संजय उवाच
एवमुक्तो हृषीकोशे गुडाकेशेन भारत ।
सेनयोरुभयोर्मध्ये स्थापयित्वा रथोत्तमम् ॥ २४ ॥
भीष्मद्रोणप्रमुखतः सर्वेषां च महीक्षिताम्
उवाच पार्थ पश्यैतान्समवेतान्कुरूनिति ॥ २५ ॥
સંજય બોલ્યા - હે ભરતવંશી રાજન ! નિદ્રાવિજયી અર્જુને આ પ્રમાણે કહ્યું એટલે અંતર્યામી ભગવાન શ્રીકૃષ્ણએ બન્ને સેનાઓના મધ્યભાગમાં પિતામહ ભીષ્મ અને આચાર્ય દ્રોણની સામે તથા સઘળાં રાજાઓની સામે શ્રેષ્ઠ રથને ઊભો રાખીને આ પ્રમાણે કહ્યું કે, 'હે પાર્થ ! આ એકઠા થયેલા કુરુવંશીઓને જો.'
'गुडाकेशेन' - 'गुडाकेश' શબ્દના બે અર્થ થાય છે. - (૧) 'गुडा' ગોળાકારને કહે છે અને 'केश' વાળને કહે છે. જેના માથાના વાળ ગોળાકાર અર્થાત્ ગુચ્છાદાર છે, એનું નામ 'गुडाकेश' છે, (૨) 'गुडाका' નિદ્રાને કહે છે અને 'ईश' સ્વામીને કહે છે. જે નિદ્રાનો સ્વામી છે અર્થાત્ નિદ્રા લે, ચાહે ન લે - એવો જેનો નિદ્રા ઉપર અધિકાર છે, એનું નામ 'गुडाकेश' છે. અર્જુનના વાળ ગુચ્છાદાર હતા અને નિદ્રા ઉપર એનો કાબૂ હતો; આથી એને 'गुडाकेश' કહ્યો છે.
'एवमुक्तः' - જે નિદ્રા-આળસના સુખનો ગુલામ બનતો નથી અને વિષયભોગોનો દાસ બનતો નથી, કેવળ ભગવાનનો જ દાસ (ભક્ત) બને છે, એ ભક્તની વાત ભગવાન સાંભળે છે; માત્ર સાંભળતા જ નથી, એની આજ્ઞાનું પાલન પણ કરે છે. આથી પોતાના મિત્ર ભક્ત અર્જુને આજ્ઞા આપી એટલે ભગવાન શ્રીકૃષ્ણે બન્ને સેનાઓની વચમાં અર્જુનનો રથ ઊભો રાખ્યો.
'हृषीकेशः' - ઇંદ્રિયોને 'हृषीक' કહે છે. જે ઇંદ્રિયોનો ઇશ અર્થાત્ સ્વામી છે, એને ઋષિકેશ કહે છે. પહેલાં એકવીસમા શ્લોકમાં અને અહીં 'हृषीकेश' કહેવાનું તાત્પર્ય એ છે કે મન, બુદ્ધિ, ઇંદ્રિયો વગેરે બધાના પ્રેરક છે અને બધાને આજ્ઞા આપનારા છે, એ જ અંતર્યામી ભગવાન અહીં અર્જુનની આજ્ઞાનું પાલન કરનારા બની ગયા છે. આ એમની અર્જુન ઉપર કેટલી કૃપા છે !
'सेनयोरुभयोर्मध्ये स्थापयित्वा रथोत्तमम्' - બન્ને સેનાઓની વચમાં જ્યાં ખાલી જગા હતી, ત્યાં ભગવાને અર્જુનના શ્રેષ્ઠ રથને ઊભો કર્યો.
'भीष्मद्रोणप्रमुखतः सर्वेषां च महीक्षिताम्' - એ રથને પણ ભગવાને અદ્ભુત ચતુરાઈથી એવી જગાએ ઊભો રાખ્યો, કે જ્યાંથી અર્જુનને કૌટુંબિક સંબંધવાળા આચાર્ય દ્રોણ અને કૌરવસેનાના મુખ્ય-મુખ્ય રાજાઓ સામે દેખાઈ આવે.
'उवाच पार्थ पश्यैतांसमवेतान्कुरूनिति' - 'कुरु' પદમાં ધૃતરાષ્ટ્રના પુત્રો અને પાંડુના પુત્રો - એ બન્ને સમાઇ જાય છે; કેમ કે એ બન્ને કુરુવંશના છે. 'યુદ્ધને માટે એક્ઠા થયેલા આ કુરુના વંશજોને જો' - એવું કહેવાનું તાત્પર્ય એ છે કે કુરુવંશીઓને જોઇને અર્જુનના મનમાં એ ભાવ પેદા થઇ જાય કે અમે બધા એક જ છીએ ને ! આ પક્ષના હોય કે પેલા પક્ષના હોય; ભલા હોય ચાહે બૂરા હોય; સદાચારી હોય ચાહે દુરાચારી હોય; પણ બધા છે તો આપણા જ કુટુંબીઓ. આ કારણે અર્જુનના મનમાં છુપાયેલો કુટુંબની મમતાવાળો મોહ જાગ્રત થઇ જાય અને મોહ જાગ્રત થવાથી અર્જુન જિજ્ઞાસુ બની જાય, જેથી અર્જુનને નિમિત્ત બનાવીને ભાવી કળિયુગના જીવોના કલ્યાણ માટે ગીતાનો મહાન ઉપદેશ આપી શકાય - એ ભાવથી ભગવાને અહીં 'पश्यैतान् समवेतान् कुरून्' કહ્યું છે. નહિતર ભગવાન 'पश्यैतान् धार्तराष्ट्रान् समानिति' - એમ પણ કહી શકત. પરંતુ એવું કહેવાથી અર્જુનના મનમાં યુદ્ધ કરવાનો જુસ્સો આવી જાત, જેથી ગીતાના પ્રાકટ્યનો અવસર જ ન આવત ! અને અર્જુનના મનમાં છુપાયેલો કૌટુંબિક મોહ પણ દૂર ન થાત, જેને દૂર કરવાની ભગવાન પોતાની જવાબદારી માને છે. જેવી રીતે કોઇ ફોલ્લો થાય તો વૈદ્ય પહેલાં એને પકવવાની ચેષ્ટા કરે છે અને જ્યારે એ પાકી જાય, ત્યારે એમાં ચીરો કરીને સાફ કરી કે છે, તેવી જ રીતે ભગવાન ભક્તના મનમાં છુપાયેલા મોહને પ્રથમ જાગ્રત કરીને પછી એને દૂર કરે છે. અહીં પણ ભગવાન અર્જુનના મનમાં છુપાયેલા મોહને 'कुरून् पश्य' કહીને જાગ્રત કરી રહ્યા છે, જેનો આગળ ઉપદેશ આપીને નાશ કરી નાખશે.
અર્જુને કહ્યું હતું કે, 'એમને હું જોઇ લઉ' - 'निरीक्षे' (અ. ૧/૨૨), 'अवेक्षे' (અ. ૧/૨૩); આથી અહીં ભગવાને 'पश्य' ('તું જોઇ લે') - એમ કહેવાની જરૂર જ ન હતી. ભગવાને તો ફક્ત રથ ઊભો રાખવાનો હતો. પરંતુ ભગવાને રથ ઊભો રાખીને અર્જુનના મોહને જાગ્રત કરવા માટે જ 'कुरून् पश्य' (આ કુરુના વંશજોને જો) - એમ કહ્યું છે.
કૌટુંબિક સ્નેહ અને ભગવત્-પ્રેમ એ બેમાં ઘણો ફેર છે. કુટુંબમાં મમતાવાળો સ્નેહ થઇ જાય છે ત્યારે કુટુંબના અવગુણો તરફ નજર જતી જ નથી; પરંતુ 'આ મારા છે' - એવો ભાવ રહે છે. એવી જ રીતે ભગવાનનો ભક્તમાં ખાસ સ્નેહ થઇ જાય છે ત્યારે ભક્તના અવગુણો તરફ ભગવાનની નજર જતી જ નથી. પરંતુ 'આ મારો જ છે' - એવો ભાવ રહે છે. કૌટુંબિક સ્નેહમાં ક્રિયા તથા પદાર્થ (શરીર વગેરે) નું અને ભતવત્-પ્રેમમાં ભાવનું પ્રાધાન્ય રહે છે. કૌટુંબિક સ્નેહમાં મૂઢતા (મોહ) નું અને ભગતવ્-પેમમાં આત્મીયતાનું પ્રાધાન્ય રહે છે. કૌટુંબિક સ્નેહમાં અંધારું અને ભગવત્-પેમમાં પ્રકાશ રહે છે. કૌટુંબિક સ્નેહમાં મનુષ્ય કર્તવ્યચ્યુત થઇ જાય છે અને ભગવત્-પ્રેમમાં તલ્લીનતાને કારણે કર્તવ્યના પાલનનું વિસ્મરણ તો થઇ શકે છે, પરંતુ ભક્ત કદીય કર્તવ્યચ્યુત નથી થતો. કૌટુંબિક સ્નેહમાં કુટુંબીઓનું અને ભગવત્-પેમમાં ભગવાનનું પ્રાધાન્ય હોય છે.
સંબંધ - અર્જુનના આમ કહેવાથી ભગવાને શું કર્યું - એને સંજય આગળના બે શ્લોકોમાં કહે છે.