જીવનનો ધ્યેય - મોક્ષ કે મુક્તિ - સ્વામી શિવાનન્દ

મોક્ષ જીવનનું પરમ લક્ષ્ય છે. જીવનના ઉદ્દેશ્યની પૂર્ણતા મોક્ષ છે. મોક્ષની પ્રાપ્તિ અર્થાત્ જન્મ-મૃત્યુના બંધનથી મુક્તિ મળવા પર મૃત્યુલોકનું જીવન સમાપ્ત થાય છે. આપણા જીવનું વાસ્તવિક લક્ષ્ય જાણી લેવું જ મુક્તિ કે મોક્ષ કહેવાય છે. મોક્ષથી શાશ્વત જીવન, અખંડ આનંદ અને અનંત સુખ પ્રાપ્ત થાય છે. મોક્ષ વિનાશ નથી. મોક્ષ તો તુચ્છ અને દંભપૂર્ણ અહંકારનો નાશ છે. જીવાત્માનું પરમાત્મા સાથે ઐક્ય જ મોક્ષ છે. જ્યારે આ તુચ્છ અહં નો નાશ થાય છે, ત્યારે સંપૂર્ણ અને યથાર્થ વિશ્વાત્મા પ્રાપ્ત થાય છે અને શાશ્વત જીવન મળે છે.
 
મુક્તિ આત્મજ્ઞાન દ્વારા પ્રાપ્ત થાય છે. જ્ઞાનની પ્રાપ્તિ માટે એકાગ્રતાની આવશ્યકતા હોય છે. એકાગ્રતા માટે ઉપાસના કરવી પડે છે. ઉપાસનાથી ચિત્તશુદ્ધિ થાય છે. ચિત્તશુદ્ધિ નૈષ્કામ્ય કર્મયોગ દ્વારા થાય છે. નૈષ્કામ્ય કર્મ કરવા માટે ઇન્દ્રિયોને નિયંત્રણમાં રાખવું આવશ્યક છે. ઇન્દ્રિયજયના સાધન "વિવેક" અને "વૈરાગ્ય" છે.
 
મોક્ષ એવી વસ્તુ નથી કે જે પહેલા નહીં રહ્યું હોય અને કંઈક નવું બનવું પડે છે. મોક્ષ કોઈ પ્રાપ્તવ્ય પદાર્થ નથી. એ તો પ્રાપ્ત ન છે. બધું જ એ પરબ્રહ્મ સાથે એકરૂપ છે. પ્રાપ્ત કરવાનું પદાર્થ એ છે કે એ પરબ્રહ્મ સાથે આપણી પાર્થક્ય-ભાવનાના, દ્વૈત ની ભાવનાનો (જુદાપણાની ભાવનાનો) વિનાશ થાય. મોક્ષ એ પદાર્થના પ્રત્યક્ષ સાક્ષાત્કારનું નામ છે જે ચિરંતર કાલથી છે, પણ અજ્ઞાન રૂપી આવરણને કારણે હજી સુધી આપણાથી અજ્ઞાત હતું. પરમાનંદની પ્રાપ્તિ તથા દુઃખોની આત્યંતિક નિવૃત્તિ જ મોક્ષ છે. જન્મ અને મૃત્યુથી છુટકારો જ મોક્ષ છે.
 
મુક્તિ અથવા મોક્ષ આપણું વાસ્તવિક સ્વરૂપ છે. આ સત્યનું જ્ઞાન પ્રત્યક્ષ અનુભવથી પ્રાપ્ત કરી શકાય છે. આત્મ-ચિંતન દ્વારા અજ્ઞાનના આવરણને વિદીર્ણ (નાશ) કરી દેવું પડશે. ત્યારે જ આપણામાં આપણી મૌલિક શુદ્ધતા અને દિવ્ય આનંદનો પ્રકાશ દેખાશે.
 
બ્રહ્મ, આત્મા, પુરુષ, ચૈતન્ય, બોધ, ભગવાન, અમરત્વ, મુક્તિ, પૂર્ણતા, શાંતિ, આનંદ, ભૂમા - આ બધા શબ્દો પર્યાયવાચી છે. આત્માનુભૂતિ પ્રાપ્ત કરવા પર જ જન્મ-મૃત્યુના ચક્ર તથા એને સંબંધિત અન્યાન્ય વિપત્તિઓથી છુટકારો મળશે. જીવનનો ધ્યેય છે પરમાનંદ અર્થાત્ મોક્ષની પ્રાપ્તિ. નિઃસ્વાર્થ સેવા તથા જપ દ્વારા હ્રદયને પરિશુદ્ધ તથા સ્થિર કરી નિરંતર ધ્યાનમાં લાગી રહેવાથી જ મોક્ષ પ્રાપ્ત થઈ શકે છે.
 
મોક્ષ પરમ પ્રયોજન છે. જ્ઞાન અવાંતર પ્રયોજન છે. જે રીતે કેળાનું ફળ એ પરમ પ્રયોજન છે અને એના પાંદડા આદિ પરમ પ્રયોજનથી પૂર્વ પ્રાપ્ત થનાર અવાંતર પ્રયોજન છે, એવી જ રીતે મોક્ષ પરમ પ્રયોજન છે અને જ્ઞાન એ મોક્ષથી પૂર્વ પ્રાપ્ત થનાર અવાંતર પ્રયોજન છે. જ્ઞાન તો એ પરમાનંદની પ્રાપ્તિનું એક સાધન માત્ર છે.
 
- સ્વામી શિવાનન્દ
દિવ્ય જીવન સંઘ