સત્ય એ જ પરમાત્મા છે. એટલે કે સત્યનું આચરણ પરમાત્મા સુધી પહોંચાડે છે. આપણા જીવન સંગ્રામમાં મોટામાં મોટી કોઈ લાયકાત હોય તો તે છે “સત્ય નિષ્ઠા” અને જો સત્ય નિષ્ઠા જ ન હોય તો મોટામાં મોટી ગેરલાયકાત છે. જો સત્ય નિષ્ઠા જ ન હોય તો આપણું ઊર્ધ્વીકરણ-પ્રગતિ શક્ય જ નથી. આપણા સમગ્ર જીવન સંગ્રામમાં માત્ર એક વસ્તુ જ મોટામાં મોટું વિઘ્ન રૂપ બને છે તે છે અસત્ય, અનીતિ, અપ્રમાણિકતા.
આપણામાં રહેલી અસત્યતા સાધના દ્વારા બદલાઈ શકાય છે અને આપણી ગમે તેવી મલિનતા, પાપ વૃત્તિ, દુર્ગુણો, દોષો, અશુદ્ધિ વગેરેનું નિર્મૂલન થઈ શકે છે. પણ આ માટે આપણી તૈયારી હોવી જ જોઈએ અને નિષ્ઠા પૂર્વક સાધના કરવાની જરૂરિયાત પડે છે.
જે માણસ મનથી બરાબર સંકલ્પ કરીને સત્ય સાથે જોડાવા નીકળી પડે છે – સત્ય સાથે જોડાવું જ છે, ખરેખર સત્યમાં જ સ્થિર થવું જ છે, ખરેખર સત્ય સુધી પહોંચવું જ છે – તેવી પાકી શ્રદ્ધા સાથે આગળ વધે છે, તેને કહેવામાં આવે છે “સત્ય નિષ્ઠ”. આ સત્ય નિષ્ઠાનો માર્ગ વાંકો ચૂકો અને કષ્ટો વાળો છે, સીધો સાદો સરળ નથી, અનેક વિટંબણાઓથી ભરેલો છે. તેમાંથી પાર ઉતરવાનું છે અને આસપાસના અસત્ય, અજ્ઞાન, અપ્રમાણીકતા, અનીતિ જેવાં મોટા મોટા પહાડો પાર કરવા માટે શક્તિ અને વિવેક હોવા જરૂરી બને છે. તેમજ વિવેક સાથે શ્રદ્ધા પણ જરૂરી છે.
જ્યારે માણસ સત્યનો સંકલ્પ કરે છે તેમનામાં એક પ્રકારની ચેતનાનો પ્રકાશ પ્રગટે છે અને પોતાના અંતઃકરણમાં અજવાળું થઈ જતું હોય છે. પછી એનામાં પ્રપંચ, દગા, લોભ, મોહ, આસક્તિ, અહંકાર, રાગ-દ્વેષ વગેરેનું ઝાળુ ભેદાય જાય છે અને શુદ્ધતા, સાત્વિકતા, સરળતા, સહજતાનો આવિર્ભાવ પ્રકાશિત થાય છે અને અંતરતત્ત્વ આનંદથી ભરાઈ જાય છે. આ છે સત્ય નિષ્ઠાનું ફળ કે જે અમૃત સમાન છે – બલકે અમૃત જ છે.
આ સૃષ્ટિમાં જે જે માણસોની પ્રગતિ થઈ છે તેનો અભ્યાસ કરીએ તો માલૂમ પડે છે કે સાચી પ્રગતિ “સત્ય નિષ્ઠા” ના આધારે જ શક્ય બની છે. આપણે ક્યાંય દૂર જવાની જરૂર જ નથી. ગાંધીજીની જે કાંઈ પ્રગતિ થઈ – સ્વરાજ મળ્યું – તેની પાછળનું જો કોઈ મહત્વનું ને મોટામાં મોટું કારણ હોય તો તે છે તેમની સત્ય પ્રત્યેની નિષ્ઠા અને સત્યનું આચરણ. આમ સત્યના આચરણ દ્વારા જ તે મહાત્મા બન્યા. આ જ રીતે મહાવીરનું જીવન જોઈએ, બુદ્ધનું જીવન જોઈએ તો તેમાં પણ સત્યનું જ આચરણ જ મહત્વનું છે. તેઓની સત્ય નિષ્ઠાના પરિણામે જ તેઓ મહાવીર બની શક્યા છે તથા બુદ્ધ “ભગવાન” કહેવાયા છે. આમ સત્ય દ્વારા જ ઊર્ધ્વીકરણ થઈ શકે છે તે પુરવાર થયેલું છે. પુરવાર કરવા ક્યાં જવાની જરૂર નથી. આમ સત્યમય ગતિથી જ પ્રગતિ સાધી શકાય છે. ઊર્ધ્વીકરણ-પ્રગતિ અસત્યની ગતિથી કદી પણ સાધી શકાતી જ નથી. સત્યનો જ જય થાય છે. અસત્યનો પરાજય જ થાય છે. આપણી સમક્ષ મહાભારતનું યુદ્ધ એ નમૂનો છે. દૂર્યોધનનો માર્ગ અસત્યનો હતો જ્યારે પાંડુ પુત્રોનો માર્ગ સત્યનો હતો. મુશ્કેલીઓ પારાવાર આવી હતી પણ હિંમત હાર્યા ન હોતા અને સત્યનો રસ્તો છોડ્યો ન હતો માટે જ પાંડુ પુત્રોનો વિજય થયો છે. આમ સત્યનો જ અંતે વિજય થાય છે. તેમાં કોઈ શંકા જ નથી – તેથી જ વેદોમાં કહ્યું છે - “सत्यमेव जयते” (મુણ્ડક ઉપનિષદ ૩.૧.૬).
આજના સમાજની સામે દ્રષ્ટિ કરીએ તો જણાય છે કે કાળા બજારીયાઓ, ભ્રષ્ટાચારીઓ, અપ્રમાણીકતા આચરનારાઓ ફલ્યા-ફલ્યાં ફરતા માલૂમ પડે છે પણ તેઓ માનસિક રીતે સ્વસ્થ હોતા જ નથી. જયાં સુધી અસત્યની લડાઈનો અંત ન આવે ત્યાં સુધી અંધકાર દેખાય છે ને ખરું? પણ અંતે તો વિજય તો સત્યનો જ થાય છે. જે માણસે સત્યમય ગતિથી જે પ્રગતિ સાધી હોય છે તે પ્રગતિ સત્ય વિરુદ્ધની અસત્યની ગતિથી કદી પણ સાધી શકાતી જ નથી. માણસ જીવનમાં કદી પણ દુષ્ટતાનું સેવન કરી કોઈ પણ રીતે શાંતિ-સુખનો અનુભવ કરી શકતો જ નથી, કદાચ અજ્ઞાનમય જીવનમાં આપણે મન મનાવી લઈ શકીએ છીએ પણ અંતઃકરણથી એ સાચું હોતું જ નથી, હોઈ શકે જ નહિં અને આવો માણસ સ્વસ્થ પણ હોતો જ નથી, સ્વસ્થ રહી શકે જ નહિં. અસત્યનો તાપ તેને લાગતો જ હોય છે.
અસત્યના રસ્તે ચાલતો માણસ કદાચ શાંત, આનંદિત, સુખી, પ્રસન્ન, સ્વસ્થ હોવાનો ઢોંગ કરીને પોતાની જાતને તેમજ બીજાને છેતરતો માલૂમ પડે છે પણ ખરેખર તે પ્રસન્ન હોતો જ નથી.. તે ચિંતાગ્રસ્ત જ હોય છે.
જ્યાં સુધી માણસમાં સત્ય નિષ્ઠા હોય છે ત્યાં સુધી જ પ્રગતિ થતી હોય છે. અને જ્યારે અસત્યનું આચરણ શરૂ થાય છે તે જ ક્ષણે પ્રગતિ, વિશાળતા, પ્રકાશ, આનંદ, સુખ, પ્રસન્નતા, વગેરેના બારણા બંધ જ થઈ જાય છે, તે હકીકત છે.
સત્ય નિષ્ઠા એ સોના-ચાંદીના સિક્કાનો રણકાર છે તો શ્રદ્ધા એ જલતા દીપક જેમ છે. આપણે સૌ દીપક બનીને જ જનમ્યા છીએ, આ દીપક પ્રગટે અને બુજાય અને પાછો પ્રગટે એવી સ્થિતિમાંથી જ આપણે સૌ એ આગળ વધવાનું હોય છે. સત્ય નિષ્ઠા દ્વારા જ જીવનમાં પરમ ઈષ્ટ પ્રાપ્ત થશે, અને જીવન નિષ્ફળ જવાનું જ નથી, અને સત્યના રસ્તે ચાલવાની પ્રવૃત્તિ પ્રગતિ અને સિધ્ધીને આંચ આવવાની જ નથી. આવી શ્રદ્ધાથી સત્ય નિષ્ઠ માણસ જીવે છે, આત્મ વિશ્વાસ ધરાવે છે અને આત્મ વિશ્વાસથી આગળને આગળ વધે જ છે. સત્ય નિષ્ઠા અને શ્રદ્ધા એ હ્રદયના ધર્મો છે અને પ્રજ્ઞા એ હ્રદયનો સ્વામી છે. આમ સત્ય નિષ્ઠા, શ્રદ્ધા અને પ્રજ્ઞા ત્રણોનો સમન્વય એ જ ઊર્ધ્વીકરણ. એ જ પ્રગતિ છે. આમ સત્યનું આચરણ જ જીવનને ઊર્ધ્વીકરણ કરે છે અને અમૃત સુધી પહોંચાડે છે. આમ સત્યની શાંતિ અજોડ છે.
- તત્ત્વચિંતક વી. પટેલ