નમસ્તે

હજારો વર્ષોથી આપણા ભારત દેશમાં અભિવાદન કરવાની, નમસ્કાર કરવાની, નમસ્તે કરીને આપણા વડીલો પાસેથી આશિષ લેવાની પરંપરા ચાલી આવી છે.
 
નમસ્કાર કરવાની પ્રક્રિયામાં વ્યક્તિ બન્ને હાથ જોડી ને હ્રદય નજીક છાતીના ભાગ પાસે રાખે છે અને મસ્તકને આગળની તરફ થોડું નમાવીને 'नमस्ते' શબ્દનું ઉચ્ચારણ કરે છે. આ નમસ્તે અભિવાદન ફક્ત આપણા ઘરના વડીલો પૂરતું જ સીમિત નથી, પરંતુ "નમસ્તે" અભિવાદન કોઈ પણ વ્યક્તિ નાની-મોટી, વૃદ્ધ-જુવાન, ઘરની-પારકી, વગેરે કોઈ પણ વ્યક્તિ માટે છે.
 
"નમસ્તે" ઔપચારિક અભિવાદન, કે પછી સાંસ્કૃતિક અભિવાદન અથવા તો કોઈના સમ્માન કે પછી આદર માટે પણ વાપરી શકાય છે. વાસ્તવમાં "નમસ્તે" એક અભિવાદન કરતા પણ ઘણો ઊંડો અર્થ ધરાવે છે. સંસ્કૃતમાં "नमः + ते" એટલે "नमस्ते" - ભાવાર્થ "હું આપને નમન કરું છું". "न" અને "म" નો સામાન્ય રીતે એવો અર્થ થાય છે કે - "મારું નથી". આધ્યાત્મિક રીતે જોતા એનો એવો અર્થ થાય છે કે - "હું મારા અહંકારનો આપની સમક્ષ ત્યાગ કરું છું"
 
વાસ્તવમાં નમસ્તે અભિવાદન વ્યક્તિ-વ્યક્તિના મન અને ભાવોનું મિલન છે. જ્યારે આપણે કોઈ બીજી વ્યક્તિને નમસ્તે અભિવાદન કરીએ છીએ ત્યારે આપણે આપણા મનથી બીજી વ્યક્તિ માટે સમ્માન અને આદર ભાવ વ્યક્ત છીએ અને તેથી જ આપણે બન્ને હાથો જોડીને એમનું સમ્માન વધારીએ છીએ અને મસ્તકને આગળની તરફ થોડું નમતું કરીએ છીએ.
 
અભિવાદનનો અધ્યાત્મિક દ્રષ્ટિકોણ તો ઘણો જ ઊંડો છે. પરમાત્મા કે ઈશ્વર કે પ્રભુ કે જે નામથી આપ એ પરમ શક્તિને ઓળખતા હો તે, બધામાં રહેલો છે અને સમાન રીતે રહેલો છે. આપણે અભિવાદનનો અર્થ અહીં એ રીતે કરી શકીએ કે "હું તમારામાં રહેલા પરમાત્માને મારા બન્ને હાથો જોડી અને મસ્તક નમાવીને વંદન કરું છું". અહીં બન્ને હાથો જોડવા એ એકતાનું પ્રતીક છે.
 
આપને આ જાણીને આશ્ચર્ય થશે કે હવે વૈજ્ઞાનિક શોધોની કસોટી પર પણ આ પરંપરા ખરી ઉતરી છે. વાસ્તવમાં જ્યારે કોઈ વ્યક્તિ કોઈ અન્ય વ્યક્તિને નમસ્કાર કરે છે ત્યારે બીજી વ્યક્તિ અભિવાદન કરનારના માથા પર હાથ મૂકીને આશીર્વાદ આપે છે, આશીર્વાદની આ પ્રક્રિયામાં બીજી વ્યક્તિના હાથ માંથી, અભિવાદન કરનારના શરીરમાં કોઈ વિશેષ પ્રકારની ઊર્જા કે શક્તિ પ્રવાહિત થાય છે. આ ઊર્જા કે શક્તિના તરંગો અભિવાદન કરનાર અને આશીર્વાદ આપનારના ચારે તરફ સંચારિત થાય છે. આટલું જ નહીં પરંતુ નમસ્કાર કરતી સમય નમસ્કાર કરનાર તથા આશીર્વાદ આપનારના શરીરમાં કોઈ વિશિષ્ટ પ્રકારનો સ્ત્રાવ પ્રભાવિત થાય છે, જેના કારણે અભિવાદન કરનાર વ્યક્તિ નકારાત્મક વિચારો અને ભાવોથી દૂર રહે છે.