अथ व्यवस्थितान्दृष्ट्वा धार्तराष्ट्रांकपिध्वजः ।
प्रवृत्ते शस्त्रसंपाते धनुरुद्यम्य पाण्डवः ॥ २० ॥
हृषीकेशं तदा वाक्यमिदमाह महिपते । (श्लोक क्रमशः)
હે મહિપતિ ધૃતરાષ્ટ્ર ! હવે જે સમયે શસ્ત્રો ચલાવવાની તૈયારી થઇ રહી હતી તે સમયે અન્યાયપૂર્વક રાજ્યને ધારણ કરવાવાળા રાજાઓ અને એમના સાથીદારોને વ્યવસ્થિત રીતે સામે ઊભેલા જોઇને કપિધ્વજ પાંડુપુત્ર અર્જુને પોતાનું ગાંડીવ ધનુષ્ય ઉઠાવ્યું અને અંતર્યામી ભગવાન શ્રીકૃષ્ણને આ વચન કહ્યું.
'अथ' - આ પદનું તાત્પર્ય એ છે કે હવે સંજય ભગવાન શ્રીકૃષ્ણ અને અર્જુનના સંવાદરૂપ 'ભગવદ્ગીતા' નો આરંભ કરે છે. અઠારમા અધ્યાયના ચુંમોતેરમા શ્લોકમાં આવેલા 'इति' પદથી આ સંવાદ પૂરો થાય છે. એવી જ રીતે ભગવદ્ ગીતાના ઉપદેશનો આરંભ એના બીજા અધ્યાયના અગિયારમા શ્લોકથી થાય છે અને અઠારમા અધ્યાયના છાસઠમા ઉપદેશ પૂરો થાય છે.
'प्रवृत्ते शस्त्रसंपाते' - જોકે પિતામહ ભીષ્મે યુદ્ધના આરંભની ઘોષણા કરવા માટે શંખ વગાડ્યો ન હતો, પરંતુ કેવળ દુર્યોધનને ખુશ કરવા માટે જ શંખ વગાડ્યો હતો, તેમ છતાં કૌરવો અને પાંડવોની સેનાએ એને યુદ્ધના આરંભની ઘોષણા જ માની લીધી અને પોતપોતાનાં અસ્ત્રશસ્ત્ર હાથમાં ઉઠાવીને તૈયાર થઇ ગયા. આ રીતે સેનાએ શસ્ત્રો ઉઠાવેલાં જોઇને વીરતામાં આવી જઇને અર્જુને પણ પોતાનું ગાંડીવ ધનુષ્ય હાથમાં ઉઠાવી લીધું,
'व्यवस्थितान् धार्तराष्ट्रान् दृष्ट्वा' - આ પદોથી સંજયનું કહેવાનું તાત્પર્ય એ છે કે જ્યારે આપના પુત્ર દુર્યોધને પાંડવોની સેનાને જોઇ, ત્યારે તે દોડતોદોડતો દ્રોણાચાર્ય પાસે ગયો. પરંતુ જ્યારે અર્જુને કૌરવોની સેનાને જોઇ, ત્યારે એનો હાથ સીધો ગાંડીવ ધનુષ્ય ઉપર જ ગયો - 'धनुरुद्यम्य'. આથી જણાઈ આવે છે કે દુર્યોધનના અંતરમાં ભય છે અને અર્જુનના હૈયામાં નિર્ભયતા છે, ઉત્સાહ છે તથા વીરતા છે.
'कपिध्वजः' - અર્જુનને માટે 'કપિધ્વજ' વિશેષણ વાપરીને સંજય ધૃતરાષ્ટ્રને અર્જુનના રથની ધજા ઉપર બિરાજેલા હનુમાનજીનું સ્મરણ કરાવે છે. જ્યારે પાંડવો વનમાં રહેતા હતા, ત્યારે એક દિવસ વાયુદેવે અકસ્માત્ એક દિવ્ય હજાર પાંખડીઓવાળું કમળ લાવી દ્રૌપદી આગળ નાખ્યું. એને જોઇને દ્રૌપદી બહુ જ પ્રસન્ન થઇ ગઇ અને તેણે ભીમસેનને કહ્યું કે, 'હે પરાક્રમીઓમાં શ્રેષ્ઠ ! આપ એવાં ઘણાં કમળો લાવી આપો.' દ્રૌપદીની ઇચ્છા પૂર્ણ કરવા માટે ભીમસેન ત્યાંથી ચાલી નીકળ્યા. જ્યારે તેઓ કદલીવનમાં પહોંચ્યા, ત્યારે ત્યાં એમને હનુમાનજીનો મેળાપ થઇ ગયો. એ બન્નેયની આપસમાં કેટલીય વાતો થઇ. છેવટે હનુમાનજીએ ભીમસેનને વરદાન માંગવા આગ્રહ કર્યો ત્યારે ભીમસેને કહ્યું કે, 'મારા ઉપર આપની કૃપા કાયમ રહે.' એના જવાબમાં હનુમાનજીએ કહ્યું કે, 'હે વાયુપુત્ર ! જ્યારે તમે બાણ અને શક્તિના આઘાતથી વ્યાકુળ બનેલી દુશ્મનોની સેનામાં પેસી જઇને સિંહગર્જના કરશો, તે વખતે હું મારી ગર્જનાથી એ સિંહગર્જનાને વધારીને ઘણી મોટી બનાવી દઇશ. એ ઉપરાંત હું અર્જુનના રથની ધજા ઉપર બેસીને એવી ભયંકર ગર્જના કરીશ, જે શત્રુઓના પ્રાણોનું હરણ કરનારી બનશે અને જેથી તમે તમારા શત્રુઓને સુગમતાથી મારી શકશો.' [૧] આવી રીતે જેમના રથની ધજા ઉપર હનુમાનજી બિરાજેલા છે, તેમનો વિજય નિશ્ચિત છે.
'पाण्डवः' - ધૃતરાષ્ટ્રે પોતાના પ્રશ્નોમાં 'पाण्डवः' પદનો પ્રયોગ કર્યો હતો, એટલે સંજય ધૃતરાષ્ટ્રને પાંડવોની યાદ અપાવવા માટે વારંવાર (અ. ૧/૧૪માં અને અહીં) 'पाण्डवः' શબ્દનો પ્રયોગ કરે છે.
'हृषिकेशं तदा वाक्यमिदमाह महीपते' - પાંડવોની સેનાને જોઇને દુર્યોધન તો ગુરુ દ્રોણાચાર્ય પાસે જઇને ચાલાકીથી ભરેલાં વચનો બોલે છે; પરંતુ અર્જુન કૌરવોની સેનાને જોઇને જે જગદ્ગુરુ છે, અંતર્યામી છે, મનબુદ્ધિ, વગેરેનાં પ્રેરક છે - એવા ભગવાન શ્રીકૃષ્ણને શૂરવીરતા, ઉત્સાહ અને પોતાના કર્તવ્યથી ભરેલાં (આગળ કહેવાશે તે) વચનો બોલે છે.
[૧] -
तदाहं बृंहयिष्यामि स्वरवेण रवं तव । विजयस्य ध्वजस्थश्च नादान् मोक्ष्यामि दारुणान् ॥
शत्रूणां ये प्राणहराः सुखं येन हनिष्यथ । (મહાભારત, વન. ૧૫૧/૧૭-૧૮)
સંબંધ - ધૃતરાષ્ટ્રે પહેલા શ્લોકમાં પોતાના અને પાંડુના પુત્રો અંગે પ્રશ્ન કર્યો હતો. એનો ઉત્તર સંજયે બીજા શ્લોકથી ઓગણીસમા શ્લોક સુધી આપી દીધો. હવે ભગવદ્ ગીતાના પ્રાકટ્યનો સંજય આગળના શ્લોકથી આરંભ કરે છે.