ફળ ભોગવવા દેહ ધારણ કરવો જ પડે... તો પછી મોક્ષ ક્યારે?

ફળ ભોગવવા દેહ ધારણ કરવો જ પડે...

શુભ કર્મનું ફળ 'સુખ' અને પાપ કર્મનું ફળ 'દુઃખ' ભોગવવા માટે દેહ ધારણ કરવો જ પડે છે. દેહ એ તો ફળ ભોગવવા માટેનું સાધન છે. દેહ ધારણ કરે તો જ ફળ ભોગવી શકાય. એટલે શુભ કે અશુભ કર્મનાં ફળ ભોગવવા દેહ ધારણ કરવો જ પડે અને એટલે જ જન્મ-મરણના ચક્કરમાં આવવું જ પડે.
 
જ્યાં સુધી જન્મ-મરણનાં ચક્કર રહે છે ત્યાં સુધી મોક્ષ મળ્યો ગણાય નહીં. દેહ જ ધારણ ના કરવો પડે તેવી પરિસ્થિતિનું જ નામ છે મોક્ષ. જ્યાં સુધી શુભ કે અશુભ કર્મોનાં ઢગલા સંચિત કર્મમાં જમા થયેલા છે, અને તે પૂરેપૂરા ભોગવી ના લેવાય, ત્યાં સુધી આ સંસારચક્ર ચાલ્યા જ કરે. દેહ ધારણ કરવો પડે એ જ બંધન કહેવાય. શુભ કર્મનાં ફળ સ્વરૂપે સુખ ભોગવવા દેહ ધારણ કરવો પડે તે સોનાની બેડી; અને અશુભ કર્મનાં ફળ સ્વરૂપે દુઃખ ભોગવવા દેહ ધારણ કરવો પડે તે લોખંડની બેડે. પરંતુ બંને રીતે શુભ અને અશુભ બંને પ્રકારનાં કર્મનાં ફળ ભોગવવા માટે જીવને દેહ તો ધારણ કરવાની ફરજ પડે જ છે અને તે જ રીતે બંને શુભ કે અશુભ કર્મ, એટલે કે 'કર્મ' માત્ર જીવને બંધનકર્તા છે. તે જ જીવને બંધન જન્મ-મરણની બેડી પહેરાવી દે છે. પછી તે બેડી સોનાની હોય કે લોખંડની હોય, પરંતુ આખરે બંધન તો રહે જ. સુપાત્રે દાન કરો તો તેનાંય ફળ રૂપે સુખ ભોગવવા દેહ ધારણ કરવો પડે.
सुपात्रदानात्‍ च भवेत्‍ धनाढ्यो धनप्रभावेण करोति पुण्यम्‍ ।
पुण्यप्रभावात्‍ सुरलोक वासी पुनर्धनाढ्यः पुनरेव भोगी ॥
અને સુપાત્રે દાન કરો તો તેનાં ફળ રૂપે દુઃખ ભોગવવા દેહ ધારણ કરવો પડે.
कुपात्रदानात्‍ च भवेत्‍ दरिद्रो दारिद्रयदोषेण करोति पापम्‍ ।
पापप्रभावात्‍ नरकं प्रयाति पुनर्दरिद्रः पुनरेव पापी ॥
 
અને બંને પ્રકારે અવળી અગર સવળી ઘંટી સંસારચક્રની ફર્યા જ કરે છે, અને તેમાં જીવમાત્ર પિલાયા જ કરે છે, મોક્ષ મળતો નથી. કારણ કે નવાં નવાં ક્રિયમાણ કર્મ તે સતત કરતો જ રહે છે. તેમાંથી જે તાત્કાલિક ફળ આપતાં નથી, તેવાં કર્મો સંચિત કર્મોમાં જમા થતાં જાય છે; જેનાં અનેક હિમાલય ભરાય તેટલાં જબરદસ્ત ઢગલા થયેલા છે. તેમાંથી પ્રારબ્ધ બનતાં જાય, તેટલાં જ ફળ પ્રારબ્ધ ભોગવવાને અનુરૂપ શરીર જીવ ધારણ કરતો રહે, અને તે જીવનકાળ દરમ્યાન પાછા બીજા અનેક જન્મો લેવા પડે તેટલાં નવાં ક્રિયમાણ કર્મો પણ ઊભાં કરતો જાય. આ રીતે આ સંસારચક્રનું વિષચક્ર અનાદિકાળથી ચાલતું આવે છે. તે અનંતકાળ સુધી ચાલતું જ રહેવાનું. મહર્ષિ પતંજલિ કહે છે કે -
सति मूले तद्विपाकः जातिः आयुः भोगाः ।
જ્યાં સુધી કર્મરૂપી મૂળ છે, ત્યાં સુધી શરીરરૂપી વૃક્ષ ઊગવાનું અને તેમાં જાતિ, આયુષ્ય અને ભોગરૂપી ફળ લાગવાનાં.
 

કર્મમાં બાદબાકી નથી

ઘણા માણસો એમ સમજે છે કે કદાચ ત્રણ મણ પાપ કર્મ કરીશું, તો ત્યાર પછી તેની સામે પાંચ મણ પુણ્ય કર્મ કરી નાખીશું. એટલે પાંચ મણ પુણ્યમાંથી ત્રણ મણ પાપ બાદ કરતાં માત્ર બે મણ પુણ્ય જ ભોગવવાનું રહેશે અને ત્રણ મણ પાપ ભોગવવું નહીં પડે. આ ગણિત ખોટું છે. કર્મના કાયદામાં બાદબાકી નથી. તેમાં સરવાળો કરવાનો હોય છે. તમે ત્રણ મણ પાપ કર્મ કરો અને પાંચ મણ પુણ્ય કર્મ કરો તો તમારે આઠ મણ કર્મનાં ફળ ભોગવવાં જ પડે. પાંચ મણ પુણ્ય કર્મનાં ફળ સ્વરૂપે સુખ ભોગવવા દેહ ધારણ કરવો જ પડે, અને ત્રણ મણ પાપ કર્મોનાં ફળ સ્વરૂપે દુઃખ ભોગવવા પણ દેહ ધારણ કરવો જ પડે. એમ સરવાળો આઠ મણ પાપ-પુણ્યનાં ફળ સ્વરૂપે આઠ મણ સુખ-દુઃખ ભોગવવા દેહ તો ધારણ કરવો જ પડે.
 

તો પછી મોક્ષ ક્યારે ???

માનવ માત્ર મોક્ષનો અધિકારી છે. માનવ શરીર મોક્ષ પ્રાપ્ત કરવા માટે જ મળ્યું છે. માનવ શરીર ધારણ કરીને મોક્ષ પ્રાપ્ત ના કરી લે, તો પછી ચોરાસી લાખ યોનીમાં ફરીથી ભટકવાની દશા આવે. મનુષ્ય માત્ર દેહના બંધનમાંથી છૂટીને પરબ્રહ્મમાં લીન થવાને ધારે તો સમર્થ છે, અને સ્વતંત્ર પણ છે. કારણ કે તે પરાત્પર બ્રહ્મનો જ અંશ હોઈ તેમાં જ લીન થવાને (મોક્ષ પ્રાપ્ત કરવાને) માટે તે આખરે સર્જાયો છે. પરંતુ જ્યાં સુધી તે પૂરેપૂરાં પ્રારબ્ધ ભોગવી ના લે, અને પાછળનાં અનાદિકાળનાં અનેક જન્મજન્માન્તરનાં જમા થયેલા સંચિત કર્મનાં અસંખ્ય હિમાલયો ભરાય તેટલાં કર્મનાં ઢગલાને આ જીવનકાળ દરમિયાન સાફ ના કરે, ભસ્મ ના કરે, ત્યાં સુધી તેને વારંવાર અનંતકાળ સુધી અનેક જન્મો, અનેક દેહ ધારણ કરવા જ પડે; ત્યાં સુધી તેને મોક્ષ મળે જ નહીં. તેને મોક્ષ મેળવવાની તીવ્ર ઇચ્છા થાય અને તેને મેળવવો જ હોય તો તેને તમામ સંચિત કર્મોને જ્ઞાનાગ્નિથી ભસ્મ કરવાં પડે, અને ચાલું જીવનનાં પ્રારબ્ધ કર્મોને પૂરેપૂરાં ભોગવી લેવાં પડશે. આ જીવનકાળ દરમિયાન અત્યારથી જ તેણે નવાં ક્રિયમાણ કર્મ એવી રીતે કરવાં જોઈએ કે જ કરતાંની સાથે તૂરંત જ ફળ આપીને શાંત થઈ જાય અને પ્રારબ્ધ રૂપે સામે આવીને ખડું નહીં થાય, અને તે ભોગવ્યા પછી કોઈ દેહ ધારણ કરવો પડે નહીં. પરંતુ મુશકેલી એ છે કે, જીવ ચાલુ જીવનકાળ દરમિયાન ભોગવવા પાત્ર થતાં પ્રારબ્ધ કર્મો ભોગવતાં-ભોગવતાં નવાં અસંખ્ય ક્રિયમાણ કર્મો કરે છે. તે ભોગવવા બીજા અસંખ્ય જન્મો ધારણ કરવા પડે. એટલે આ વિષચક્રનો અંત જ આવતો નથી. એતલે પહેલાં તો આ જીવનકાળ દરમિયાન હવે પછી તે જે જે ક્રિયમાણ કર્મો કરે તે એવી કુશળતાપૂર્વક કામ કરે કે કર્મો કદાપિ સંચિતમાં જમા થાય જ નહીં, અને તેથી તે ભવિષ્યમાં નવા દેહના બંધનમાં નાખે નહીં. બસ, આવી સુશળતાપૂર્વક કર્મ કરવું તેનું જ નામ યોગ. એટલે ગીતામાં ભગવાને યોગની વ્યાખ્યા કરી છે કે "योगः कर्मसु कौशलम्‍" ક્રિયમાણ કર્મ ઉપર જણાવ્યા પ્રમાણે કુશળતાપૂર્વક કરે તેનું જ નામ યોગ.
 
સંદર્ભઃ "કર્મનો સિદ્ધાંત" પુસ્તકમાંથી
(શ્રી હીરાભાઈ ઠક્કરના પ્રવચનોનો સાર)