પ્રાચીન શિક્ષા આદર્શ

देह रूपस्य वृक्षस्य फलं धर्मः सनातनः ।
धर्महीनस्तुयो देहो निष्फलं वन्ध्य वृक्षवत् ॥
                         (इति श्रुतिः)
 
વર્તમાન સમયમાં આપણી શિક્ષાનો ઉદ્દેશ્ય કેવળ ઉદર નિમિત્ત બની ગયો છે. આજે આપણે આપણી પ્રાચીન શિક્ષા પદ્ધતિને ભૂલી ગયા છે, આ જ કારણે આપણી ધાર્મિક, સામાજિક અને નૈતિક તેમજ શારીરિક, માનસિક અને આત્મિક અવનતિ થઈ ગઈ છે અર્થાત્ આજે આપણું બધી તરફથી અધઃપતન અને હ્રાસ (ક્ષય) થઈ રહ્યું છે. તેથી આપણે આપણી પ્રાચીન શિક્ષા પ્રણાલીનું અનુકરણ કરવું જોઇએ, નહીંતર આપણા માટે ભવિષ્ય ખુબજ અંધકારમય હશે.
 
કોઈ પણ દેશ અથવા જાતિની ઉન્નતિનું મૂળ કારણ શું હોય છે? એવું કયું તત્ત્વ હોય છે? તો જવાબ એ છે કે "બાળકની શિક્ષા પ્રણાલી". જો કોઈ દેશ કે જાતિની ધાર્મિક અને સામાજિક તથા આર્થિક ઉન્નતિ જોવી હશે તો એની શિક્ષા પ્રણાલીનું નિરીક્ષણ કરવું જોઇએ.
 
વિદ્વાનોના મત મુજબ "બાળકોને જે ઢાંચામાં ઢાળવામાં આવશે, સમસ્ત જાતિ તથા દેશ પણ એ જ ઢાંચામાં ઢળશે. બાળક જ જાતિ અને દેશનું ભવિષ્ય છે, બાળકોનું જેવું ચરિત્ર ગઠન થશે તેવું જ જાતિ અને દેશનું ભવિષ્ય પણ ગઠન થશે."
 
તેથી પ્રત્યેક જાતિનું કર્તવ્ય છે કે પોતાના બાળકોના ચરિત્ર ગઠનમાં વિશેષ ધ્યાન આપે. ચરિત્ર ગઠન માટે સૌથી આવશ્યક છે ધાર્મિક શિક્ષા.
 
ખુબજ શોકની વાત છે કે આજે હિંદુ જાતિના બાળકોને ધાર્મિક શિક્ષા નથી આપવામાં આવતી. જ્યારે અન્ય જાતિના બાળકોને સૌથી પહેલા ધાર્મિક શિક્ષા આપવામાં આવે છે. પરંતુ હિંદુ બાળકોને આજે શાળામાં પ્રવેશ સાથે જ તેમને કુતરાં-બિલાડી, રીંછ, વાંદરા, હાથી વગેરેની વાર્તાઓ સંભળાવવામાં આવે છે. અને એ અવસ્થામાં બાળકોનું ઘડતર પણ એ જ દિશામાં થાય છે. અહીં કોઈ ધર્મ, જાતિ કે સંપ્રદાયને ઉચ્ચ-નીચનું પદ નથી આપવામાં આવ્યું, અહીં મહત્વનું એ છે કે જો અન્ય જાતિ માટે ધર્મનું આટલું મહત્વ છે તો આજે સનાતન કહેવાતાં હિંદુ ધર્મના લોકો માટે આપણા ધર્મનું મહત્વ કેમ નથી રહ્યું? ક્યાં ગઈ આપણી એ ગુરુ-શિષ્ય પરંપરા? ક્યાં ગયા આપણા ગુરુકુળ?
 
આપણા બાળક ભક્ત ધ્રુવ, પ્રહલાદની કથા તથા વીર બાળક અભિમન્યુ અને લવ-કુશની કથા કેમ સંભળવામાં નથી આપવી? આપણા ધર્મગ્રંથો, શાસ્ત્રો અને પુરાણામાં અનેકાનેક કથાઓ ભરી પડી છે. વૈજ્ઞાનિક મત પ્રમાણે બાળકને જ્યારે સૂતી વેળાએ ચરિત્ર નિર્માણ કથાઓ સંભળાવવામાં આવે છે ત્યારે બાળકના સ્વપ્નમાં સત્ય, નિર્ભયતા, બળ વગેરે નિર્માણ થાય છે અને એ જ શક્તિઓ તેના વાસ્તવિક જીવનની સફળતાનો પાયો બને છે.
 
આ ખુબજ પ્રમાદ અને અપમાનનો વિષય છે, અને આ જ આપણી જાતિના ઘોર પતન અને ભીષણ હ્રાસનું કારણ છે.
 
"શું હિંદુ જાતિના હિતેચ્છુઓએ વર્તમાન બાળકોની શિક્ષા પદ્ધતિ પર ધ્યાન આપવું ઉચિત સમજ્યું છે? જો ઉચિત સમજ્યું હોય તો આર્ય શિક્ષાનો ઉદ્દેશ્ય શું છે? ઉદ્દેશ્ય ફક્ત એ જ નથી કે કેવળ ધન ઉપાર્જન માટે વ્યવહારિક શિક્ષાની પ્રાપ્તિ થાય, પરંતુ આર્ય શિક્ષાનો ઉદ્દેશ્ય એ છે કે -
धर्मार्थकामाः सममेव सेव्यायस्त्वेकसेवी स नरो जघन्यः ।
द्वयोस्तु दक्षं प्रवदन्ति मध्यंस उत्तमो यो निरतिस्त्रिवर्गे ॥
                                (षड्जगीता ३८)
અર્થાત્ ધર્મ, અર્થ અને કામ - આ ત્રણેય બરાબર પ્રાપ્ત કરવા યોગ્ય છે, જે આમાંથી કોઈ એકમાં લાગી રહે છે તે ઉધમ છે, જે આમાંથી બેમાં ચતુર છે તેને મધ્યમ કહેવામાં આવે છે, ઉત્તમ તો એ જ છે જે ધર્મ, અર્થ, કામ તથા મોક્ષને પણ પ્રાપ્ત કરે.
 
અન્ય શબ્દોમાં એમ કહી શકાય કે મનુષ્ય જાતિની પૂર્ણ ઉન્નતિના ત્રણ અંગો છે - શારીરિક, માનસિક અને આત્મિક. આ ત્રિવિધ અંગોની ઉન્નતિ કરવું એ જ આર્ય શિક્ષાનો પરમ ઉદ્દેશ્ય છે.
 
॥ इति ॥
 
"હિંદુ ધર્મ રહસ્ય" પુસ્તક માંથી
લેખક - સ્વામી અચલરામ (હિંદીમાં)
પુસ્તક પ્રકાશન વર્ષ - ૧૯૨૭