ગીતા કોઇ વાદને લઇને નથી ચાલી અર્થાત્ દ્વૈત, અદ્વૈત, વિશિષ્ટાદ્વૈત, દ્વૈતાદ્વૈત, વિશુદ્ધદ્વૈત, અચિંત્યભેદાભેદ વગેરે કોઇ પણ વાદને, કોઇ એક સંપ્રદાયના કોઇ એક સિદ્ધાંતને લઇને નથી ચાલી. ગીતાનું મુખ્ય લક્ષ્ય એ છે કે મનુષ્ય કોઇ પણ વાદ, મત કે સિદ્ધાંતને માનવા વાળો કેમ ન હોય, તેનું પ્રત્યેક પરિસ્થિતિમાં કલ્યાણ થઇ જાય, તે કોઇ પણ પરિસ્થિતિમાં પરમાત્મપ્રાપ્તિથી વંચિત ન રહે, કેમકે જીવમાત્રનો મનુષ્ય યોનીમાં જન્મ કેવળ પોતાના કલ્યાણ માટે જ થયો છે. સંસારમાં એવી કોઇ પણ પરિસ્થિતિ નથી, જેમાં મનુષ્યનું કલ્યાણ ન થઇ શકતું હોય. કારણ કે પરમાત્મતત્વ પ્રત્યેક પરિસ્થિતિમાં સમાન રૂપે વિદ્યમાન છે. આથી સાધકની સામે કોઇ પણ અને ગમે તેવી પરિસ્થિતિ આવે, તેનો કેવળ સદુપયોગ કરવાનો છે. સદુપયોગ કરવાનો અર્થ છે – દુઃખદાયી પરિસ્થિતિ આવતાં સુખની ઇચ્છાનો ત્યાગ કરવો; અને સુખદાયી પરિસ્થિતિ આવતા સુખ ભોગની તથા ‘એવું થઇ રહે’ એવી ઇચ્છાનો ત્યાગ કરવો અને તેને બીજાઓની સેવામાં જોરતવી. આ રીતનો સદુપયોગ કરવાથી મનુષ્ય દુઃખદાયી અને સુખદાયી – બન્ને પરિસ્થિતિઓથી પર થઇ જાય છે અર્થાત તેનું કલ્યાણ થઇ જાય છે.
સૃષ્ટિની પૂર્વે પરમાત્મામાં ‘હું એક જ અનેક રૂપોમાં થઇ જાઉં’ એવો સંકલ્પ થયો. આ સંકલ્પથી એક જ પરમાત્મા પ્રેમવૃદ્ધિની લીલાને માટે, પ્રેમનું આદાનપ્રદાન કરવા માટે જ શ્રીકૃષ્ણ અને શ્રીજી (શ્રીરાધા) – આ બે રૂપોમાં પ્રગટ થઇ ગયા. એ બન્નેએ પરસ્પર લીલા કરવા માટે એક રમત આદરી. એ રમતને માટે પ્રભુના સંકલ્પથી અનંત જીવોની (કે જે અનાદિકાળથી હતા) અને રમતના પદાર્થો (શરીર વગેરે) ની સૃષ્ટિ થઇ. રમત ત્યારે જ થાય છે, જ્યારે બન્ને તરફના રમનારાઓ સ્વતંત્ર હોય. એટલા માટે ભગવાને જીવોને સ્વતંત્રતા પ્રદાન કરી. આ રમતમાં શ્રીજીનું કેવળ ભગવાનની તરફ જ આકર્ષ્ણ રહ્યું, રમતમાં એમનાથી ભુલ ના થઇ. આથી શ્રીજી અને ભગવાનમાં પ્રેમવૃદ્ધિની લીલા થઇ. પરંતુ બીજા જેટલા જીવો હતા, એ બધાએ ભુલથી સંયોગજન્ય સુખને માટે રમતના પદાર્થો (ઉત્પત્તિવિનાશશીલ પ્રકૃતિજન્ય પદાર્થો) ની સાથે પોતાનો સંબંધ માની લીધો, જેથી જન્મ મરણના ચક્કરમાં પડી ગયા !
રમતના પદાર્થો કેવળ રમતને માટે જ હોય છે, કોઇના વ્યક્તિગત નથી હોતા. પરતું એ જીવો રમત રમવાની તો ભૂલી જ ગયા અને મળેલી સ્વતંત્રતાનો દુરુપયોગ કરીને રમતના પદાર્થોને અર્થાત્ શરીર વગેરેને વ્યક્તિગત માનવા લાગી ગયા. આથી તેઓ એ પદાર્થોમાં ફસાઇ ગયા અને ભગવાનની સર્વથા વિમુખ થઇ ગયા. હવે જો એ જીવો શરીર વગેરે ઉત્પત્તિવિનાશશીલ પદાર્થોથી વિમુખ થઇને ભગવાનની સન્મુખ થઇ જાય, તો તેઓ જન્મમરણ રૂપી મહાન દુઃખથી સદાને માટે છૂટી જાય. આથી જીવો સંસારથી વિમુખ થઇને ભગવાનની સન્મુખ થઇ જાય અને ભગવાનની સાથેના પોતાના નિત્ય યોગ (નિત્ય સંબંધ) પિછાણી લે – એટલા જ માટે ભગવદ્ ગીતાનો અવતાર થયો છે.