જલારામ બાપાનો આદેશ

જલો કહે મારું ફરમાન સુણજો ભક્તો માંડી કાન;
ભક્ત માહરો જે કોઈ થાયે, એને લખવું અંતર માંહ્ય...
 
ભૂખ્યાને દેવું ભોજન, સદાય રાખી પવિત્ર મન;
ભક્તિ કરતાં દેતાં દાન, અંતર ના આવે અભિમાન...
 
આડંબરથી અળગા રહી, સત્ય ટેકને મનમાં ગ્રહી;
જનસેવા કરવી નિષ્કામ, લેવું રામ પ્રભુનું નામ...
 
મારા નામે ખોટો ડોળ, કદી ન ભરવો ધનભંડોળ;
વેરઝેરને રાખી દૂર, વિશ્વપ્રેમ ભરવો ભરપૂર...
 
સૌમાં જો જો આતમરામ, તો સૌ સુધરશે કામ;
મેળવશે જે સૌથી હાથ, એને સદાય મારો સાથ...