ગણેશજી

જેમની માતા પાર્વતી છે અને પિતા મહાદેવ શિવ શંકર છે એ ગણેશજીની જય હો... હે કૃપાનિધિ ! આપને એક દંત અને ચાર ભૂજાઓ છે. આપના માથા પર સિંદૂરનું તિલક શોભાયમાન છે અને આપ ઉંદરની સવારી કરો છો. આપની જય હો, જય હો...
ગૌરી-પાર્વતીના પુત્ર વિનાયક ગણપતિ દેવને પ્રણામ કરી આયુષ્ય કામના માટે અને સર્વ કાર્યની સિદ્ધિ અર્થે ભક્તોના આવાસ સ્થાનરૂપ ગણપતિનું નિત્ય સ્મરણ કરવું.
ગૌરી તણા તનય હે ! વર ઇષ્ટ દાતા, હે નાથ, આપ જગપાલક છો વિધાતા; વિઘ્નો બધા દૂર કરી નિજ અંક થાપો, પ્રીતે ગજાનન નમું ભવબંધ કાપો ...
હે પાર્વતીમાતાને આનંદ આપનાર, સુખ-દુઃખ, જીવન-મરણ વગેરે દ્વંદ્વોંને ખંડ-ખંડ કરનાર અને હરનાર, મહેશજી (શિવજી) ના સુંદર લાડલા, જગત વંદનીય ! આપની જય હો, જય હો, જય હો.