા, જગતના વાસ્તવિક સ્વરૂપનું અજ્ઞાન રહે છે. આ અજ્ઞાનના ફળ સ્વરૂપે જીવ અવાસ્તવિક અને ક્ષણિક પદાર્થને વાસ્તવિક તથા યથાર્થ સમજવા લાગે છે.
 
વિદ્યાથી જ મોક્ષ સંભવ છે કારણ કે અહંકારનો વિનાશ વિદ્યાથી જ સંભવ છે. વિદ્યાના વિકાસ માટે ઉપનિષદમાં નૈતિક અનુશાસન પર ભાર આપવામાં આવ્યું છે. જીવ અને બ્રહ્મની અદ્વૈતતા જ મોક્ષ છે. જે રીતે નહી સમુદ્રમાં મળી એક થઈ જાય છે તેવી જ રીતે જીવ બ્રહ્મમાં મળીને એક થઈ જાય છે.
 
આચાર્ય શંકર અનુસાર આત્મા મૂળરૂપે નિત્ય, મુક્ત અને વિશુદ્ધ ચૈતન્ય છે. જ્યારે આત્મા પોતાને શરીર, મન કે ઇન્દ્રિયથે એકાકાર કરી લે છે ત્યારે તે બંધનગ્રસ્ત થઈ જાય છે. આત્મા ન તો શરીર છે, ન મન છે, ન જ્ઞાનેન્દ્રિય છે કે ન કર્મેન્દ્રિય. અજ્ઞાનવશ વ્યક્તિ જ્યારે પોતાને (આત્માને) આ બધાથી અભિન્ન સમજવા લાગે છે ત્યારે તે બંધનોમાં જકડાય જાય છે. તે શરીર, મન અને ઇન્દ્રિયોના સુખ-દુઃખને પોતાના સુખ-દુઃખ સમજી સદૈવ વ્યાકુળ રહેવા લાગે છે.
 
હવે એ પ્રશ્ન ઉઠે છે કે જો આત્મતત્વ સાચે જ શરીર, મન અને ઇન્દ્રિયથી ભિન્ન છે તો પછી આ શરીર, મન, અને ઇન્દ્રિયોના દુઃખથી સ્વયં કેમ દુઃખી થઈ જાય છે? તો આનો ઉત્તર એ છે કે જે પ્રકારે કોઈ પિતા પોતાની સંતાનોના સુખ-દુઃખને મોહવશ પોતાના સુખ્-દુઃખ સમજી લે છે, ઠીક એવી જ રીતે આત્મા પણ અજ્ઞાનવશ શરીર, મન અને ઇન્દ્રિયોના સુખ-દુઃખને પોતાના જ સુખ-દુઃખ માની લે છે. આ જ બંધનનું કારણ છે.
 
અજ્ઞાન વશીભૂત જીવ પોતાના વાસ્તવિક સ્વરૂપને ભૂલી જાય છે અને મોહવશ શરીર, ઇન્દ્રિય આદિ તથા એના ધર્મોથી તાદાત્મ્ય સ્વીકાર કરી એના ધર્મોને સ્વયં પર આરોપિત કરી સુખ તથા દુઃખનો અનુભવ કરે છે. વેદાન્ત અનુસાર ન તો આત્માનો જીવ ભાવ વાસ્તવિક છે ન તો એનો કર્તૃત્વ ભોક્તૃત્વ. ભ્રમવશ તે પ્રકૃતિ કે માયાના કર્તૃત્વને સ્વયં પર આરોપિત કરી લે છે તથા સ્વયંને કર્મોના કર્તા અને ભોક્તા સમજીવા લાગે છે. આ આરોપિત ભોક્તૃત્વના કારણે જીવને પુણ્યપાપાત્મક કર્મોના ભોગ માટે વિભિન્ન યોનિઓમાં સચરણ કરવું પડે છે. જન્મ અને પછી મૃત્યુ - આ પ્રકારે ચક્ર ચાલતું રહે છે, ત્યાર સુધી જ્યાર સુધી આત્મલાભ અર્થાત્ આત્મસ્વરૂપનું જ્ઞાન જ થઈ જાય. આ જન્મ-મરણનું ચક્ર જ સંસાર છે, બંધન છે.
 
કર્મબંધન જ સંસારનું મૂળ છે. કર્મ ત્રણ પ્રકારના હોય છે - સંચિત, પ્રારબ્ધ, અને ક્રિયામાણ. સંચિત એ કર્મ છે જેના ફળભોગ હજી પ્રરંભ નથી થયા, પ્રારબ્ધ એ કર્મ છે જેના ફળ પ્રારંભ થઈ ગયા છે તથા ક્રિયમાણ એ કર્મ છે જે વર્તમાનમાં સંપન્ન થઈ રહ્યાં છે અને આગળ ભવિષ્યમાં જેના ફળ મળશે. આમાંથી ક્રિયમાણ અને સંચિત કર્મ જ્ઞાનાગ્નિથી ભસ્મ થઈ જાય છે પરંતુ પ્રારબ્ધનો નાશ ભોગ દ્વાર જ થાય છે. જીવ આ કર્મોની પાશમાં બંધાય જુદા-જુદા પ્રકારના કષ્ટ સહન કરે છે. આ જ બંધન છે.
 
"શ્રી રામકૃષ્ણ અને વિવેકાનંદની વૈચારિક પૃષ્ઠભૂમિમાં અદ્વૈત વેદાન્તની સાર્થકતા" પુસ્તકમાંથી
ઇલાહાબાદ વિશ્વવિદ્યાલય - ૨૦૦૩