અધ્યાય ૦૧ - શ્લોક ૩૩

મૂળ શ્લોક: 

येषामर्थे काङिक्षतं नो राज्यं भोगाः सुखानि च ।
त इमेऽवस्थिता युद्धे प्राणांस्त्यक्त्वा धनानि च ॥ ३३ ॥

શ્લોક ભાવાર્થ: 

જેમના માટે અમારી રાજ્ય, ભોગ અને સુખની ઇચ્છા છે, એ જ આ બધા પોતાના પ્રાણોની અને ધનની આશાને ત્યજીને યુદ્ધમાં ઊભા છે.

સ્વામી રામસુખદાસજી દ્વારા ગુજરાતી ટીકા: 

'येषामर्थे काङिक्षतं नो राज्यं भोगाः सुखानि च' - અમે રાજ્ય, સુખ, ભોગ વગેરે જે કંઇ ઇચ્છીએ છીએ, એમને પોતાના વ્યક્તિગત સુખને માટે ઇચ્છતા નથી, પરંતુ આ કુટુંબીઓ, પ્રેમીઓ, મિત્રો વગેરેને માટે જ ઇચ્છીએ છીએ. આચાર્યો, પિતાઓ, પિતામહો, પુત્રો વગેરેને સુખ અને આરામ પહોંચે, એમની સેવા થઇ શકે, એ પ્રસન્ન રહે - એને માટે જ અમે યુદ્ધ કરીને રાજ્ય લેવા ઇચ્છીએ છીએ, ભોગ-સામગ્રી એકઠી કરવા માગીએ છીએ.
 
'त इमेऽवस्थिता युद्धे प्राणांस्त्यक्त्वा धनानि च' - પરંતુ એ જ આ સઘળેસઘળા પોતાના પ્રાણોની અને ધનની આશા ત્યજીને યુદ્ધ કરવા માટે અમારી સમક્ષ રણભૂમિમાં ઊભા છે. એમણે એવો વિચાર કરી દીધો છે કે નથી અમને પ્રાણોનો મોહ કે નથી ધનની તૃષ્ણા; અમે બેશક મરી જઇએ, પણ યુદ્ધમાંથી હઠીશું નહિ. જો આ બધા મરી જ જાય, તો પછી અમારે રાજ્ય કોના માટે જોઇએ? સુખ કોના માટે જોઇએ? ધન કોના માટે જોઇએ? અર્થાત્ આ બધાની ઇચ્છા અમે કોના માટે કરીએ?
 
'प्राणांस्त्यक्त्वा धनानि च' નું તાત્પર્ય એ છે કે તો પ્રાણોની અને ધનની આશાને છોડીને ઊભા છે અર્થાત્ અમે જીવતા રહીશું અને અમને ધન મળશે - એવી ઇચ્છાને છોડીને તેઓ ઊભા છે. જો એમને પ્રાણોની અને ધનની ઇચ્છા હોત, તો તેઓ મરવા માટે યુદ્ધમાં કેમ ઊભા રહેત? આથી અહીં પ્રાણ અને ધનનો ત્યાગ કરવાનું તાત્પર્ય એમની આશાનો ત્યાગ કરવામાં જ છે.

શ્લોક માહિતી: 

સંબંધ - અર્જુન વિજય વગેરે કેમ ઇચ્છતા નથી; એનું કારણ આગળના શ્લોકમાં બતાવે છે.