॥ ૐ શ્રી પરમાત્મને નમઃ ॥
વિષય સૂચિ
[૦૧-૧૧] - પાંડવ અને કૌરવસેનાના મુખ્યમુખ્ય મહારથીઓનાં નામોનું વર્ણન
[૧૨-૧૯] - બન્ને પક્ષોની સેનાઓના શંખવાદનનું વર્ણન
[૨૦-૨૭] - અર્જુન દ્વારા સેનાનું અવલોકન
[૨૯-૪૭] - અર્જુન દ્વારા કાયરતા, શોક, અનર્થપરંપરા અને પશ્ચાત્તાપવાળાં વચનો કહેવાં તથા સંજય દ્વારા શોકમગ્ન અર્જુનની અવસ્થનું વર્ણન
ભૂમિકા
પાંડવોએ બાર વર્ષનો વનવાસ અને એક વર્ષનો અજ્ઞાતવાસ પૂરો થતાં જ્યારે પ્રતિજ્ઞા મુજબ પોતાનું અરધું રાજ્ય માગ્યું, ત્યારે દુર્યોધને અરધું રાજ્ય તો શું, તીક્ષ્ણ સોયની અણી જેટલી જમીન પણ યુદ્ધ વિના આપવાનું સ્વીકર્યું નહિ. આથી પાંડવોએ કુંતા માતાની આજ્ઞા પ્રમાણે યુદ્ધ કરવાનું સ્વીકાર્યું. આ રીતે પાંડવો અને કૌરવો વચ્ચે યુદ્ધ કરવાનું નિશ્ચિત થઇ ગયું અને તદનુસાર બંને પક્ષે યુદ્ધની તૈયારી થવા લાગી.
મહર્ષિ વેદવ્યાસને ધૃતરાષ્ટ્ર ઉપર ઘણો સ્નેહ હતો. એ સ્નેહને લીધે એમણે ધૃતરાષ્ટ્ર પાસે આવીને કહ્યું કે, "યુદ્ધ થવું અને તેમાં ક્ષત્રિયોનો મહાન સંહાર થવો અનિવાર્ય છે, એને કોઇ ટાળી શકવાનું નથી. જો યુદ્ધ જોવાની તમારી ઇચ્છા હોય તો હું તમને દિવ્ય દ્રષ્ટિ આપી શકું છું, જેનાથી તમે અહીં બેઠાબેઠા યુદ્ધને સારી રીતે જોઇ શકશો." આથી ધૃતરાષ્ટ્રે કહ્યું કે, "જન્મભર હું આંધળો રહ્યો. હવે મારા કુળના સંહારને હું જોવા ઇચ્છતો નથી. પરંતુ યુદ્ધ કેવી રીતે થઇ રહ્યું છે - એ સમાચાર સાંભળવાની ઇચ્છા જરૂર છે." ત્યારે વ્યાસજીએ કહ્યું કે, "હું સંજયને દિવ્ય દ્રષ્ટિ આપું છું. તેનાથી એ સમગ્ર યુદ્ધને, બધી જ ઘટનાઓને અને સૈનિકોના મનમાં આવેલા વિચારોને પણ જાણી લેશે, સાંભળી લેશે, જોઇ લેશે, અને બધી વાતો તમને સંભળાવી પણ દેશે." એમ કહીને વ્યાસજીએ સંજયને દિવ્ય દ્રષ્ટિ આપી.
નક્કી કરેલા સમય પ્રમાણે કુરુક્ષેત્રમાં યુદ્ધ શરૂ થયું. દસ દિવસ સુધી સંજય યુદ્ધના સ્થળે જ રહ્યા. જ્યારે ભીષ્મ પિતામહને બાણો વડે રથ ઉપરથી પાડી દેવામાં આવ્યા, ત્યારે સંજયે હસ્તિનાપુરમાં (જ્યાં ધૃતરાષ્ટ્ર બેઠેલા હતા ત્યાં) આવીને ધૃતરાષ્ટ્રને એ સમાચાર સંભળાવ્યા. એ સમાચાર સાંભળીને ધૃતરાષ્ટ્રને ભારે દુઃખ થયું અને તેઓ વિલાપ કરવા લાગ્યા. પછી તેમણે સંજયને યુદ્ધનો પૂરો વૃતાંત સંભળાવવા કહ્યું. ભીષ્મપર્વના ચોવીસમા અધ્યાય સુધી સંજયે યુદ્ધસંબંધી વાતો ધૃતરાષ્ટ્રને સંભળાવી.[૧] પચીસમા અધ્યાયના આરંભમાં ધૃતરાષ્ટ્ર સંજયને પૂછે છે.
[૧] - મહાભારતમાં કુલ અઢાર પર્વો છે. એ પર્વોમાં કેટલાંક પેટા પર્વો પણ છે. એમાંથી (ભીષ્મપર્વની અંદર) આ 'શ્રીમદ્ ભગવદ્ ગીતા પર્વ' છે, જે ભીષ્મપર્વના તેરમા અધ્યાયથી શરૂ થઇ બેંતાળીસમાં અધ્યાયમાં સમાપ્ત થાય છે.