अर्जुन उवाच
दृष्ट्वेमं स्वजनं कृष्ण युयुत्सुं समुपस्थितम् ॥ २८ ॥
सीदन्ति मम गात्राणि मुखं च परिशुष्यति ।
वेपथुश्च शरीरे में रोमहर्षश्च जायते ॥ २९ ॥
गाण्डीवं स्रंसते हस्तात्त्वक्चैव परिदह्यते ।
न च शक्नोम्यवस्थातुं भ्रमतीव च में मनः ॥ ३० ॥
અર્જુન બોલ્યા - હે કૃષ્ણ ! યુદ્ધની ઇચ્છાવાળા આ કુટુંબસમુદાયને સામે ઊભેલા જોઇને મારા ગાત્રો ઢીલા થઇ રહ્યાં છે અને મોઢું સૂકાઈ રહ્યું છે અને રુવાંટાં ઊભાં થઇ રહ્યાં છે. હાથમાંથી ગાંડીવ ધનુષ્ય સરકી રહ્યું છે અને ચામડી પણ બળી રહી છે. મારું મન જાણે ભમે છે અને હું ઊભો રહેવા પણ અસમર્થ થઇ રહ્યો છું.
'दृष्ट्वेमं स्वजनं कृष्ण युयुत्सुं समुपस्थितम्' - અર્જુનને 'कृष्ण' નામ ઘણું જ પ્રિય હતું. આ સંબોધન ગીતામાં નવ વખત આવ્યું છે. ભગવાન કૃષ્ણને માટે બીજું કોઇ સંબોધન એટલી વાર આવ્યું નથી. એવી જ રીતે ભગવાનને અર્જુનનું 'पार्थ' નામ ઘણું પ્રિય હતું. એટલે ભગવાન અને અર્જુન પરસ્પરની વાતચીતમાં એ નામો લેતા હતા અને એ વાત લોકોમાં પણ પ્રસિદ્ધ હતી. આ દ્રષ્ટિએ સંજયે ગીતાના અંતે 'कृष्ण' અને 'पार्थ' નામનો ઉલ્લેખ કર્યો છે - 'यत्र योगेश्वरः कृष्णो यत्र पार्थो धनुर्धरः' (અ. ૧૮/૭૮).
ધૃતરાષ્ટ્ર પહેલાં 'समवेता युयुत्सवः' કહ્યું હતું અને અહીં અર્જુને પણ 'युयुत्सुं समुपस्थितम्' કહ્યું છે. પરંતુ બન્નેની દ્રષ્ટિમાં ઘણો ફેર છે. ધૃતરાષ્ટ્રની દ્રષ્ટિમાં તો દુર્યોધન વગેરે મારા પુત્રો છે અને યુધિષ્ઠિર વગેરે પાંડુના પુત્રો છે - એવો ભેદ છે; એટલે ધૃતરાષ્ટ્રે ત્યાં 'मामकाः' અને 'पाण्डवाः' કહ્યું છે. પરંતુ અર્જુનની દ્રષ્ટિમાં એ ભેદભાવ નથી; આથી અર્જુને અહીં 'स्वजनम्' કહ્યું છે, જેમાં બન્ને પક્ષોના લોકો આવી જાય છે. તાત્પર્ય એ છે કે ધૃતરાષ્ટ્રને તો યુદ્ધમાં પોતાના પુત્રોના મરવાની આશંકાથી ભય છે, શોક છે; પરંતુ અર્જુનને બન્ને તરફના કુટુંબીઓના મરવાની આશંકાથી શોક થઇ રહ્યો છે, કે કોઇ પણ તરફના કોઇ પણ મરે પણ એ અંતે છે તો અમારા જ કુટુંબી.
અત્યાર સુધી 'दृष्ट्वा' પદ ત્રણ વાર આવ્યું છે. 'दृष्ट्वा तु पाण्डवानीकम्' (અ. ૧/૨), 'व्यवस्थितान्दृष्ट्वा धार्तराष्ट्रान्' (અ. ૧/૨૦), 'दृष्ट्वेमं स्वजनम्' (અ. ૧/૨૮). આ ત્રણેનું તાત્પર્ય એ છે કે દુર્યોધનનું જોવું તો એક જ જાતનું રહ્યું અર્થાત્ દુર્યોધનનો તો યુદ્ધનો જ એક ભાવ રહ્યો; પરંતુ અર્જુનનું જોવાનું બે પ્રકારનું હતું. પહેલાં તો અર્જુન ધૃતરાષ્ટ્રના પુત્રોને જોઇને શૂરાતનમાં આવી જઇને યુદ્ધ માટે ધનુષ્ય ઉઠાવીને ઊભા થઇ જાય છે અને હવે સ્વજનોને જોઇને કાયરતાને વશ થઇ રહ્યા છે, યુદ્ધથી ઉપરત થઇ રહ્યા છે અને એમના હાથમાંથી ધનુષ્ય સરકી રહ્યું છે.
'सीदन्ति मम गात्राणि ... भ्रमतीव च मे मनः' - અર્જુનના મનમાં યુદ્ધના ભાવિ પરિણામના વિચારથી ચિંતા થઇ રહી છે, દુઃખ થઇ રહ્યું છે. એ ચિંતા અને દુઃખની અસર અર્જુનના આખા શરીર ઉપર પડી રહી છે. એ અસરને અર્જુન સ્પષ્ટ શબ્દોમાં કહી રહ્યા છે, કે મારા શરીરનાં હાથ, પગ, મોઢું વગેરે એકેએક અંગ (અવયવ) શિથિલ થઇ રહ્યા છે. મોઢું સૂકાઈ રહ્યું છે, જેથી બોલવાનું પણ મુશ્કેલ બની રહ્યું છે ! આખું શરીર થરથર કંપી રહ્યું છે ! શરીરનાં બધાં જ રુવાંટાં ઊભા થઇ રહ્યા છે અર્થાત્ સમગ્ર શરીરમાં રોમાંચ થઇ રહ્યો છે ! જે ગાંડીવ ધનુષ્યની પણછના ટંકારથી શત્રુઓ ભયભીત થઇ જાય છે, તે જ ગાંડીવ ધનુષ્ય આજે મારા હાથમાંથી સરકી રહ્યું છે. ત્વચામાં - આખા શરીરમાં બળતરા થઇ રહી છે. [૧] મારું મન ભમી રહ્યું છે અર્થાત્ મારે શું કરવું જોઇએ - એ પણ સૂઝતું નથી ! અહીં રણભૂમિમાં રથ ઉપર ઊભો રહેવામાં પણ હું અસમર્થ બની રહ્યો છું. એવું લાગે છે કે હું મૂર્ચ્છામાં આવીને ગબડી પડીશ ! આવા અનર્થ કરનારા યુદ્ધમાં ઊભા રહેવું એ પણ જાણે એક પાપ હોય એમ જણાઈ રહ્યું છે.
[૧] - चिन्ता चितासमा ह्युक्ता बिन्दुमात्रं विशेषतः । सजीवं दहते चिन्ता निर्जीवं दहते चिता ॥ - ચિંતાને ચિતા સમાન કહી છે, તેમાં માત્ર એક જ બિંદુ વધારે છે. ચિંતા જીવતા પુરુષને બાળે છે અને ચિતા મરેલા પુરુષને બાળે છે.