સજ્જન ! સાંભળો રે, હરિની બાળલીલા કાંઈ ગાશું,
કોટિક કલ્પના રે, પતિતપણાથી પાવન થાશું...
ઈશ્વર અખિલ તણા રે, જેનું કરે શેષ શિવ વંદન,
ભક્તવત્સલ પ્રભુ રે, માટે થયા નંદના નંદન...
ગોકુળ ગામમાં રે, નિત્ય યશોમતી ઘેર આનંદ હેલી,
કાલાં તોતલાં રે સુતનાં વચન સૂણી થાય ઘેલી...
મોહન મૂરતી રે, સહેજે દીઠેથી મોહ લાગે,
તે હરિ હઠ કરી રે 'મા ! મા !' કહીને માખણ માગે...
પગે લંગરી રે, છમછમ કરતો છબીલો ચાલે,
લટકે લાડકો રે, રંગત લાડકલી કર ઝાલે...
કટિ કંદોરડો રે, ચરણ ધરંતાં ખમખમ બોલે,
લટકે ફૂમતું રે શોભા નહિ કોઈ તેની તોલે...
પોંચાં સાંકળાં રે, કરમાં કંચન કંકણ શોભે,
પોંચી બહેરખાં રે, બાજુબંધે બહુ મન લોભે...
ઊર પર સાંગલું રે, સિંહનખ શોભે સોવ્રણ મઢિયો,
મણિ મુક્તા તણી રે, માળાઓ જઈ નાભી અડીયો...
મોહન મુખડું રે, શરદપૂનમ શશી થકી બહુ સારું,
નિર્મળ નાસિકા રે, મોતી લળકે મોહ્યું મન મારું...
લીલવટ લાલનું રે, શોભે કુમકુમ બિંદુ દીધું,
આંજી આંખડી રે, માજી ગાલ નજરિયું કીધું...
કુંડળ કાનમાં રે, પડ્યાં પ્રતિબિંબ કપોળે ઝળકે,
ઝૂમણવેળિયું રે, મોતી ભરિયું લટકે લળકે...
મુખ પર ઝૂમતા રે, હરિને ખિટલિયાળા કેશ,
છબી ઘનશ્યામ છે રે, મનમોહન પ્રભુ બાળક વેશ...
મુખ દધી લેપિયું રે, નીરખે ઊર ભરી આવે વ્હાલ,
પરમ આનંદનો રે, સાગર શ્રીનવનીતપ્રિય નંદલાલ...
એવો લાડીલો રે, ઠમકે ચાલ ઠમકતી ચાલે,
મહીડું વલોવતાં રે, ગોવિંદ ગોળી ને રવી ઝાલે...
બોલે તોતલું રે, ઠણઠણતો કાનડ થાય કાલો,
'માડી ! ધવડાવની રે,' હઠે કરી કહેતાં લાગે વ્હાલો...
પાનો ઊભર્યો રે, કોકા દઈને કંઠ લપટાવે,
શિર સુંઘી કરી રે, લઈને ઊછંગે ધવરાવે...
ગોવિંદ ઘૂંટડે રે, દૂધ પીએ, જસોદા મુખ જોય,
પુચકારી કરી રે, જનુની આંખનાં આંસુ લ્હોય...
તૃપ્ત થયા પછે રે, માજી વિવિધ રમકડાં આપે,
ખેલે આંગણે રે, ગોપીજન લઈ હ્રદયે ચાંપે...
બાળક વેશ છે રે, પણ સુખ છાનું સઘળું આપે,
કોઈને કહે નહિ રે, અબળા અતિ આનંદ ઊર વ્યાપે...
લેતી ભામણાં રે, નિરભે શિશુ માટે મુખ ચૂમે,
ઘેર જવાય નહિ રે, લલચ્યું લાલ વિશે મન ઘૂમે...
રમતાં આંગણે રે, કર્દમ વળગ્યો છે શ્રી અંગે,
બહેક બરાસની રે, ઝાઝી ફેલી છે હરિ સંગે...
એવા રજ ભર્યા રે, વછનું પૂંછ ગ્રહી ફરે પૂંઠે,
પડી જવાય છે રે, ગોપી હસી પડે વળી ઊઠે...
વ્રજની સુંદરી રે, લાલચ માખણ તની બતાવે,
અંતર પ્રેમથી રે, પ્રભુને થેઈ થેઈ થનક નચાવે !
બાળચરિત્રનો રે, આનંદ એવો વ્રજજન માણે,
વ્રજવાસી તણા રે ભાગ્ય તણો કોઈ પાર ન જાણે...
'નેતિ' નિગમ કહે રે, અગમ અગોચર સૌથી અળગો,
તે પ્રભું પ્રેમથી રે, આહીરડાંને આવી વળગ્યો...
ક્રીડા અવતાર ઘણા રે, શિરોમણિ વ્રજલીલા વ્રજરાણો,
દાસ દયા તણા રે, પ્રાણ જીવનધન એ પ્રભુ જાણો...