આળસુ ન રહો - સ્વામી શિવાનન્દ

(આ બોધ-કથા સ્વામી શિવાનન્દજી દ્વારા નાના બાળકોને અનુલક્ષીને લખવામાં આવી છે. જે જાન્યુઆરી ૨૦૦૭માં એમની માસિક સામાયિકમાં પ્રકાશિત થયેલ હતી.)
 
નમસ્કાર. ૐ નમો નારાયનાય.
 
તમને પત્ર લખતા ખુબ જ પ્રસન્નતા થાય છે. તમે નાના છો. તમે પવિત્ર છો. તમે દિવ્ય છો. તમારે હમણાથી જ દિવ્ય જીવન જીવવાની શરૂઆત કરી દેવી જોઈએ.
 
સત્ય બોલો. રમત-ગમતમાં પણ બીજાને હાની ન પહોંચાડો. માતા-પિતા, ગુરૂજનો અને શિક્ષકોનું સમ્માન કરો અને એમનું કહેવું માનો. બધા સાથે પ્રેમભાવ રાખો. જેમ બને તેમ સૌની સેવા કરો. પ્રાણીઓ-જાનવરો પર પણ દયા રાખો. બધાના સહાયક બનો. ઈશ્વર સૌનો પ્રભુ છે. ભગવાન સજ્જનતા અને પ્રેમ સ્વરૂપ છે. પ્રેમ અને ભક્તિથી ઈશ્વરનું ભજન કરો. આ જ દિવ્ય જીવન છે. ક્યારેય આળસ ન કરો. આળસ કરી એ ખૂબ જ ખોટુ છે. આના પર એક વાર્તા સાંભળો -
 
ઘણા દિવસો પહેલાની આ વાત છે. બે પડોસી હતાં. એક હતી કીડી અને એક હતો તીડ. કીડી ઘણી મહેનતી હતી. ખૂબ જ મહેતન અને કામ કરતી. તે હંમેશા ઉનાળાથી જ શિયાળાની તૈયારી કરવા માંડતી. તે ઉનાળામાં જ અનાજ ભેગુ કરી લેતી.
 
પડોસી તીડ ખૂબ જ આળસુ હતો. આખો ઉનાળો એ મોજ-શોખમાં પસાર કરતો. શિયાળો આવ્યો અને તેની પાસે ખાવા માટે કશું પણ ન હતું તથા ઠંડીને કારણે તે ખોરાકની શોધમાં પણ જઈ શકતો ન હતો.
 
એક દિવસ તે પોતાની પડોસી કીડીને ત્યાં ગયો અને એની પાસે ખાવાનુ માગ્યું. કીડી એ કહ્યું - "દોસ્ત! ગરમીના દિવસોમાં તું શું કરે છે?" તીડે કહ્યું - "હું આખા ઉનાળામાં મોજ કરતો રહ્યો. ગીતો ગાતો રહ્યો." કીડી એ કહ્યું - "તો પછી હવે ઠંડીના દિવસોમાં નૃત્ય કર. તને આપવા માટે મારી પાસે વધુ ખોરાક નથી."
 
બિચારો તીડ રડતો-પછતાતો પોતાના ઘરે પાછો ફર્યો. આખો શિયાળો એણે આમ-તેમ ખોરાક વગર પસાર કરવો પડ્યો.
 
આ વાર્તાનો સાર એ છે કે ક્યારેય પણ આળસુ ન બનો. હંમેશા કામમાં લાગ્યા રહો. જેથી ક્યારેય ભીખ કે ઉધાર માગવાની નોબત ના આવે.
 
સસ્નેહ, પ્રેમ અને ૐ સહ,
તમારા આત્મસ્વરૂપ,
સ્વામી શિવાનન્દ