યોગથી જ મોક્ષ – તત્ત્વચિંતક વી. પટેલ

યોગીક ક્રિયાની સ્પષ્ટ સમજણ હોવી જ જોઈએ તો જ પરિણામ પ્રાપ્ત થાય છે, અન્યથા બધી જ મહેનત પાણીમાં જાય અને વધુમાં નિરાશા-હતાશા જ હાથમાં રહે છે. યોગમાં માથુ, કંઠ અને છાતી બરાબર ટટ્ટાર રાખીને હ્રદયમાં મનને સ્થિર કરવું જોઈએ અને અંતઃકરણમાં ૐ-કારનો જપ ભાવ કરતા ચિત્તને એકાગ્ર કરવું જોઈએ. ૐ-કારની ભાવના એટલે હું પોતે જ અખંડ, અવિનાશી, નિરાકાર, સર્વવ્યાપક, સર્વજ્ઞ, સનાતન એવી પ્રકાશમય ચેતના જ છું એ ભાવ. આ ભાવ નિરંતર રાખીને સાધના કરવાની હોય છે.

જ્યારે યોગની સાધના કરતાં હોઇએ – કે જેમાં યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ – આ આઠે અંગો અને યમ-નિયમના દસે અંગોનું ચુસ્ત પણે અનુસરણ કરવું જ જોઈએ. યોગમાં અનુસરણ વિના સિધ્ધી છે જ નહિ. યોગ સાધના વખતે સાધકે આહાર, વિહાર, વિચાર, વર્તન વગેરે યોગ્ય રાખવું જ પડે છે. આ એક આધ્યાત્મિક સાધના છે જેમાં અંતઃકરણની શુદ્ધિ પ્રાપ્ત કરવાની છે એટલે બહિર્મુખતા છોડી અંતર્મુખતામાં સ્થિર થવું જ પડે. અને દિનચર્યા પણ નિયમિત ગોઠવવી જ પડે. યોગની સાધના જેમણે કરવી છે તે આડેધડ બધુ જ કર્યા કરે તે વ્યાજબી કે યોગ્ય નથી. બધું નિયમસર જ કરવું પડે છે. ઊંઘ સમયસર લેવાની, ખોરાક સમયસર લેવાનો, ખોરાક પણ પૌષ્ટિક અને સાત્વિક લેવાનો, પેટ સાફ જ રહેવું જોઈએ, પાણી વધુ ને બધુ પીવાનું... આ વગેરે બધુ એટલા માટે કરવું જરૂરી છે કે આ બધું જ આપણા મનને એકાગ્ર કરવામાં મદદરૂપ થાય છે અને આમ કરવાથી મન ઉપર સંયમ પ્રાપ્ત કરી શકીએ છીએ. મન ખૂબ જ ચંચળ છે, તેને નિયંત્રણ કરવું કઠીન છે પણ અશક્ય નથી. સંયમી બનવા માટે આ બધું જ હોવું અત્યંત જરૂરી અને આવકાર દાયક છે.

તથા વિકારોથી મલિન થયેલ ચિત્તને નિરંતર શુદ્ધ કરતાં જ રહેવું. મલિન વિચારોને બહાર ફેકી દેવા અને સદ્દ્વિચારનો અંગીકાર કરતાં જ રહેવું જેથી આત્મતત્ત્વ પ્રગટ થાય. આમ કરતાં-કરતાં આત્મતત્ત્વની સમગ્ર અખંડતા અનુભવાય. આમ થાય ત્યારે માનવું કે આત્મતત્ત્વની જાણકારી થઈ આત્મ જ્ઞાન પ્રાપ્ત થયું. આત્મ જ્ઞાન પ્રાપ્ત થાય એટલે આપણા તમામ સંશયોની નાબૂદી થાય છે. આપણો અહંકાર વિલીન થાય છે. આપણા રાગ, દ્વેષ, ઈચ્છાઓ નાબૂદ થાય છે અને આપણે અભયમાં સ્થિર થઈએ છીએ અને પ્રકાશ સ્વરૂપ બહ્મતત્વને પામીએ છીએ. ત્યારે જ આપણે આપણા તમામ બંધનોમાંથી મુક્ત થઈ જઈએ છીએ અને પરમ આનંદ, પરમ સુખ અને પરમ શાંતિ પ્રાપ્ત કરીએ છીએ.

આપણા જે જે બંધનો હોય છે તે પ્રકૃતિના જ હોય છે, પ્રકૃતિથી આપણે વિમુક્ત થઈ જઈએ છીએ એટલે કે ત્રિગુણાત્મક અવસ્થા પ્રાપ્ત કરીએ છીએ એટલે જ જીવન મુક્તિ સંભવે છે. આને જ મોક્ષ કહેવામાં આવે છે. આમ થતા જ જન્મ-મરણના ચક્રમાંથી મુક્તિ, અમૃતની પ્રાપ્તિ થાય છે.

- તત્ત્વચિંતક વી. પટેલ