भवान्भीष्मश्च कर्णश्च कृपश्च समितिञ्जयः ।
अश्वत्थामा विकर्णश्च सौमदत्तिस्तथैव च ॥ ८ ॥
આપ (દ્રોણાચાર્ય) અને પિતામહ ભીષ્મ તથા કર્ણ અને સંગ્રામવિજયી કૃપાચાર્ય તથા એવા જ અશ્વત્થામા, વિકર્ણ અને સોમદત્તનો પુત્ર ભૂરિશ્રવા.
'भवान् भीष्मश्च' - આપ અને પિતામહ ભીષ્મ - બન્નેય ઘણા વિશેષ પુરુષો છો. આપ બેઉની સમકક્ષ સંસારમાં ત્રીજો કોઇ પણ નથી. જો આપ બેમાંથી કોઇ એક પણ પોતાની પૂર્ણ શક્તિ વાપરીને યુદ્ધ કરે, તો દેવતા, યક્ષ, રાક્ષસ, મનુષ્ય વગેરેમાં એવો કોઇ પણ નથી, કે જે આપની સામે ટકી શકે. આપ બન્નેના પરાક્રમની વાત જગતમાં પ્રસિદ્ધ જ છે. પિતામહ ભીષ્મ તો આબાલ બ્રહ્મચારી છે અને ઇચ્છામૃત્યુ છે અર્થાત્ એમની ઇચ્છા વિના એમને કોઇ મારી જ નથી શકતા. [મહાભારતના યુદ્ધમાં દ્રોણાચાર્ય ધૃષ્ટદ્યુમ્ન દ્વારા માર્યા ગયા, અને પિતામહ ભીષ્મે પોતાની ઇચ્છાથી જ સૂર્યના ઉત્તરાયણ થયા પછી પોતાના પ્રાણોનો ત્યાગ કરી દીધો.]
'कर्णश्च' - કર્ણ તો ઘણો જ શૂરવીર છે. મને તો એવો વિશ્વાસ છે કે તે એકલો જ પાંડવસેના ઉપર વિજય પ્રાપ્ત કરી શકે છે. એની સામે અર્જુન પણ કંઇ કરી શકે તેમ નથી. એવો એ કર્ણ પણ અમારા પક્ષમાં છે. [કર્ણ મહભારતના યુદ્ધમાં અર્જુન દ્વારા માર્યા ગયા.]
'कृपश्च समितिञ्जयः' - કૃપાચાર્યની તો વાત જ શું કરવી ! તેઓ તો ચિરંજીવી છે, [૧] અમારા પરમ હિતેચ્છુ છે અને સમગ્ર પાંડવસેના ઉપર વિજય પ્રાપ્ત કરી શકે તેવા છે.
જોકે અહીં દ્રોણાચાર્ય અને ભીષ્મના પછી જ દુર્યોધને કૃપાચાર્યનું નામ લેવું જોઇતું હતું, પરંતુ દુર્યોધનને કર્ણ ઉપર જેટલો વિશ્વાસ હતો, એટલો કૃપાચાર્ય ઉપર ન હતો. એટલા માટે કર્ણનું નામ તો હૈયામાંથી વચમાં જ નીકળી પડયું. દ્રોણાચાર્ય અને ભીષ્મ ક્યાંય કૃપાચાર્યનું અપમાન ન સમજી લે, એટલા માટે દુર્યોધન કૃપાચાર્યને 'સંગ્રામવિજયી' વિશેષણ આપીને એમને પ્રસન્ન કરવા માગે છે.
'अश्वत्थामा' - એ પણ ચિરંજીવી છે અને આપના જ પુત્ર છે. એ ઘણા મોટા શૂરવીર છે. એમણે આપની પાસેથી જ અસ્ત્રશસ્ત્રની વિદ્યા શીખી છે. અસ્ત્રશસ્ત્રની કળામાં તેઓ ઘણા ચતુર છે.
'विकर्णश्च सौमदत्तिस्तथैव च' - આપ એવું ન સમજશો કે માત્ર પાંડવો જ ધર્માત્મા છે, આપણા પક્ષમાં પણ મારો ભાઇ વિકર્ણ મોટો ધર્માત્મા અને શૂરવીર છે. એવી જ રીતે આપણા પ્રપિતામહ શાંતનુના ભાઇ બાહ્લીકના પૌત્ર તથા સોમદત્તના પુત્ર ભૂરિશ્રવા પણ મોટા ધર્માત્મા છે. એમણે મોટીમોટી દક્ષિણાવાળા અનેક યજ્ઞો કર્યા છે. તેઓ મોટા શૂરવીર અને મહારથી છે. [યુદ્ધમાં વિકર્ણ ભીમ દ્વારા અને ભૂરિશ્રવા સાત્યકિ દ્વારા માર્યા ગયા.]
અહીં એ શૂરવીરનાં નામ લેવામાં દુર્યોધનનો એ ભાવ જણાઇ આવે છે કે હે આચાર્ય ! આપણી સેનામાં આપ, ભીષ્મ, કર્ણ, કૃપાચાર્ય વગેરે જેવા મહાન પરાક્રમી શૂરવીરો છે, એવા પાંડવોની સેનામાં જોવામાં નથી આપવા. આપણી સેનામાં કૃપાચાર્ય અને અશ્વત્થામા - એ બે ચિરંજીવીઓ છે, જ્યારે પાંડવોની સેનામાં એવા એક પણ નથી. આપણી સેનામાં ધર્માત્માઓની પણ કમી નથી. આ કારણથી અમારે માટે ડરવાની કોઇ વાત નથી.
[૧] - અશ્વત્થામા, બલિ, વેદવ્યાસ, હનુમાનજી, વિભીષણ, કૃપાચાર્ય, પરશુરામ અને માર્કણ્ડેય - આ આઠ ચિરંજીવીઓ છે. શાસ્ત્રમાં લખ્યું છે કે -
अश्वत्थामा बलिर्व्यासो हनूमांश्च विभीषणः । कृपः परशुरामश्च सप्तैते चिरजीविनः ।
सप्तैतान् संस्मरेन्नित्यं मार्कण्डेयमथाष्टमम् । जीवेद्वर्षशतं सोङपि सर्वव्याधिविवर्जितः ॥