રાસ દર્શન - ભક્ત નરસિંહ મહેતા

ભગવાન આશુતોષ (શંકર) વૃષભ (પોઠિયા) પર સવાર થઈ, ભક્તરાજ નરસિંહ મહેતાને સાથે લઈ ભગવાન શ્રી કૃષ્ણચંદ્રના પરમધામ દ્વારકામાં તુરંત પહોંચી ગયા. નરસિંહ મહેતા લગભગ એક મહિના સુધી ત્યાં જ ભગવાન સાથે રહે છે અને પછી ભગવાનની આજ્ઞાથી ભક્તરાજ જગતમાં ત્રણે ઋણ (સ્ત્રી-પુત્ર ઋણ, પિતૃ ઋણ, દેવ ઋણ) અને જન્મ-મરણના બંધનથી મુક્ત થવા ગૃહસ્થાશ્રમનો સ્વીકાર કરે છે. જતી વેળાએ ભગવાન સ્વહસ્તે તેમને પોતાની પ્રતિમા અને કરતાલ આપે છે અને મોરપીચ્છનો મુગટ પહેરાવે છે. નરસિંહરામે ભગવાનના ચરણોમાં પડી, વારંવાર પ્રણામ કર્યા અને પછી ભાગવતી પ્રેરણાથી તુરંત જૂનગઢ પહોંચી ગયા.
 
ભક્તરાજ શ્રીધામમાં થયેલ કૃષ્ણ દર્શન પ્રસંગનું વર્ણન તેમના શબ્દોમાં કંઇક આ રીતે કરે છે -
 
ઉમિયા-ઇશની મુજને કિરપા હવી, જોજો ભાઇઓ ! મારું ભાગ્ય મોટું;
કીડી હતો તે કુંજર થઈ ઊઠિયો, પૂરણ બ્રહ્મ - શું ધ્યાન ચોંટ્યું.
 
હાથ સાહ્યો મારો પારવતી-પતે, મુક્તિપુરી મને સદ્ય દેખાડી;
કનકની ભોમ, વિદ્રુમના થાંભલા, રત્નજડિત તાંહાં મોહોલ મેડી.
 
ધર્મસભામાં જહાં, ઉગ્રસેનજી તહાં, સંકરષણજી સંગ બેઠા;
તાંહાં વાસુદેવ ને દેવકીનંદન, રાજરાજેશ્વર કૃષ્ણ બેઠા.
 
અક્રૂર ઓધવ, વેદુર ને અરજુન, શીઘ્ર ઊભા થયા હરને જાણી;
સોળ સહસ્ર શત આઠ પટરાણીઓ, મધ્ય આવ્યા, શૂલપાણિ.
 
ધાઈને જઈ મળ્યા, આસનેથી ચળ્યા, કર જોડીને કૃષ્ણે સન્માન દીધું;
બેસો સિંહાસને, જોગીપતિ ! આસને, આજ કારજ મારું સકળ કીધું.
 
'ભક્ત-આધીન તમો છો સદા ત્રિકમા', પ્રસન્ન થઈને શિવ બોલ્યા વાણી;
'ભક્ત અમારો ભૂતલલોકથી આવિયો, કરો તેને કૃપા દીન જાણી'.
 
ભક્ત ઉપર હવે દૃષ્ટિ-કિરપા કરો, નરસૈંયાને નિજ દાસ થાપો;
તે જ વેળા શ્રીહરિએ મુજને કરુણા કરી, હસ્તકમલ મારે શીશ ચાંપ્યો.
 
શ્રીધામમાં થયેલ રાસ દર્શન પ્રસંગનું વર્ણન -
 
શરદપૂનમ તણો દિવસ તહાં આવિયો, રાસ-મર્યાદનો વેણ વાધ્યો;
રુકમઃઇ આદિ સહુ નાર ટોળે મળી, નરસૈંયે તહાં તાલ સાધ્યો.
 
પુરુષ-પુરુષાતન લીન થયું માકરું, સખીરૂપે થયો ગીત ગાવા;
દેહ દિશા સૌ ટળી, ગોપીમાં ગયો મળી, દૂતી થયો માનિનીને મનાવા.
 
હાવ ને ભાવ રસભેદના પ્રીછિયા, અનુભવતાં રસબસ રે થાતાં;
પ્રેમે પીતામ્બર આપિયું શ્રી હરિ, રીઝિયા કૃષ્ણજી તાલ વા'તા.
 
વ્રજ તણી આદ્ય લીલાનું દરશણ હવુ, અરુણ ઉદયે શંખનાદ કીધો;
રુકમણિ આદિ સહુ નારી ત્રપત થઈ, રામાએ કંઠથી હાર દીધો.
 
ધન્ય તું, ધન્ય તું એમ કહે શ્રીહરિ, 'નરસૈંયો ભક્ત હું-તુલ્ય જાણો;
વ્રજ તણી નારી જે ભાવ-શું ભોગવે, તેહને પ્રેમ-શું સહેજે માણ્યો.'