ગીતાનો મહિમા

बशीधरं तोत्त्रधरं नमामि मनोहरं मोहहरं च कृष्णम् ।
मालाधरं धर्मधुरन्धरं च पार्थस्य सारथ्यकरं च देवम् ॥
कर्तव्यदीक्षां च समत्वशिक्षां ज्ञानस्य भिक्षां शरणागतिं च ।
ददाति गीता करूणार्द्रभूता कृष्णेन गीता जगतो हिताय ॥
संजीवनी साधकजीवनीयं प्राप्तिं हरेर्वै सरलं ब्रवीति ।
करोति दूरं पाथिविध्नवाधा ददाति शीघ्रं परमात्मसिद्धिम् ॥
 
ગીતાનો મહિમા
શ્રીમદ્ ભગવદ્ ગીતાનો મહિમા અગાધ અને અસીમ છે. આ ભગવદ્ ગીતા ગ્રંથ પ્રસ્થાનત્રયમાંનો માનવામાં આવે છે. મનુષ્યમાત્રના ઉદ્ધારને માટે ત્રણ રાજમાર્ગો ‘પ્રસ્થાનત્રય’ ના નામથી ઓળખવામાં આવે છે – એક વૈદિક પ્રસ્થાન છે, જેને ‘ઉપનિષદ્’ કહે છે; એક દાર્શનિક પ્રસ્થાન છે, જેને ‘બ્રહ્મસૂત્ર’ કહે છે અને એક સ્માર્ત પ્રસ્થાન છે, જેને ‘ભગવદ્ ગીતા’ કહે છે. ઉપનિષદોમાં મંત્ર છે, બ્રહ્મસૂત્રમાં સૂત્ર છે અને ભગવદ્ ગીતામાં શ્લોક છે. ભગવદ્ ગીતામાં શ્કોલો હોવા છતાં પણ ભગવાનની વાણી હોવાથી એ મંત્રો જ છે. આ શ્લોકોમાં બહુ જ ઉંડા અર્થ ભરેલા હોવાથી એમને સૂત્રો પણ કહી શકાય છે. ‘ઉપનિષદ્’ અધિકારી મનુષ્યોના કામની ચીજ છે અને ‘બ્રહ્મસૂત્ર’ વિદ્વાનોના કામની ચીજ છે; પરંતુ ‘ભગવદ્ ગીતા’ બધાયના કામની ચીજ છે.
 
ભગવદ્ ગીતા એક બહુ જ અલૌકિક અને વિલક્ષણ ગ્રંથ છે. એમાં સાધકને માટે ઉપયોગી સઘળી સામગ્રી મળે જે ચાહે તે કોઇ પણ દેશની, કોઇ પણ વેશની, કોઇ પણ સમુદાય, કોઇ પણ સંપ્રદાયની, કોઇ પણ વર્ણની, કે કોઇ પણ આશ્રમની કોઇ પણ વ્યક્તિ કેમ ન હોય. એનું કારણ એ છે કે એમાં કોઇ સમુદાયવિશેષની નિંદા કે પ્રશંસા નથી, પરંતુ વાસ્તવિક તત્વનું જ વર્ણન છે. વાસ્તવિક તત્વ (પરમાત્મા) એ છે, જે પરિવર્તનશીલ પ્રકૃતિ અને પ્રકૃતિજન્ય પદાર્થોથી સર્વથા અતીત અને સકળ દેશ, કાળ, વસ્તુ, વ્યક્તિ, પરિસ્થિતિ વગેરેમાં નિત્યનિરંતર એકરસ-એકરૂપ રહેવાવાળું છે. જે મનુષ્ય જ્યાં છે અને જેવો છે, વાસ્તવિક તત્વ ત્યાં તેવું જ પૂર્ણરૂપે વિદ્યમાન છે. પરંતુ પરિવર્તનશીલ પ્રકૃતિજન્ય વસ્તુઓ અને વ્યક્તિઓમાં રાગદ્વેષરહિત થતાં તેનો આપોઆપ અનુભવ થઇ જાય છે.
 
ભગવદ્ ગીતાનો ઉપદેશ મહાન અલૌકિક છે. એના ઉપર કેટલીય ટીકઓ થઇ ગઇ અને કેટલીય થતી જ રહી છે, છતાં પણ સંતમહાત્માઓ અને વિદ્વાનોના મનમાં ગીતાના નવાનવા ભાવો પ્રગટ થતા રહે છે. આ ગંભીર ગ્રંથ ઉપર ગમે તેટલો વિચાર કરવામાં આવે, તોપણ એનો કોઇ પાર નથી પામી શક્તું. એમાં જેમજેમ ઊંડા ઊતરતા જઇએ છીએ, તેમ ને તેમ એમાંથી ઊંડી વાતો મલતી જાય છે. જો એક સારા વિદ્વાન પુરુષના ભાવોનો પણ જલદી અંત નથી આવતો, તો પછી જેમનું નામ, રૂપ વગેરે યાવન્માત્ર અનંત છે, એવા ભગવાન દ્વારા કહેવાયેલાં વચનોમાં ભરેલા ભાવોનો અંત આવી જ કેવી રીતે શકે?
 
આ નાનકડા ગ્રંથમાં એટલી વિલક્ષણતા છે કે પોતાનું વાસ્તવિક કલ્યાણ ઇચ્છવાવાળો કોઇ પણ વર્ણ, આશ્રમ, દેશ, સંપ્રદાય, મત વગેરેનો કોઇ પણ મનુષ્ય કેમ ના હોય, આ ગ્રંથને વાંચતાં જ તેનાથી આકર્ષાઇ જાય છે. જો મનુષ્ય આ ગ્રંથનું થોડુંક પણ પઠનપાઠન કરે તો એને એમાંથી પોતાના ઉદ્ધારને માટેનો બહુ જ સંતોષજનક ઉપાય મળે છે. પ્રત્યેક દર્શનના અલગ-અલગ અધિકારી હોય છે, પણ ગીતાની એ વિલક્ષણતા છે કે પોતાનો ઉદ્ધાર ઇચ્છવાવાળા સઘળેસઘળા એના અધિકારી છે.
 
ભગવદ્ ગીતામાં સાધનોનું વર્ણન કરવામાં, વિસ્તારપૂર્વક સમજાવવામાં અને પ્રત્યેક સાધનને અનેક વાર કહેવામાં સંકોચ નથી કરવામાં આવ્યો, છતાં પણ ગ્રંથનું કદ નથી વધ્યું. આવો સંક્ષેપમાં વિસ્તૃત, યથાર્થ અને સઘળી વાત બતાવવાવાળો બીજો કોઇ ગ્રંથ નથી જોવા મળતો. પોતાના કલ્યાણની ઉત્કટ અભિલાષાવાળો મનુષ્ય દરેક પરિસ્થિતિમાં પરમાત્મતત્વને પ્રાપ્ત કરી શકે છે; યુદ્ધ જેવી ઘોર પરિસ્થિતિમાં પણ પોતાનું કલ્યાણ કરી શકે છે – આ રીતે વ્યવહારમાત્રમાં પરમાર્થની કલા ગીતામાં શીખવવામાં આવે છે. આથી એની બરોબરીનો બીજો કોઇ ગ્રંથ જોવામાં નથી આવતો.
 
ગીતા એક પ્રાસાદિક ગ્રંથ છે. એનો આશ્રય લઇને પાઠ કરવા માત્રથી ઘણા વિચિત્ર, અલૌકિક અને શાંતિદાયક ભાવો સ્ફુરિત થાય છે. એનો મન દઇને પાઠ કરવા માત્રથી ઘણી જ શાંતિ મળે છે. અને એક વિધિ એવી છે કે પહેલાં ગીતાનો આખો શ્લોક અર્થસહિત કંઠસ્થ કરી લેવામાં આવે, પછી એકાંતમાં બેસીને ગીતાના અંતિમ શ્લોક ‘यत्र योगेश्वरः कृष्ण...’ – અહીંથી લઇને ગીતાના પહેલા શ્લોક ‘धर्मक्षेत्रे कुरुक्षेत्रे...’ – અહીં સુધી પુસ્તક વિના ઊલતો પાઠ કરવામાં આવે તો ઘણી શાંતિ મળે છે. જો દરરોજ આખી ગીતાનો એક કે અનેક વખત પાઠ કરવામાં આવે તો એનાથી ગીતાના વિશેષ અર્થો સ્ફુરિત થાય છે. મનમાં કોઇ શંકા થાય તો પાઠ કરતાંકરતાં એનું સમાધાન થઇ જાય છે.
 
વાસ્તવમાં આ ગ્રંથના મહિમાનું વર્ણન કરવામાં કોઇ પણ સમર્થ નથી. અનંત મહિમાશાળી ગ્રંથના મહિમાનું વર્ણન કરી જ કોણ શકે છે?