મૂળ શ્લોક:
अनंतविजयं राजा कुन्तीपुत्रो युधिष्ठिरः ।
नकुलः सहदेवश्च सुघोषमणिपुष्पकौ ॥ १६ ॥
શ્લોક ભાવાર્થ:
કુંતીપુત્ર રાજા યુધિષ્ઠિરે અનંતવિજય નામનો શંખ વાગાડ્યો તથા નકુળ અને સહદેવે સુઘોષ અને મણિપુષ્પક નામના શંખો વગાડ્યા.
સ્વામી રામસુખદાસજી દ્વારા ગુજરાતી ટીકા:
'अनन्तविजयं राजासुघोषमणिपुष्पकौ' - અર્જુન, ભીમ અને યુધિષ્ઠિર એ ત્રણ કુંતીના પુત્રો છે તથા નકુળ અને સહદેવ - એ બન્ને માદ્રીના પુત્રો છે. આ વિભાગ દર્શાવવા માટે જ અહીં યુધિષ્ઠિર માટે 'કુંતીપુત્ર' વિશેષણ આપવામાં આવ્યું છે.
યુધિષ્ઠરને 'રાજા' કહેવાનું તાત્પર્ય એ છે કે વનવાસ જતાં પહેલાં યુધિષ્ઠિર પોતાના અરધા રાજ્ય (ઇંદ્રપ્રસ્થ) ના રાજા હતા, અને નિયમ મુજબ બાર વર્ષ વનવાસ અને એક વર્ષ ગુપ્તવાસ પછી તેઓ રાજા બનવા જોઇતા હતા. 'રાજા' વિશેષણ આપીને સંજય એ પણ સંકેત કરવા માગે છે કે આગળ જતાં ધર્મરાજ યુધિષ્ઠિર જ સકળ પૃથ્વીમંડળના રાજા થશે.