પરમ શાંતિનો ઉપાય તથા શાંતિ કઈ રીતે મળે?

॥ श्री हरिः ॥
 
પરમ શાંતિનો ઉપાય
 
મનુષ્ય કેવળ પોતાના અનુભવનો આદર કરે તો તેનું કામ બની જાય. અનુભવ શું છે? આપણને જે કોઇ પણ વસ્તુઓ મળી છે તે આપણી નથી. આ ખાસ વાત છે. જે મળેલું હોય છે તે આપણું નથી હોતુ. શરીર, ધન, જમીન, વૈભવ, સંપત્તિ જે કઈ પણ મળ્યું છે, તે આપણું નથી. આ વાત પર વિચાર કરો. આવું માનવાથી મમતા મટી જાય છે. મમતા જ નહિ, અહંતા ('મારું' પણું) પણ મટી જાય છે. આ શરીરને ભગવાને -
'इदं शरीर कौन्तेय क्षेत्रम्' (ગીતા ૧૩/૧)
ઇદમ્ (આ) કહ્યું છે. જે 'આ' હોય છે તે 'હું' નથી હોતું. અને જે 'હું' હોય છે તે 'આ' નથી હોતું. 'इदं शरीरम्' કહીને આગળ શરીરનું વિવેચન કરતા કહે છે -
महाभूतान्यहंकारो बुद्धिरव्यक्तमेव च ।
इन्द्रियाणि दशैकं च पञ्च चेन्द्रियगोचराः ॥
(ગીતા ૧૩/૫)
પાંચ મહાભૂત, અહંકાર, બુદ્ધિ, ઇન્દ્રિયા, તથા મન-પ્રકૃતિ સહિત બધું 'इदं शरीरम्' ની અંતર્ગત આવી જાય છે. તેથી આ શરીર 'હું' નથી - આ વાતને દ્રઢ઼તાથી સમજી લો.
 
પછી પ્રશ્ન ઊઠે છે કે શું આ શરીર મારું છે? શું આપ આ શરીરને જેવું ચાહો એવું રાખી શકો છો? શું એમાં જે પરિવર્તન ચાહો તે કરી શકો છો? શું વૃદ્ધાવસ્થા ને રોકી શકો છે? શું મૃત્યુથી બચાવી શકાય છે? જો આ બધી તમારા હાથની વાત નથી, તો પછી આ શરીર તમારું કઈ રીતે થયું? તેથી મમતા અને અહંકારને જીવિત રહીને છોડી દો.
 
'निर्ममो निरहंकारः स शान्तिमधिगच्छति' (ગીતા ૨/૭૧)
આનાથી શાંતિને પ્રાપ્ત થશો. જો તમે અહંતા-મમમતાને નહિ છોડશો, તો પણ એ તો છૂટશે જ. આ 'હું' પણું અને 'મારું' પણું રહેશે નહિ. પરંતુ તમે તેને નહિ છોડશો તો અશાંતિ, દુઃખ, સંતાપ અને જલન થશે. આ શારીર દ્વારા કરવામાં આવેલ પાપ તથા પુણ્યના ફળ ભોગવવા માટે અનેક જન્મ લેવા પડશે. આથી જો તમે આ સ્વીકાર કરી લો કે શરીર, ઇન્દ્રિયા, મન, બુદ્ધિ તથા અહમ્ (અહંકાર) મારા નથી તો તેના દ્વારા કરવામાં આવેલ કાર્યો પણ તમારા નહિ રહેશે. આ વાતને ગીતાએ કહી છે -
'गुणा गुणेषु वर्तंत' (ગીતા ૩/૨૮)
અર્થાત્ ગુણ જ ગુણોમાં વર્તન કરે છે. [એટલે કે ઇન્દ્રિયા, તેના વિષયમાં વર્તે છે. આંખનો ગુણધર્મ છે જોવાનો, તો તે જોવાનું કામ કરે છે. ઘ્રાણ ઇન્દ્રિયનો ગુણધર્મ છે ગંધ પારખવાનો તો તે તેનું કાર્ય કરે છે.]
प्रकृतेः क्रियमाणानि गुणैः कर्माणि सर्वशः ।
अहंकारविमूढात्मा कर्ताहमिति मन्यते ॥
(ગીતા ૩/૨૭)
વાસ્તવમાં બધા કર્મ પ્રકૃતિના ગુણો દ્વારા કરવામાં આવે છે. પરંતુ અહંકારથી મોહિત અંતઃકરણવાળો પુરુષ (અજ્ઞાની) 'હું' કરું છું એવું માને છે. તો શું કરવાનું છે?
 
'नैव किंचित्करोमीति युक्तो मन्येत' એવું માની લેવું કે 'હું' કર્તા નથી, કારણ કે હું તો જાણનાર છું અને આ બધું મારા જાણવામાં આવેલ છે. એનાથી થવાવાળી ક્રિયાઓ મારી કઈ રીતે થઈ?
प्रकृत्यैव च कर्माणि क्रियमाणानि सर्वशः ।
यः पश्यति तथात्मानमकर्तारं स पश्यति ॥
(ગીતા ૧૩/૨૯)
જે આ જાણે છે કે ક્રિયા કેવળ પ્રકૃતિ દ્વારા થાય છે, તે પોતાને અકર્તા જ જાણે છે. અને હવે પોતાને અકર્તા જાણે છે તો -
यस्य नाहंकृतो भावो बुद्धिर्यस्य न लिप्यते ।
हत्वापि स इमाँल्लोकान्न हन्ति न निबध्यते ॥
(ગીતા ૧૮/૧૭)
એ બધા લોકોને મારીને પણ વાસ્તવમાં ન તો મરે છે, ન પાપથી બંધાઈ છે. મનુષ્ય અહંકૃત ('હું' કર્તા છું એવો ભાવ) ભાવથી જ ફસાયેલ છે અને તે અહંકૃત ભાવ વાસ્તવમાં છે નહીં, કેવળ માને લીધેલો ભાવ જ છે. અને માની લીધેલો ન માનવાથી છૂટી જાય છે. આ તમારા, આપણા બધાના અનુભવની વાત છે. તેથી આ વાતને માની લો કે શરીર 'હું' નથી અને 'મારું' નથી. શરીર અલગ છે અને હું અલગ છું.
 
वासांसि जीर्णानि यथा विहाय नवानि गृह्याति नरोऽपराणि । (ગીતા ૨/૨૨)
જેમ મનુષ્ય જૂના વસ્ત્ર ઉતારી બીજાં નવા વસ્ત્ર ધારણ કરે છે. તો વસ્ત્ર 'હું' નથી હોતા, એવી જ રીતે શરીર 'હું' નથી અને 'મારું' નથી. જો 'હું' અને 'મારું' પણું વધારતા રહીશું તો હું ખૂબ ભણી લઇશ, પંડિત બની જઈશ, વ્યાખ્યાનદાતા બની જઈશ, મોટો વ્યક્તિ બની જઈશ, ધનવાન બની જઈશ અને મારી પાસે ખૂબ જ ધન હશે, સંપત્તિ હશે, પરિવાર હશે. આ રીતે 'હું' અને 'મારું' પણું વધારતા રહીશું તો શાંતિ અને સુખની પ્રાપ્તિ નહીં થશે. અને જ્યા અહંતા-મમતા છોડી કે એજ ક્ષણ 'स शांतिमधिगच्छति' શાંતિને પ્રાપ્ત થશો.
 
શાંતિ કઈ રીતે મળે?
 
અહંતા-મમતા વધાવીને અશાંતિ તમારી સ્વયં પેદા કરેલ છે. જેટલી અહંતા-મમતા અધિક હશે, તેટલી અશાંતિ વધુ હશે. અને અહંતા-મમતાને જ્યાં ત્યાગ કર્યા કે તત્કાલ શાંતિ મળી.
त्यागाच्छान्तिरनन्तरम् (ગીતા ૧૨/૧૨)
સીધી સરળ વાત છે, વ્યવહારમાં કહી દો કે જમીન, મકાન, સ્ત્રી, પુરુષ, પરિવાર અમારા છે; પરંતુ અંદરથી એમાં મમતા અને આસક્તિ (મોહ) ન રાખો.
 
એક પ્રસંગ આવે છે કે એક વાર એક સાધુ બાબા નગરમાં ભિક્ષા કરીને એક બગીચામાં બેસી ગયા, તો સાંજના સમયે રાજા ત્યાં આવ્યા અને સાધુ બાબાને પૂછ્યું કે અહીં કઈ રીતે બેઠા છો? કોઈ ધર્મશાળા અથવા સરાઈમાં (વિશ્રામાલય) જવું જોઇએ. સાધુ બાબાએ કહ્યું કે આ સરાઈ જ તો છે. તો રાજાએ કહ્યું કે આ તો મારી કોઠી છે. સાધુ બાબા બોલ્યા કે સારું આ તમારી કોઠી છે, તો મને કહો તમારાથી પહેલાં અહીં કોણ રહેતું હતું? રાજાએ કહ્યું 'મારા પિતાજી રહેતા હતા' એમનાથી પહેલાં કોણ રહેતું હતું? તો રાજા બોલ્યા કે મારા દાદાજી. અમે અહીં પેઢીયોથી રહીયે છીએ. સાધુ બાબાએ પૂછ્યું કે શું તમે અહીં સદા માટે રહેશો? તો રાજા બોલ્યા કે જ્યાં સુધી હું જીવિત છું ત્યાં સુધી હું રહીશ, પછી મારા પુત્ર-પૌત્ર રહેશે. સાધુ બોલ્યા, તો પછી ધર્મશાળા કે સરાઈ કોને કહેવાય છે? કોઈ આવ્યું, કોઈ ગયું, એજ ધર્મશાળા છે. વ્યક્તિ, વસ્તુ, પદાર્થ જે કઈ પણ આપણને મળે છે, તેનો સદુપયોગ કરવો જોઇએ, એના ઉપર અધિકાર નહીં જમાવવો જોઇએ. કબીરદાસજીએ આ શરીરને ચાદર માનીને કહ્યું છે -
कबीरा चादर है झीनीं, सदा राम रस भीनी ।
પછી અંતમાં કહ્યું -
नौ दस मास बुनता लाग्या, मूरख मैली कीनी,
दास कबीर जुगति से ओढ़ी, ज्यों की त्यों धर दीनी ।
આનો અર્થ થયો કે શરીરમાં 'હું' પણું અને 'મારું' પણું નહીં રાખવું જોઇએ. એનો સદુપયોગ પોતાના અને સમાજનાં કલ્યાણ માટે કરવો જોઇએ. આ વાતનો એકદમ પાકો (દ્રઢ઼) વિચાર કરી લો કે આ શરીર, સંસારની વસ્તુઓ, સામગ્રી એ બધુ સંસારનું જે છે અને સંસારની સેવા માટે જ મળ્યું છે. એને પોતાની ન માનીને સંસારની જ માનવી જોઇએ અને સંસારની સેવા માટે જ માનવી જોઇએ. જેથી વસ્તુઓનો સદુપયોગ થાય. પરંતુ જો પોતાની અને પોતાના માટે છે એમ માનશો તો વસ્તુઓનો દુરુપયોગ થશે. અને દુરુપયોગથી આપણે એનો દંડ ભોગવવો પડશે. એને પોતાનું માની કોઈ લાભ તો થશે નહીં અને હાનિ કોઈ પણ પ્રકારની બાકી રહેશે નહીં. એના ઉપર પોતાનો અધિકાર જમાવવો, કબ્જો કરવો એ બેઈમાની છે અને એ જ સાંસારિક બંધન છે. એ ભગવાનની છે અથવા સંસારની છે, અથવા તો પ્રકૃતિની છે, કે પછી જેની પણ હોય તેની માનીએ તો આ મુક્તિ છે. ભક્તિયોગમાં ભગવાનની, કર્મયોગમાં સંસારની અને જ્ઞાનયોગમાં પ્રકૃતિની છે. તેથી શરીર, વસ્તુઓ, જમીન, મકાન, સ્ત્રી, પુરુષ, પરિવાર, ધન વગેરેને પોતાની અને પોતાના માટે ન માનો.
 
એક બીજી વાત છે કે આપણે આ શરીર અને વસ્તુઓથી સુખ લેવા માગીએ છીએ. પરંતુ આ માનવ શરીર તથા એની સામગ્રી સુખ કે ભોગ માટે નથી મળી.
' एहि तन कर फल विषय न भाई '
આ તો બીજાને સુખ આપવા માટે તથા બીજાની સેવા કરવા માટે મળ્યા છે. જો સુખ ભોગવવું હોય તો સ્વર્ગમાં જાઓ, દુઃખ ભોગવવું હોય તો નરકમાં જાઓ, સુખ-દુઃખ બન્નેથી ઉપર ઊઠવું હોય તો મનુષ્ય શરીરમાં આવો. સુખ-દુઃખ બન્નેથી ઉપર ઊઠવાથી જ મહાન આનંદ, મહાન શાંતિ પ્રાપ્ત થાય છે. પરંતુ જો સુખની ચાહ રાખશો તો દુઃખ પણ ભોગવવું જ પડશે. અને જો સુખની કામના છોડી દેશો તો મહાન આનંદ અને મહાન શાંતિની પ્રાપ્તિ થશે. તેથી શાંતિનો ઉપાય એ છે કે શરીર 'હું' નથી અને શરીર, સંસાર 'મારા' નથી અને મારા માટે નથી એમ જાણી અને માની લો.